મહાશિવરાત્રી કુંભ મેળામાં આપાગીગાના ઓટલે સેવા આપનાર સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો
જુનાગઢમાં ગત તા.૨૪ માર્ચ મધુરમ શ્યામવાડી ખાતે તાજેતરમાં યોજાયેલા મહાશિવરાત્રી લઘુકુંભ મેળામાં આપાગીગાના ઓટલે અન્નક્ષેત્રમાં સેવા આપનાર સૌથી વધારે સ્વયંસેવકો, જ્ઞાતી અગ્રણીઓ અને સમાજ શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આની સાથે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનું સ્નેહમિલન પણ યોજાયું હતું. નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાતિના સર્વાંગીણ વિકાસ માટે જ્ઞાતી શ્રેષ્ઠીઓ અને યુવાનોને આગળ આવવા નરેન્દ્રબાપુએ આહવાન કર્યું હતું.
જુનાગઢમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ તેમજ મહાશિવરાત્રી કુંભમેળામાં આપાગીગાના ઓટલે સેવા આપનાર સ્વયંસેવકોનો સ્નેહમિલન તેમજ સન્માન સમારંભ યોજાયો હતો. નરેન્દ્રબાપુની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નરેન્દ્રબાપુએ જ્ઞાતીની એકતા પર ભાર મુકતા જણાવ્યું હતું કે, જ્ઞાતી, શિક્ષણ ક્ષેત્રે આગળ વધવી જોઈએ. વર્તમાન સમયમાં શિક્ષણથી જ સમાજનો ઉત્કર્ષ છે. જ્ઞાતિના યુવાનો માટે શિક્ષણધામ બનાવવા તેમજ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ટયુશનની વ્યવસ્થા કરી આપવા તૈયારી બતાવી હતી.
આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા ૪૦ જેટલા ડોકટરો આગળ આવે જે જીલ્લા-તાલુકા અને ગ્રામ્ય ક્ષેત્રે સમાજના લોકોને આરોગ્ય ક્ષેત્રે કેમ્પો કરી માર્ગદર્શિત કરે તેવું આહવાન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન જ્ઞાતી સાથે દરેક પરિસ્થિતિ અને સેવામાં રહેતા જ્ઞાતીના સુજલામ્ ગ્રુપ દ્વારા આ પ્રસંગે નરેન્દ્રબાપુની સાકરતુલા પણ કરાઈ હતી. જ્ઞાતીના જ નવલખી ગામના સરપંચ જ્ઞાતી અને સમાજ માટે જીવન સમર્પિત કરનારની હાલની પરિસ્થિતિની ચિંતા વ્યકત કરી તેમના માટે અનુદાનની જાહેરાત પણ કરી હતી. આની સાથે આપાગીગાના ઓટલે શિક્ષણધામ બનાવવા માટે કરોડો ‚પિયાની કિંમતી જમીનમાંથી જ્ઞાતિજનોને ૧૦ વિઘા જેવી માતબર રકમની જમીન શિક્ષણધામ બનાવવા માટે દસ્તાવેજ કરાવી આપવા સુધીની તૈયારી બતાવી હતી.
આ ઉપરાંત જ્ઞાતી માટે રાજકોટમાં આવેલ જીવરાજ હોસ્પિટલ ૨ વર્ષ સુધી નિ:શુલ્ક કોઈપણ પ્રકારનું ભાડુ લીધા વગર આપવા તૈયારી બતાવી હતી. નરેન્દ્રબાપુનું પ્રવચન સાંભળી જ્ઞાતીના યુવાનો જુસ્સાભેર આપાગીગાની જયના નાદથી વાતાવરણ ગુંજાવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોની ઉપસ્થિતિમાં જ સંગઠિત સમાજ માટે રાજકીય ક્ષેત્રમાં પણ જગ્યા આપવી પડશે તેવા સ્પષ્ટ નિર્દેશો જાહેરમાં કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જુનાગઢના ડો.ભાવેશ ટાંક અને તેમની ટીમ તેમજ મધુરમ ગ્રુપ સુજલામ ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.