બેન્ક મેનેજરે મહિલા સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ સોનાનો ગ્લેટ લગાવી રૂ.૩૪.૭૦ લાખની બેન્ક સાથે છેતરપિંડી
શહેરના ICICI બેન્કની ગોંડલ રોડ, મવડી રોડ અને શારદા બાગ પાસેની બ્રાન્ચમાં સોનાના નકલી ઘરેણા પર રૂ.૩૪.૭૦ લાખનું ધિરાણ મેળવી બેન્ક સાથે છેતરપિંડી કર્યાની મહિલા સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સુરેન્દ્રનગરના દંપત્તી સહિત ત્રણની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પર જયનાથ કોમ્પ્લેક્ષમાં ICICI બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રજનીબેન જયસુખભાઇ મકાણીએ જામનગર રોડ પર આવેલી ગાયત્રીધામ સોસાયટીના યુવરાજસિંહ જગતસિંહ જાડેજા, સુરેન્દ્રનગરના અજલીબા રાજદીપસિંહ ડાભી તેમના પતિ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ ડાભી અને યશ બાબુલાલ ચાવડા સામે રૂ.૩૪.૭૦ લાખની છેતરપિંડી અંગેની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચારેય શખ્સોએ પાંચેક માસ પહેલાં સોનાના ઘરેણા પર ધિરાણ મેળવવા અરજી કરી હતી. ચારેય શખ્સોએ ICICI બેન્કની મવડી, ગોંડલ રોડ અને શારદા બાગ ખાતેની બ્રાન્ચમાં અંદાજે ૨ કિલો જેટલા સોનાના ઘરેણા પર રૂ.૩૪.૭૦ લાખનું ધિરાણ મેળવ્યા બાદ નિયમીત હપ્તા ન ભરતા બેન્ક દ્વારા તપાસ કરવામાં આવી હતી. ચારેય શખ્સોએ ICICI બેન્કની જ ત્રણેય બ્રાન્ચમાંથી ધિરાણ મેળવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ બેન્ક દ્વારા સોનાના ઘરેણાની ચકાસણી કરાવતા ચારેય શખ્સોએ બેન્કમાં ગીરવે મુકેલા ઘરેણા નકલી હોવાનું બહાર આવતા ચારેય શખ્સો સામે રૂ.૩૪.૭૦ લાખની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ. પી.એમ.ધાખડા સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે નકલી ઘરેણાને સોનાના ઘરેણા હોવાનું જણાવી પૂર્વ યોજીત કાવતરૂ રચી બેન્ક સાથે છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી યુવરાજસિંહ જાડેજા, રાજદીપસિંહ ડાભી અને તેમના પત્ની અંજલીબા ડાભીની ધરપકડ કરી છે.
ત્રણેયની પૂછપરછમાં યુવરાજસિંહ જાડેજા ડુપ્લીકેટ દાગીના પર સોનાનું પળ ચડાવી અસલ તરીકે બેન્કમાં ગીરવે મુકી લોન લીધાનું ખુલ્યું છે. યુવરાજસિંહ જાડેજા આ પહેલાં પણ છેતરપિંડીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્રણેય વૈભવી લાઇફ સ્ટાઇલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.