• ત્રંબા બાદ કનકનગરમાં ચોરીના બનાવથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠતા સવાલ
  • ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડી ગયો : સીસીટીવી ફૂટેજના આધારે એક શખ્સને ’ઉપાડી’ લેવાયો

તસ્કરો રાજકોટ શહેર પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવ સામે આવ્યા છે. ત્યારે ગત એક જ રાતમાં તસ્કરોએ બે સ્થળે તરખાટ મચાવતા પોલીસ દોડતી થઇ છે. એકબાજુ શહેરની ભાગોળે આવેલ ત્રંબા ગામના રહેણાંક મકાનમાંથી 8 તોલા સોનુ અને રૂ. 50 હજારની રોકડ ઉઠાવી તસ્કરો ફરાર થઇ જતાં આજીડેમ પોલીસ અને એલસીબી ઝોન-1ની ટીમો દોડતી થઇ છે તો બીજી બાજુ થોરાળા પોલીસ હેઠળ આવતા કનકનગર વિસ્તારમાં આવેલી આઈ સ્પીડ કુરિયર નામની પેઢીમાંથી રૂ. 4.60 લાખની રોકડ ઉઠાવી તસ્કર ફરાર થઇ જતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. દરમિયાન સીસીટીવીમાં કેદ થયેલા તસ્કરની શોધખોળ શરૂ કરતા ક્રાઇમ બ્રાન્ચે એક શંકાસ્પદ શખ્સને ઉઠાવી લીધાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર થોરાળા પોલીસની હદમાં આવતા કનકનગર શેરી નંબર 9/11 ના ખૂણે આવેલી આઈ સ્પીડ કુરિયર સર્વિસની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. રાત્રીના અંદાજિત 8:30 વાગ્યે કુરિયર પેઢીના માલિક હર્ષ ભરતભાઈ પડીયા તાળું મારીને ઘરે જતાં રહ્યા હતા. જે બાદ રાત્રીના અંદાજિત 3:15 વાગ્યે દીવાલ કૂદીને તસ્કરે પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કટર વડે ઓફિસના બારણાંનું નકુચો તોડી ચોરીને અંજામ આપવામાં આવી હતી. તસ્કરે પેઢીની ઓફિસના ખાનામાં પડેલ રોકડ રૂ. 4.60 લાખ અને રૂ. 5 હજારની કિંમતનો ચાંદીનો કંદોરાની ઉઠાંતરી કરી હતી. તસ્કરે 20 મિનિટમાં આ ચોરીને અંજામ આપ્યો હતો. સવારે હર્ષ પડીયાની માતાએ બારણાનું તાળું ખુલ્લું જોતા પતિને પૂછ્યું હતું કે, કાલે રાત્રે હર્ષ તાળું મારતા ભૂલી ગયો હતો કે કેમ? જેથી હર્ષના પિતા ભરતભાઈએ ઓફિસમાં જઈને જોતા કબાટના બારણા ખુલ્લા જોવા મળ્યા હતા તેમજ તમામ સામાન વેર વિખેર જોવા મળ્યો હતો. જેથી ખાનું ચેક કરતા તેમાં રોકડ રકમ મળી આવી ન હતી. જે બાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા તસ્કર સીસીટીવીમાં કેદ થયાંનું સામે આવ્યું હતું. જે બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઇમ બ્રાન્ચ અને થોરાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ એલ ડામોરની ટીમે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરનહીં પગેરું શોધવા તજવીજ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તસ્કર રાજારામ સોસાયટી તરફથી આવતો જોવા મળ્યો હતો અને ચોરીને અંજામ આપ્યા બાદ પણ રાજારામ સોસાયટી તરફ જતો જોવા મળ્યો હતો. તસ્કરનું પગેરું મળી આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલપરી વિસ્તારમાંથી એક શંકાસ્પદ શખ્સને ઉઠાવી લેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી પોલીસ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

પીસીબી, ડીસીબીથી માંડી ડિવિઝનો દારૂ – જુગારના દરોડા પાડવામાં વ્યસ્ત હોવાથી તસ્કરોને મોકળું મેદાન

અમદાવાદ, સુરતની જેમ રાજકોટમાં પણ પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મજબૂત બનાવ્યા બાદ પીસીબી સતત દારૂ-જુગારના દરોડા પાડી રહી છે. ત્યારે પીસીબીના પગલે ડીસીબી અને ડિવિઝનો પણ ’નાક’ બચાવવા દારૂ-જુગારના દરોડા પાડવામાં વ્યસ્ત થઇ ગઈ હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી જતાં તસ્કરોએ એક જ દિવસમાં બે ચોરીને અંજામ આપી દેતા પોલીસ દોડતી થઇ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.