નરેશ પટેલ ક્યાં પક્ષમાં જોડાશે? તે પ્રશ્ર્નનો ભારે સસ્પેન્સ બાદ હવે છેદ જ ઉડી ગયો: પોલિટિક્સમાં નો એન્ટ્રી પાછળ વડીલોનો અભિપ્રાય કારણભૂત ગણાવ્યો

છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ઘેરો બનેલો  ’ નરેશ પટેલ ક્યાં પક્ષમાં જોડાશે?’ તે પ્રશ્નનો હવે છેદ જ ઉડી ગયો છે. કારણકે ભારે સસ્પેન્સ બનાવ્યા બાદ નરેશ પટેલ અંતે પાણીમાં બેસી ગયા છે. તેઓએ સક્રિય રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય આજે જાહેર કરી દીધો છે.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે જાહેરાત

કરી દીધી છે કે તેમણે હાલ પુરતો રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. રાજકારમાં આવવાથી તેઓ વહેંચાઈ જશે તેવી ભાવનાને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. નરેશ પટેલે રાજકારણમાં આવતા પહેલા કરાયેલા સર્વેમાં શું પરિણામ આવ્યું તે અંગે પણ જણાવ્યું છે. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ રાજકારણમાં નથી આવવા માગતા અને યુવાનો આગળ વધે તેવા પ્રયાસો ખોડલધામના નેજા હેઠળ કરવા માગે છે.

મહત્વનું છે કે પાછલા લાંબા સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી, તેઓ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે દેખાતા વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી, આ સાથે રાજ્યમાં પહેલું પગથિયું ચઢી રહેલી આમ આદમી પાર્ટીએ પણ નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું. જોકે, તેમણે જાહેર કરી દીધું છે કે તેઓ હાલ રાજકારણમાં જોડાવા માગતા નથી.

 

રાજકારણમાં જોડાઉ તો કોઈ એક પાર્ટીનો થઈ જાવ, પણ મારે દરેક સમાજ વચ્ચે રહેવુ છે

“ખોડલધામના નિર્માણથી જ આ સંસ્થા વિશ્વ સ્તરે પહોંચી છે. સર્વ સમાજના લોકો માના આશિર્વાદ લેવા આવે છે, ત્યારે સર્વ સમાજના લોકોને મારા વંદન.” આટલું કહીને પોતાની વાત શરુ કર્યા બાદ રાજકારણમાં જોડાવાનો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉ તો એક પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજ વચ્ચે

રહીને હું કામ ના કરી શકું. આવામાં વડીલોની ચિંતા મને યોગ્ય લાગી, ઘણાં બધા પ્રકલ્પો શિક્ષણ આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે પ્રયત્ન કરી રહ્યા છીએ. પોતે ખોડલધામમાં શું કરવા માગે અને યુવાનો માટેની પ્રવૃતિઓ કરવા માગે છે તેવી જાણકારી આપીને જણાવ્યું કે હું હાલ પુરતો રાજકારણમાં મારા પ્રવેશને હાલ પુરતો મોકૂફ રાખું છું.

ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરાશે, દરેક સમાજના યુવાનોને આમંત્રણ

તેઓએ કહ્યું કે અગાઉ મેં જણાવ્યું હતું કે આ અંગે અમે એક સર્વે કરી રહ્યા છીએ. આ સર્વેનો રિપોર્ટ એવો છે કે વડીલો ખુબ ચિંતા કરે છે અને યુવાનો-બહેનો હજુ પણ ઈચ્છે છે કે હું રાજકારણમાં આવુ. બહેનો અને યુવાનોને જણાવતા મને આનંદ થાય છે કે ખોડલધામ જેમ અન્ય પરીક્ષાઓની તાલીમ આપે છે તેમ આજથી ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ પોલિટિકલ એકેડમીની જાહેરાત કરીએ છીએ, અને દરેક સમાજના યુવાનોને આમંત્રિત કરીએ છીએ.”

6 મહિનામાં 7 વાર તારીખ પાડ્યા બાદ નરેશ પટેલે નિર્ણય જાહેર કર્યો

છેલ્લા 6 મહિનાથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં એના પર સસ્પેન્સ ચાલી રહ્યું છે. ખોડલધામ એટલે નરેશ પટેલ અને નરેશ પટેલ એટલે ખોડલધામ. આ ઓળખ ધરાવનાર પાટીદાર અગ્રણી નરેશ પટેલે 27 ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. રાજકારણમાં જોડાવવું કે નહીં એ અંગેનો નિર્ણય માર્ચની શરૂઆતમાં જાહેર કરશે એવી પ્રથમ વખત જાહેરાત કરી કરી હતી. બાદમાં એક બાદ એક તારીખ પાડતા રહ્યા અને તારીખની સંખ્યા 7 પર પહોંચી અને દિવસની સંખ્યા 100થી વધુ થઈ. ત્યારે આજે આ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.’

યુવાનો અને મહિલાઓ ઈચ્છે છે પણ વડીલો નથી ઇચ્છતા કે હું રાજકારણમાં આવું

નરેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સમાજમાં થયેલા સર્વે અનુસાર 50% મહિલાઓ અને 80% યુવાનો એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જવું જોઈએ, પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખવામાં આવ્યો.

નરેશ પટેલ સાથેના પ્રશ્ર્ન જવાબ

લોકોનું માનવું છે નરેશભાઈ રાજકારણમાં જવા માટેનું ખોડલધામ માધ્યમ બનશે, આના પર ટ્રસ્ટી મંડળને શું કહેવું છે?

ટ્રસ્ટી મંડળમાં યુવાનો અને વડીલો બન્ને છે. બન્નેના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. વડીલોએ રાજકારણમાં ન જવાની સલાહ આપી છે. જેને માન આપી તે મુજબ જ નિર્ણય લીધો છે.

રાજકીય પક્ષોને જ્ઞાતિના મેળાવડા અને ધાર્મિક સંસ્થાઓ માં રાજકારણના ખેલના રોક લાગવા શુ કરવું જોઈએ?

-આ માટે કોશિશ કરવી જ જોઈએ. પણ આ ચાલુ જ રહેવાનું છે.

પ્રેમલગ્ન અને લિવ ઇનમાં માત પિતાની સમજણ મેળવી કેટલી જરૂરી ? તેનાથી સમાજ વ્યવસ્થાને શુ અસર થશે?

-આની અસર ખૂબ થાય છે માટે જ આજની મિટિંગમાં અમે લગ્ન જીવનનો મુદ્દો રાખ્યો હતો. અત્યારે સહન શક્તિ ઘટતી જઈ રહી છે. માટે સમસ્યાઓ સર્જાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.