અબતક: ભાવેશ ઉપાધ્યાય, સુરત:
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં લૂખખાઓનો આંતક વધ્યો છે. ગાયત્રી નગર-2માં જાહેરમાં તીક્ષ્ણ હથિયાર બતાવીને રહીશોને મારી નાખવાની ધમકી આપતો હોવાનો યુવકનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવક મરાઠી ભાષામાં ત્યાં રહેતા મરાઠી ભાષીઓને ગાળો આપીને હથિયાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. કાયદાના ડર વગર સરેઆમ યુવક મહિલાઓને સામે દાદાગીરી કરી રહ્યો છે.
વીડિયોમાં છરી બતાવીને ધમકી આપનાર આ યુવકનું નામ સમાધાન પાટીલ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે બાળકો સાથે તેના પિતા સ્કૂલવાનની રાહ જોતા ઉભા હતા તે દરમિયાન આ યુવક સ્પીડથી પોતાની મોટરસાયકલ લઈબાળકો પાસેથી પસાર થતાં વાલીઓએ ઠપકો આપતા કહ્યું કે ભાઈ ગાડી ધીરે ચલાવ. આ નજીવી બાબતે યુવક ગાળાગાળી કરવા લાગ્યો. અને તેના ગજવામાં રહેલ છરી કાઢી મારવાની ધમકી આપતા કહ્યું કે તું મારું કંઈ નહિ બગાડી શકે, હું તને જ કાપીને જતો રહીશ. પોલીસ પણ મારું કંઈ નહીં કરી શકે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ફરતા માથાભારે યુવકો સ્થાનિક રહીશોને આ પ્રકારે ધમકાવતા રહે છે. ત્યારે સ્થાનિકોએ માંગણી કરી છે કે આવા તત્વોને ડીંડોલી પોલીસે સબક શીખડાવવાની જરૂર છે જેથી કરીને ડીંડોલી વિસ્તારની ગાયત્રીનગર-બે અને આસપાસની સોસાયટીઓમાં પણ લોકો ડર વગર રહી શકે.