લોકસભામાં ભાજપ-કોંગ્રેસની બે કલાકની ચર્ચા બાદ નિવેડો આવ્યો
ઉધોગપતિ વિજય માલ્યા ભારતીય બેંકોના કરોડો રૂપિયા લઈ ફરાર થયો જેને વિશ્વભરમાં શોધવામાં આવી રહ્યો છે તો વધુ એક કૌભાંડી નિરવ મોદી પણ લોકોની કમાણી લઈને વિદેશમાં મોજ કરી રહ્યો હોવાના પણ અહેવાલો મળ્યા હતા. બંને આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ ભારત સાથે એક દેશથી બીજા દેશમાં જઈ સંતાકુકડી રમી રહ્યા છે માટે આ પ્રકારના ધુંબા મારી દેશ છોડી જતા કૌભાંડીઓને રોકવા માટે લોકસભામાં ખરડો પસાર કરવામાં આવ્યો છે.
આ પૂર્વે પણ માલ્યાની વિદેશી સંપતિ જપ્ત કરવા અંગે સરકાર હરકતમાં આવી હતી તો હોંગકોંગ અને ઈઝરાયેલ સરકારને પણ ભાગેડુ કૌભાંડીઓને પકડવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રકારના દુષણોને રોકવા ગુરુવારે લોકસભામાં ફુગીટીવ ઈકોનોમીક ઓફેન્ડર્સ બિલ પાસ કર્યું છે. સભામાં ભાજપ-કોંગ્રેસની બે કલાકની ચર્ચા બાદ અંતે નિર્ણય લેવાયો હતો. નોન પરફોર્મીંગ એસેટ વધતા ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, વિજય માલ્યાને કોંગ્રેસે લોન આપી હતી. તેણે કહ્યું કે યુપીએ ટેન્યુર દરમ્યાન માલ્યાને લોન દેવામાં બે નાણામંત્રીની સંડોવણી હતી. જો તમે કહો છો કે માલ્યા ભાગી ગયો તો પહેલી વાત તો તમે કોઈપણ સિકયોરીટી વગર તેને લોન કઈ રીતે આપી અને આપી તો તે પાસ પણ કઈ રીતે થઈ? સમસ્યા જાતે ઉભી કરેલી છે.
તેણે ઉમેર્યું હતું કે, સીબીઆઈ માલ્યા કેસમાં સંડોવાયેલા પૂર્વ નાણામંત્રી પર ચાર્જશીટ ફાઈલ કરશે તો કોંગી નેતા માબીર્કાજુન ખાગરેએ તેનો વિરોધ કરતા કહ્યું કે, ભાજપને કઈ રીતે ખબર કે સીબીઆઈ કોની ચાર્જશીટ ફાઈલ કરવાની છે. આ બધુ જ ષડયંત્ર છે ત્યારે નાણામંત્રી પિયુશ ગોયલે કહ્યું કે, સરકાર પાર્લામેન્ટમાં આ ખરડો જાય તે પહેલા સભામાં ખુબ જ ગરમાગરમી થઈ હતી અને કાળાનાણાને નાથવા માટે જ આ કાયદો ઘડવામાં આવ્યો છે. ફુગીટીવ ઈકોનોમીક ઓફેન્ડર્સ બિલ ૨૦૧૮થી દેશના નાણા લઈ છનનન થનારા કૌભાંડીઓને ભારત લેવાશે અને તેને તેના અપરાધની સજા પણ આપવામાં આવશે.
સરકારનો દાવો છેકે તેનાથી બેંક તેમજ નાણાકીય સંસ્થાઓને ફાયદો થશે અને ભારતનું નાણું સ્વસ્થ રહેશે. આ બિલ અપરાધીની દેશી તેમજ વિદેશી બેનામી સંપતિને જપ્ત કરવાના અધિકાર આપે છે. કોંગ્રેસના એમપી શશી થરે ધુંબો મારી ભાગી જનારા કૌભાંડીઓને જુઠ, લુંટ અને સ્કૂટ કહ્યા હતા.