ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાને રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું, 1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનો ગૃહ પ્રવેશ કરાવાયો : આવાસના 7 હજાર લાભાર્થી ઉપસ્થિત
વડાપ્રધાન મોદી આજે ગુજરાત મુલાકાતે આવ્યાં છે. પ્રથમ તેઓએ શિક્ષક સંઘના અધિવેશનમાં હાજરી આપી ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓએ 2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવ્યું હતું. જેમાં 1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનો ગૃહ પ્રવેશ કરાવાયો હતો.
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,. વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અનુભવું છું, હાલમાં ગરબી કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. 2 લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જોડ્યું, લખપતિ દીદી હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે. સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે.
લોકોના કામ કરો તતેનાથી મોટુ કોઈ સોશિયલ જસ્ટિસ નથી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગત 9 વર્ષમાં દેશમાં જે અભૂતપૂર્વ પરિવર્તન થયું છે તેનો દરેક દેશવાસી અનુભવ કરી રહ્યો છે. એક સમય હતો જીવનની મૂળભૂત જરૂરિયાત માટે દેશના લોકોને તરસાવવામાં આવ્યા હતા. અમે યોજનાઓના જેટલા લાભાર્થી છે તેમની પાસે સરકાર પોતે જઇ રહી છે. સરકારના આ એપ્રોચે ભ્રષ્ટાચાર અને ભેદભાવ ઓછો કર્યો છે. લાભાર્થી સુધી પહોંચવા માટે અમારી સરકાર ન ધર્મ જોવે છે અને ન જાતિ જોવે છે. મારું માનવું છે કે જ્યાં કોઇ ભેદભાવ નથી એ જ સાચું સેક્યુલારિઝમ છે. જે લોકો સોશિયલ જસ્ટિસની વાત કરે છે, જ્યારે તમે બધાના સુખ અને સુવિધા માટે કામ કરો છો. બધાના હક પહોંચાડવા માટે 100 ટકા કામ કરો છો તેનાથી મોટુ સોશિયલ જસ્ટિસ કોઇ નથી.
રાષ્ટ્ર નિર્માણનો યજ્ઞ નિરંતર ચાલી રહ્યો છે
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જે લોકોને તેમનું પાક્કુ ઘર મળ્યું છે તેમને હું ખુબજ શુભેચ્છા પાઠવું છું. ભાજપ માટે દેશનો વિકાસ એ કન્વિક્શન અને કમિટમેન્ટ છે.અમારા માટે રાષ્ટ્ર નિર્માણ એક નિરંતર ચાલતો યજ્ઞ છે. ગુજરાતમાં ભાજપની ફરી સરકાર બની તેને થોડાક જ મહિના થયા છે.પરંતુ વિકાસે જે ઝડપ પકડી છે તેને જોઇને આનંદ થાય છે. તાજેતરમાં ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાતનું ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
21મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા સૌથી મોટી
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપતા વડાપ્રધાન : 25 હજારથી વધુ શિક્ષકોની ઉપસ્થિતિ
વડાપ્રધાન મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા હતા. ગુજરાત અને દેશભરના શિક્ષકો અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. 25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનો મહત્વનો ખૂબ જ મહત્વનો ફાળો છે. આ નીતિ અમલમાં લાવવાથી બાળકોનું જીવન બદલાશે. આ શિક્ષણ નીતિ પ્રેક્ટિકલ આધારિત છે. વિદ્યાર્થીઓ માટે માહિતીના અલગ અલગ સ્ત્રોત છે. ગૂગલ પર ડેટા મળી શકે પણ નિર્ણય તો પોતે જ લેવો પડે છે. ટેકનોલોજીથી માહિતી મળી શકે પણ યોગ્ય દ્રષ્ટીકોણ તો શિક્ષક જ આપી શકે છે. કઇ જાણકારી યોગ્ય છે કઇ નથી તે એક ગુરુ જ કહી શકે છે. ગુરુ જ વિદ્યાર્થીને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરે છે. 21મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા મોટી છે. સરકારી સ્કૂલોમાં દીકરીઓ માટે અલગ શૌચાલયની હવે વ્યવસ્થા જોવા મળે છે. ઉમરગામથી અંબાજી સુધી વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ જ નહોતો થતો. આજે આદિવાસીના દીકરા-દીકરીઓ ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. વિદેશી નેતાઓના જીવનમાં ભારતીય શિક્ષકોનું મોટુ યોગદાન છે. ઘણા ભૂટાનના નાગરિકોને ભારતીય શિક્ષકે ભણાવ્યા છે.