મેં જોયું કે, આજે સવારના સમયે એક એમ્બ્યુલન્સમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા. એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ખૂબ જહેમતથી એમ્બ્યુલન્સને ટ્રાફિકથી તારવીને દર્દીને વહેલાસર હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પણ આ પ્રયાસમાં જાણે બાધારૂપ જ બનવાનો દ્રઢ નિશ્ચય કરીને જ નીકળ્યો હોય તેમ એક બાઇક ચાલક તેને સાઈડ આપતો ન હતો. તે જાણે એમ્બ્યુલન્સથી પણ આગળ નીકળવાની મથામણ કરતો નજરે પડયો હતો. જો કે એમ્બ્યુલન્સ ડ્રાઇવર હેમખેમ રીતે આ બાઇકચાલકનો ઓવરટેક કરીને આગળ નીકળવામાં સફળ રહ્યો હતો.
આ ઘટના આપણા શહેરમાં કે દેશમાં નવી નથી. આવું આપણે વારંવાર નિહાળીએ છીએ. ઘણા લોકો બેફામ રીતે વાહન ચલાવીને પોતાની તથા બીજાની જિંદગી જોખમમાં મૂકી દયે છે. ઘણા વાહનચાલકો જ્યારે સાઇડ બંધ હોય ત્યારે રોડની ડાબી બાજુ પણ વાહનોના થપ્પા લગાવી દેતા હોય છે. જેથી ડાબી બાજુ જવા વાળા વાહનચાલકોને પણ સાઈડ ખુલે તેની રાહ જોવી પડે છે. ઉપરાંત આ દરમિયાન જો એમ્બ્યુલન્સ કે અન્ય કોઈ ઇમરજન્સી વાહન નીકળે તો તેના માટે ટ્રાફિક પોલીસને સાઈડ ખોલવી પડે છે.
આપણા દેશમાં ટ્રાફિક નિયમોને લોકો પણ ધ્યાનમાં લેતા નથી. અને સામે પોલીસ પણ ગંભીરતાને ધ્યાનમાં લેતી નથી. નંબર પ્લેટ વગર ટ્રાફિક નિયમો તોડીને વાહનો બેફામ રીતે નીકળે છે. ઘણા વાહનો એમ્બ્યુલન્સને અડચણરૂપ બને છે. આ બધું પોલીસની તીસરી આંખમાં દેખાઈ જ છે. પણ આવા લોકોને પકડવા માટે થોડી કમર કસવી પડે, એટલે આવું પોલીસ જતું કરી દયે છે. ને પોતાનો સમય માત્ર દંડ ફટકારવામાં પસાર કરે છે.
કદાચ જો પોલીસ આવા વાહનચાલકો સામે ગંભીર બનીને થોડા દિવસની ડ્રાઇવ યોજી ધાક બેસાડી દયે તો પણ આ પ્રશ્ન ઉકેલાય શકે છે. પણ અહીં જાણે ચોપડે કામગીરી કરવાની જ હોડ હોય, કઈ કરવામાં નહિ માત્ર બતાવવાના ધ્યેય સાથે જ કામગીરી થાય છે. અમુક વિકસિત દેશો તો એ હદે ગંભીર છે કે આ દેશોમાં કદાચ જો રોડ ઉપરથી સ્કૂલ બસ નીકળે તો પણ બીજા વાહનોને થોભાવી દેવાના નિયમો બનાવવામાં આવ્યા છે. પણ આપણે અહીં એવા કોઈ ખાસ નિયમો છે નહીં, જેટલા નિયમો છે એટલાની અમલવારી પણ થતી નથી. વાંક માત્ર સરકાર કે તંત્રનો નથી. વાંક તો પ્રજાનો પણ છે.
આપણે અહીં નેશનલ કેરેકટર છે જ નહીં. પર્સનલ કેરેકટરનો ટ્રેન્ડ ખૂબ ફુલ્યો ફાલ્યો છે. પણ નેશનલ કેરેકટરના નિર્માણમાં કોઈને રસ જ નથી. બધા પોતાની અનુકૂળતા જોવામાં અગ્રેસર રહે છે. જેના લીધે બીજાને ભોગવવાનો વારો આવે છે. જ્યારે આપવીતી થાય ત્યારે આ વાતનો અહેસાસ થાય પણ છે. પણ થોડા જ સમયમાં ફરી એના એ જ બની જવાય છે.
અંતમાં મુખ્ય મુદ્દો એ કે, આવી બધી ઘટના “મેં જોયું કે”માં જ આવે છે. પછી ” મે કર્યું શુ?” તેમાં કઈ આવતું નથી. બધા આ ઘટના જોયા રાખે છે. બાદમાં પોતાની વ્યસ્તતાવાળી જિંદગીમાં જોતરાઈ જઈને આ ઘટના ભૂલી જાય છે. વર્ષોથી આ જ ચાલ્યું આવ્યું છે. હવે આપણે જોયા બાદ એક્શન લેવામાં પાછી પાની કરતા રહેશું તો આપણી આવનાર પેઢીને પણ આપણી જેમ જ આ બધું સહન કરવું પડશે. માટે હવે આવું કોઈ જોવા મળે તો તેમાં બદલાવ લાવવા આગળ આવવું જ પડશે.
હા, શરૂઆતમાં નિષ્ફળતા જ મળશે. પણ આ વિચારસરણીની શરૂઆત કરવાનો સમય હવે પાકી ગયો છે. હવે તેના પાયા નાખવા ખૂબ જરૂરી બની ગયા છે. તો જ આવનાર સમય આવનાર પેઢી માટે સુખ-શાંતિથી જીવવાલાયક હશે.