કાશ્મીરમાં 40 દિવસોમાં ઠંડીનો કહેર યથાવત રહેતા પહાડી વિસ્તારોમાં લોકો ઠંડીમાં થથરી રહ્યા છે. કાશ્મીરનાં હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, જો આવુને આવુ વાતાવરણ રહેશે તો અનંતનાગ, કુલગામ ,બડગામ,બારામુલા, કુપવાડા, બાંદીપોર, કારગિલ અને લેહમાં હિમસ્ખલન થવાની શક્યતાઓ વધી શકે છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ન જવા અંગેની સૂચના આપવામાં આવી છે. NDRF,પોલીસ, પેરા મેડિકલ સ્ટાફને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના પણ આપાઈ છે.
શ્રીનગરમાં ગુરુવારે રાતે સામાન્ય તાપમાન શૂન્યથી 3.2 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યુ હતુ. દક્ષિણ કાશ્મીરનાં કાજીગુંડમાં સામાન્ય તાપામાન શૂન્યથી 0.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયુ છે. જ્યારે કોકેરનાગ વિસ્તારમાં સામાન્ય તાપમાન શૂન્યથી 1.0 ડિગ્રી સેલ્સિયસ ઓછુ રહ્યુ હતુ.
ભારે હિમવર્ષાને કારણે શુક્રવારે સાંજે જવાહર ટનલથી કાશ્મીર જતા વાહનોને ઉધમપુર પાસે અટકાવી દેવાયા હતા. બંન્ને તરફથી હજારોની સંખ્યામાં વાહનો ફસાયા હતા. રાજધાની શ્રીનગર સહિત કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં હિમવર્ષાથી પારો ગગડ્યો હતો.
રાજોરી અને પૂંછ જિલ્લાને કાશ્મીર સાથે જોડનારો મુગલ રોડ ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારે પણ જમ્મુ-કાશ્મીરનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપી હતી.