આજે તા.18-4-2024ને સમગ્ર દુનિયા વિશ્વ હેરિટેજ દિવસ તરીકે મનાવે છે. જૂના સ્થાપત્યને હેરિટેજ કહેવાય છે. એવું જ એક સ્થાપત્ય લખતર શહેર ફરતું આવેલું છે. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જૂના રજવાડાનાં જમાનાનાં કેટલાક સ્થાપત્યો છે. તેમાં લખતર શહેર ફરતે આવેલો કિલ્લો ગણી શકાય. આ કિલ્લો લગભગ દોઢસો વર્ષ પુરાણો છે. ગુજરાતમાં આ કિલ્લો લગભગ એકમાત્ર સામાન્ય મરામતની જરૂરવાળો ગણી શકાય.
જૂના લખતર રાજ્યના રાજ વંશજ દ્વારા આ કિલ્લાને હેરિટેજમાં ગણવા માટે તંત્રને પત્ર લખવા છતાં અધિકારીઓ કેમ ચૂપ છે તે સામાન્ય વ્યક્તિની સમજમાં નથી આવતું. તો હાઇવે પરથી પસાર થનારા મુસાફરો પણ કિલ્લો જોઈ આશ્ચર્ય પામે છે. પરંતુ કિલ્લો અમુક જગ્યાએ ખંડેર થયો હોવાથી તંત્ર કે કોઈ પ્રજાનાં પ્રતિનિધિ આને યોગ્ય કરાવવા કેમ પ્રયાસો નહીં કરતા હોય તેવું પણ બોલતા સંભળાય છે. ત્યારે આ જર્જરિત થતો કિલ્લો પોતાની વ્યથા રજૂ કરતો હોય તેમ જાણે કહેતો હોય કે, મારો પણ એક જમાનો હતો…