ચિફ જસ્ટીસ ખેહરની આગેવાનીવાળી ૯ જજોની બંધારણીય ખંડપીઠે આપ્યો ચુકાદો: આધારકાર્ડ અને સોશિયલ મીડિયા મામલે અલગ બેંચનું ગઠન થશે
વડી અદાલતે ત્રિપલ તલાક મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યા બાદ આજે પ્રાયવસીને દરેકનો મૂળભૂત અધિકાર હોવાનો ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. વડી અદાલતે રાઈટ-ટુ પ્રાયવસી મામલે ચુકાદો આપતા કહ્યું છે કે, પ્રાયવસી એ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. રાઈટ ટુ પ્રાયવસી બંધારણની કલમ ૨૧ હેઠળ આવે છે. આ નિર્ણયની સીધી અસર આધારકાર્ડના કેસ ઉપર પડી શકે છે. કારણ કે, સરકારે ૯૨થી વધારે સ્કીમમાં આધાર ફરજીયાત બનાવ્યું હોવાથી અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે.
આ કેસમાં કેન્દ્ર સરકારને ઝટકો લાગ્યો છે. કારણ કે, અગાઉ કેન્દ્ર સરકાર અને ભાજપ શાસીત રાજયોએ પ્રાયવસીને મૂળભૂત અધિકાર માનવાની ના પાડી હતી. જયારે ભાજપનું શાસન ન હોય તેવા ચાર રાજયો પ્રાયવસીના મામલે સુપ્રીમમાં પહોંચ્યા હતા.
સોશીયલ વેલફેર સ્કીમનો ફાયદો લેવા કેન્દ્રએ આધાર ફરજિયાત બનાવ્યું હોય તે વિરુધ્ધ ત્રણ અલગ અલગ પીટીશન સુપ્રીમમાં થઈ હતી.
આ કેસમાં ૧૯૫૪ અને ૧૯૬૨માં રાઈટ ટુ પ્રાયવસીને મુળભૂત અધિકાર ન માનનારા બે નિર્ણયોનો અભ્યાસ પણ થયો હતો. આ કેસમાં આજે નવ ન્યાયાધીશોની ખંડપીઠે એક મતમાં પ્રાયવસીને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. અલબત હવે આધાર સાથે જોડાયેલા કેસની વડી અદાલત અલગ સુનાવણી હાથ ધરશે.