ટી-૨૦ રેન્કિંગમાં કુલદીપની ૧૪ ક્રમની જોરદાર છલાંગ
ભારતની વિન્ડીઝ પર જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે આઈસીસી ટી-૨૦ રેંકિંગમાં ૧૪ ક્રમની જોરદાર છલાંગ લગાવી છે અને તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ૨૩માં ક્રમે પહોંચી ગયો છે. કુલદીપે વિન્ડીઝ સામેની ટી૨૦ સીરીઝમાં ૩ મેચોમાં ૫ વિકેટ્સ લીધી. આઈસીસી દ્વારા રજૂ કરવામાં આવેલી ટીમ રેંકિંગની વાત કરીએ તો પાકિસ્તાન પ્રથમ અને ભારત બીજા સ્થાને છે.
આઈસીસીની સોમવારે રજૂ કરવામાં આવેલી નવી રેંકિંગમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ૯ ક્રમના ઉછાળા સાથે ટોપ ૨૦માં પહોંચી ગયો છે. તે હવે ૧૯મા જ્યારે જસપ્રીત બુમરાહ ૨૧મા સને છે. બુમરાહે પાંચ સનની છલાંગ લગાવી છે.
ભારતીય બેટ્સમેનોમાં રોહિત શર્મા અને ઓપનર શિખર ધવને પણ પોતાની રેંકિંગમાં સુધારો કર્યો છે. આ સીરીઝમાં ટીમની આગેવાની કરનારા રોહિત ૩ સન ઉપર ચડીને ૭મા જ્યારે ધવન પાંચ ક્રમની છલાંગ સાથે ૧૬મા સ્થાને પહોંચી ગયો છે. ટીમ રેંકિંગમાં પાકિસ્તાન ૧૩૮ જ્યારે ભારત ૧૨૭ પોઈન્ટ સાથે પ્રથમ અને બીજા સ્થાને છે.
ઓલરાઉન્ડર્સની યાદીમાં ટોચના ૪ ક્રમમાં કોઈ બદલાવ થયો નથી. ઑસ્ટ્રેલિયાનો ગ્લેન મેક્સવેલ પ્રથમ સ્થાને છે. તેના પછી મોહમ્મદ નબી, શાકિબ અલ હસન અને જેપી ડુમિનીનો નંબર આવે છે. આ મહીને ઑસ્ટ્રેલિયાને ચાર ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. તેમાંથી એક સાઉથ આફ્રિકા અને ત્રણ ભારત સામે છે.
જો ઑસ્ટ્રેલિયા આ ચારેય મેચોમાં જીત મેળવે છે તો તેના ૧૨૬ અંક થઈ જશે અને તે બીજા સ્થાને આવી જશે પણ જો તે તમામ ચાર મેચો હારી જશે તો ૧૧૨ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી જશે. આ જ રીતે જો સાઉથ આફ્રિકા ૧૭ નવેમ્બરે રમાનારી મેચ જીતશે તો તેને ૩ પોઈન્ટ્સ મળશે અને ભારત ઑસ્ટ્રેલિયા સામેની ત્રણેય મેચો જીતશે તો તેની પાસે ૧૨૯ પોઈન્ટ્સ થઈ જશે.