કોંગ્રેસના પૂર્વ નેતા આજે કેસરિયો ધારણ કરશે. સીએમ અને સી.આર પાટીલની હાજરીમાં કમલમ ખાતે ભાજપમાં જોડાશે ત્યારે ભાજપમાં જોડાયા પહેલા તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિપાહી બનીને કામ કરીશ. બીજેપીમાં સામેલ થયા પહેલા યુવા નેતા હાર્દિક પટેલ ટ્વિટ કરીને રાષ્ટ્રહિત, તેમજ સમાજહિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યાની વાત લખી છે.
ભગવો ધારણ કર્યા પહેલા તેમણે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિકે લખ્યું છે કે “રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ.”
પટેલે ગુરુવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેઓ આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. હાર્દિક પટેલે હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના કલ્યાણ માટે સૈનિક તરીકે કામ કરીશ.ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે આજે સવારે અમદાવાદમાં તેના નિવાસસ્થાને પૂજા પણ કરી હતી.દરમિયાન, ગુજરાતના ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયની બહાર હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો જોવા મળ્યા હતા.
28 વર્ષીય પટેલે 2015માં તેમના પાટીદાર સમુદાય માટે અનામતની માંગણી સાથે હિંસક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું અને ભૂતકાળમાં તેઓ ભાજપના સખત ટીકાકાર હતા. તે સમયે થયેલી હિંસામાં એક પોલીસકર્મી સહિત 10 લોકો માર્યા ગયા હતા અને જાહેર મિલકતો અને વાહનોને નુકસાન થયું હતું. ગુજરાતની તત્કાલિન ભાજપ સરકારે ફાયરબ્રાન્ડ નેતા સામે રાજદ્રોહના આરોપો સહિત અનેક કેસમાં કેસ નોંધ્યો હતો.
તેના પર 121(a) (સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટે કાવતરું) અને 120(b) (ગુનાહિત કાવતરું) સહિત વિવિધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તે 2016 થી જામીન પર બહાર છે.
ત્યાર બાદ હાર્દિક પટેલે પોતાની જાતને બીજેપીના ટીકાકાર તરીકે સ્થાન આપ્યું હતું. બાદમાં તેઓ લોકસભા ચૂંટણી પહેલા માર્ચ 2019માં વિરોધ પક્ષ કોંગ્રેસમાં જોડાયા હતા. પરંતુ, રમખાણના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં તેમના માટે સંસદીય ચૂંટણી લડવાનું શક્ય નહોતું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગયા મહિને રમખાણ અને આગચંપી કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી.
ભાજપ સરકારે તાજેતરમાં 2015ના ક્વોટા આંદોલનના સંબંધમાં હાર્દિક પટેલ અને અન્યો સામે નોંધાયેલા ઘણા કેસો પાછા ખેંચવા માટે પગલાં લીધાં છે. એક સમયમાં ભાજપનો ટીકાકાર આજે ભાજપ અને ભાજપના પ્રણેતા પ્રધાનમંત્રી મોદીના વખાણ કરી રહ્યો છે. ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલયની બહાર હાર્દિક પટેલને ભાજપમાં આવકારતા પોસ્ટરો જોવા મળ્યા હતા.