ગીર સોમનાથમાં ૧૮૧ પર સગીરાનો ફોન આવતા મહિલા અભયમ ટીમે લગ્ન અટકાવ્યા

સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાત  અને મંત્રને ચરિતાર્થ  કરાવતો એક કિસ્સો ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો છે. વાત એમ છે કે, ગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા.

કંકોત્રી પણ લખાઈ ગઈ. ૧૧મી ફેબ્રુઆરીએ તેમના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે.  આ યુવતી રડતા રડતા ૧૮૧ ફોન કરે છે કે, ‘મારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે. કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને ૧૧મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો.’

ગીર સોમનાથની ૧૮૧ ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુક્ત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ ૪૫ મિનિટમાં સગીરાના ઘરે પહોંચી ગયા. ઘરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં ૧૮૧ ની મહિલા અભયમ  તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું.  પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શક્યા તે મદદ ૧૮૧ ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.