રાજયપાલે મૃતકોના સગાને પાંચ લાખની સહાયની જાહેરાત કરી
જમ્મુ-કાશ્મીરમાં ખાર્દુગલા પહાડી રસ્તા પર હિમ પ્રપાત નીચે દબાઇ જતાં પાંચ નાગરીકોના મોત થયા હતા. કુલ ૧૦ લોકો બરફ નીચે ફસાયા હતા. બરફ નીચે દબાઇ ગયેલા નાગરીકો પૈકી પાંચના મૃતદેહ મળી આવ્યા છે. જયારે બાકીનાને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
મહત્વનું છે કે આ હિમ પ્રપાતના બરફ નીચે કેટલાક વાહનો પણ ફસાયા હોવાની આશંકા છે. ૧૦ લોકોને લઇ જઇ રહેલી ટ્રક હિમ પ્રપાતની અડફેટે આવી જતાં આ દુર્ધટના સર્જાઇ હતી. સૈન્ય, સ્થાનીક પોલીસ અને રાજય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બચાવ કામગીરી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ખાર્દુગલા લા પાસ ૧૭,૫૦૦ ફુટ ઉંચો છે. અને સવારે સાત વાગ્યે થયેલા હિમ પ્રપાતમાં ૧૦ લોકોને લઇને જઇ રહેલો ટ્રક ર૦ ફુટ ઊંડો જતો રહ્યો જેને કારણે ટ્રક બરફમાં દબાઇ ગયો અને પાંચના કરુણ મોત થયા માઇનસ ૧પ ડીગ્રી તાપમાનમાં બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વીતેલા કેટલાક દિવસોથી ભારે બરફવર્ષા થઇ રહી છે. હવામાન વિભાગે અનંતનાગ, બડગાંવ, બારામૂલા, બોદિપોરા, ગંદર બાલ, કારગીર, કુલગામ, કુપવારા અને લેહ એમ નવ જીલ્લામાં હિમ પ્રપાતની ચેતવણી આપી હતી.
જીલ્લા પ્રશાસન પોલીસ અને રાજય ડિસ્જાસ્ટર રિસ્પોન્સની ટીમ ઘટના સ્થળ પર છે જે લેહ શહેરથી ૪૦ કી.મી. દુર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પ્રતિકુળ હવામાન હોવાનું જણાવ્યા બાદ પ્રશાસને હિમ સ્ખલનને લઇ હાઇ એલર્ટ જાહેર કર્યુ હતું. આ અંગે લેહના ડેપ્યુટી કમિશ્નર અવની લવાસાએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જયારે આ વિસ્તારમાં કેટલાક લોકો બરફમાં ખોદકામ કરી રહ્યા હતા. બરફમાં થયેલા ખોદકામને કારણે સંભવત બરફનું તોફાન આવ્યું અને ટ્રક તેની ચપેટમાં આવી ગયો. અને પાંચ લોકો ના બરફમાં દબાતા મોત થયા જો કે અન્ય પાંચ લોકોની શોધખોળ ચાલી રહી છે.
દરમિયાન રાજયપાલ સત્યપાલ મલીકે મૃતકોના સગાને પાંચ પાંચ લાખની સહાય જાહેર કરી હતી. કાશ્મીરમાં નવેસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાથી હજુ ઠંડી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી હતી.