87 વર્ષના વરિષ્ઠ નાગરિક આળસુ મતદારો માટે પ્રેરક બને છે
અબતક, રાજકોટ
રાજકોટના ભગવતીપરમાં રહેતા 92 વર્ષના રહેવાસી રહેમતબેન હિંગરોજા કહે છે કે, “મારા ધડપણના કારણે હું બહુ ચાલી શકતી નથી. એવા સંજોગોમાં મારે મત આપવા મતદાન કેન્દ્ર ઉપર જવું અશકય જેવું હતું. પરંતુ હવે ચૂંટણી તંત્રએ મને ઘરે બેઠા મત આપવાની સગવડ આપી છે, તે અમારા જેવા લોકો માટે ગૌરવની વાત છે. લોકશાહી મજબુત બનાવવામાં અમારા જેવા વરિષ્ઠ નાગરિકોના કિંમતી મત ખૂબ ઉપયોગી રહેશે. મતદાનની પવિત્ર ફરજમાં અમારી ઉમરનું વિઘ્ન આડે આવશે નહીં”
ભગવતીપરામાં જ રહેતા 87 વર્ષના વ્રજલાલ જોગી વૃધ્ધાવસ્થાના કારણે હલનચલન કરી શકતા નથી. ધરે બેઠા મતદાનની વાતથી તેઓ ખૂબ ઉત્સાહિત હતા. તેઓએ કહયુ હતું કે “આ પ્રકારે ધરે બેઠા મતદાન કરવાની સુવિધાથી મતદાનની સંખ્યામાં વધારો થશે. મારો અમૂલ્ય મત હું આપી શકવાનો તો મને આનંદ છે જ સાથો સાથ લોકશાહીના આ અમૂલ્ય મહાપર્વનો હિસ્સો બનવાને હું મારો સદભાગ્ય સમજીશ.”
વિધાનસભા મત વિસ્તાર – 68 ઇસ્ટના રિટર્નિંગ ઓફિસર સુરજ સુથારના માર્ગદર્શન હેઠળ રાજકોટના ભગવતીપરા વિસ્તારના 92 વર્ષના રહેવાસી રહેમતબેન હિંગરોજા, ભગવતીપરામાં જ રહેતા 87 વર્ષના વ્રજલાલ જોગી સહિતના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગોના ઘરે બુથ લેવલ ઓફિસરશ્રી આશિષ રાજયગુરૂ ગયા હતા ત્યા પોસ્ટલ બેલેટ માટેનું ફોર્મ ભરાવ્યું હતું. તેઓએ બુથમાં આવેલા સુપર સિનિયર સિટિઝન અને દિવ્યાંગ મતદારોને ઘરે -ઘરે જઇને અમે સમજાવ્યુ છે કે હવે મતદાન આપ ધરે બેસીને પણ કરી શકશો. જેમાં આ બંને વરિષ્ઠ નાગરિકો પણ સામેલ થયા છે.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં 80 વર્ષથી વધુ વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા તથા મતદાર યાદીમાં દિવ્યાંગ જન તરીકે ફ્લેગ થયેલા મતદારો માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવી છે. આ પોસ્ટલ બેલેટ માટે ફોર્મ 12-ડી ભરવું જરૂરી છે. 72-જસદણ વિધાનસભા ક્ષેત્રમાં તા.09/11/22 સુધીમાં 8047 પોસ્ટલ બેલેટ માટે જરૂરી ફોર્મ 12-ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી 72- જસદણ ચૂંટણી અધિકારીશ્રી રાજેશ જી.આલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં 5120 વયોવૃદ્ધ મતદારો
73-ગોંડલ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી શ્રી કે.વી.બાટીએ જણાવાયું હતું કે, દિવ્યાંગો, વયોવૃદ્ધ, અશક્ત, ચાલી શકવા અસક્ષમ કે મતદાન માટે બહાર ના આવી શકતા વ્યક્તિઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં 80થી વધુ વર્ષના 5930 મતદારો છે, જેમાંથી 5120 મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. 1733 જેવા દિવ્યાંગ મતદારો છે, જેમાંથી 1609 દિવ્યાંગ મતદારોને 12-ડી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
લોકશાહીના આ અવસરે દિવ્યાંગો અને વયોવૃદ્ધ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે જરૂરી 12-ડી ફોર્મ વિતરણ કરવાની કામગીરી આ મતક્ષેત્રના ચૂંટણી અધિકારીશ્રી કે.વી.બાટીના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો સુપેરે કામગીરી કરી રહ્યા છે.