મતદાન જાગૃતી મહિલા રેલીને કલેકટરે આપી લીલી ઝંડી
મતદાન જાગૃતિ અંગેની મહિલા રેલીને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર રવિશંકર તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ હતી.
મતદાન જાગૃતિ અંગેની આ મહિલા રેલીમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતા. આ રેલી સાત રસ્તાથી નિકળી ટાઉનહોલ ખાતે વિરામ પામેલ હતી અને ત્યાં ચીફ નોડલ ઓફીસર(સ્વીપ) અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેકવા દ્વારા રેલીમાં જોડાયેલ બહેનોને મતદાન જાગૃતિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી મુકેશ પંડ્યા, અધિક નિવાસી કલેકટરશ્રી એચ.આર.કેલૈયા તેમજ અધિકારીઓ-કર્મચારી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહી આ મતદાન જાગૃતિ અંગેની રેલીને સફળ બનાવી હતી. જામનગરમાં વિધાનસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચુંટણીમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાત રસ્તા સર્કલ પાસેના ગાર્ડનની દિવાલ પર મતદાન અંગે જાગૃતતા લાવવા વોલ પેન્ટીંગ કરવામાં આવ્યુ હતુ.
દિગ્જામ મીલ જામનગર ખાતે મતદાર જાગૃતિ અંગેના શપથનો કાર્યક્રમ યોજાયો હતો. દિગ્જામ મીલના પ્રેસિડેન્ટ અરવિંદ કુમાર ઉપાધ્યાય અને વાઇસ પ્રેસિડેન્ટ અજયકુમાર અગ્રવાલની ઉપસ્થિતમાં અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત હું અવશ્ય મતદાન કરીશ તેવા શપથ લીધા હતા.