ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે જ મોરચો સંભાળી લીધો છે. તેઓ કોઈ કચાશ રાખવા ન માંગતા હોય, ગુજરાતનો ત્રણ દિવસનો પ્રવાસ ખેડી રહ્યા છે. જેમાં આજે તેઓએ અંતિમ દિવસે રાજકોટમાં જામકંડોરણામાં સભા ગજાવી હતી. જામકંડોરણામાં જાણે દિવાળી છે તેવો માહોલ સર્જાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે હવાઈ માર્ગેથી જામકંડોરણા પહોંચ્યા હતા. અંદાજે દોઢ લાખની જનમેદની આ વેળાએ ઉપસ્થિત રહી હતી. બીજી તરફ જામકંડોરણામાં જાણે આજે દિવાળી હોય એમ આખું નગર શણગારથી સજ્યું હતું. 55 વીઘામાં 5 વિશાળ ડોમ બનાવેલ હતા. જેમાં લાખોની જનમેદનીએ બેસનીને વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યુ હતું. બીજી તરફ આ કાર્યક્રમમાં સુરક્ષા ઉપર પણ પૂરતું ધ્યાન અપાયુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન જીલ્યા બાદ જાહેર સભાને સંબોધી હતી. જેમાં તેમણે રાજકોટના અને રાજકોટની જનતાના ભરપેટ વખાણ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે મારી શરૂઆત રાજકોટની ધરતીથી થઈ હતી. આ ભૂમિ જલારામબાપાની છે, ખોડિયાર માતાના આશીર્વાદ છે. અહીં આવું તો જગન્નાથ યાદ આવે. આજે મને અનેક સાથીઓને મળવાનું થયું. જૂના બધા સાથીઓ નજરે પડી રહ્યા છે. મારા અનુભવના આધારે કહું છું કે, વર્ષો વીતિ ગયા પણ ગુજરાતનો વિકાસ ઉત્તરોતર વધતો જાય છે. એની પાછળ તમારા જેવા સાથીઓની દિવસ-રાતની મહેનત છે તેના કારણે શક્ય બને છે.
રાજકોટના વીકાસની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે રાજકોટમાં એન્જીનિયરીંગ, ઓટો પાર્ટસ ઉદ્યોગ વિકસ્યો છે. રાજકોટ ઓટો પાર્ટસનું હબ બને તેવી ૨૦ વર્ષ પહેલા કલ્પના નહોતી. રાજકોટ સ્પિનિંગ સેન્ટર તરીકે નામ કમાઈ રહ્યું છે, જેતપુરનો સામાન એક્સપોર્ટ થઇ રહ્યો છે.