સૌરાષ્ટ્રનુ તળ લોકદેવીઓની પરંપરા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. કાઠિયાવાડનું કોઈ ગામ, નગર, નેસ, સીમ, નદી, ડુંગર, ધાર, પાદર એવુ નહિ હોઈ કે જ્યા આઇ ખોડિયારનુ સ્થાનક ન હોઈ. સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર કે જ્યા પહોંચવું પણ કઠિન હોય તેવાં સ્થળોએ ખોડિયાર માતાજીનું સ્થાનક અવશ્ય જોવા મળે. આપણા ધર્મમાં વૈદિક દેવદેવીઓની સાથે લોકદેવીઓની ઉપાસનાની પરંપરા રહી છે. દરેક ગામના પાદરમાં કોઈને કોઈ એક લોકદેવીનું સ્થાનક અવશ્ય જોવા મળે છે. ગોહિલ અને ચુડાસમા વંશ ઉપરાંત અઢારે વરણમાં કુળદેવી તરીકે પૂજાતા આઈ ખોડિયારની આજે જન્મજયંતિ છે.
સૌરાષ્ટ્રમાં ચારણ જ્ઞાતિને દેવીપુત્ર કે દેવજાતીથી સંબોધિત કરાય છે. તેમનું અસ્તિત્વ પ્રાચિન કાળથી હોવાનું મનાય છે. ચારણ જ્ઞાતિમાં જન્મેલી સ્ત્રીઓ પોતાના સત તત્વ, પવિત્રતા, ટેક અને ચમત્કારોને લીધે પૂજનીય ગણાય છે. આજે વિવિધ જ્ઞાતિઓના કુળદેવીઓ તરીકે પણ ચારણ જ્ઞાતિમાં જન્મેલી જોગમાયાઓ પૂજાય છે. તેમાં સૌથી વધુ કોઈ શ્રદ્ધેય હોઇ તો તે છે આઈ શ્રી ખોડીયાર.
વિક્રમ સંવત 836માં મહા સુદ આઠમના દિવસે વલ્લભીપુર પાસેના રોહિશાળા ગામે મામડિયા ચારણને ત્યાં દેવી સ્વરૂપ જાનબાઈનું અવતરણ થયું. લોકવાયકા મુજબ મામડિયા ચારણ વલ્લભીપુરના રાજા શિલાદિત્યના ખૂબ માનીતા હોવાથી તેનાથી રાજ્યમાં ઘણા નારાજ હતાં. આથી તેઓએ ખટપટ કરી રાજાની નજરમાં મામડિયા ચારણને વાંઝિયા ગણાવી તેનું મોઢું જોવાથી અપશકુન થાય એવુ ઠસાવ્યું અને રાજમહેલમાં આવતા બંધ કરવા કાવાદાવા માંડ્યા અને સફળ થયાં. રાજાએ ચારણને રાજ્ય છોડી દેવાનો હુકમ કર્યો હતો. ચારણને લાગી આવતાં ભગવાન શંકરની આકરી તપશ્ર્ચર્યા કરીને કમળપૂજા કરવાની તૈયારી દર્શાવી પરંતુ શિવજીએ પ્રસન્ન થઈ સાત સંતાનોનું વરદાન આપ્યું. તે સાત બેનોમાં સૌથી નાના આઈ જાનબાઈ એટલે આજના ખોડિયાર માતાજી.
ભાઈ મેરખીયાની સર્પદંશ થયાં બાદ જાનબાઈ પાતાળમાંથી અમૃતનો કુંભ લેવા ગયા ત્યારે ઉતાવળે પગલે ઠેસ લાગતાં લંગડાતા ચાલ્યા આવતાં હતાં. તેથી મોટાં બહેન આઈ આવડના મુખમાંથી ખોડી અર્થાત્ લંગડી શબ્દ સરી પડતા જાનબાઈ ખોડીયારથી ઓળખાયા. મોટાભાગે ખોડિયાર માતાજીનું સ્થાનક નદીઓના કિનારે જોવા મળશે. આથી તેમને ‘ઘુનાની દેવી’ કહેવાય છે. તેમને ગંગાજીનો અંશ મનાય છે અને તેમનું વાહન પણ મગર છે. તેનાં માટે એક દુહો પણ છે,
“અમર લોકથી ઉતરી દુનિયા માથે દેવ,
ગરવી માત ગંગેવ ખળખળ વહેતી ખોડલી”
માતાજીના અનેક સ્થાનકો છે પણ ભાવનગર પાસેનું રાજપરા, ધારી પાસેનું ગળધરા, વાંકાનેર પાસેનુ માટેલ, બોટાદ પાસેનું રોહીશાળા અને સમી પાસેનું વરાણા મહત્વના સ્થાનકો છે. રોહીશાળા આવડ-ખોડલ જન્મભૂમિથી ઓળખાય છે. જ્યારે ભાવનગર રાજવીના કુળદેવી તરીકે રાજપરામાં માતાજી બિરાજમાન છે. ગળધરા માં શેત્રુંજી નદીના ધોધ પાસે બિરાજતા માતાજીની માનતાથી સોમાલ ‘દેની કૂખે રા’ નવઘણનો જન્મ થયેલો. જ્યારે માટેલ પણ મચ્છુકાંઠા પ્રદેશનું માતાજીનું મોટું સ્થાનક છે. વઢિયાર પંથક કાઠિયાવાડની લઘુ આવૃત્તિ ગણાય છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકદેવી આઈ ખોડિયારનું સૌરાષ્ટ્ર બહાર જો ભવ્ય અને પ્રાચિન મંદિર હોઈ તો તે સમી તાલુકાનું વરાણા. વરાણા ગામે મહા સુદ આઠમનો ભવ્ય મેળો ભરાય છે. જેમાં વઢિયાર પંથકનું માનવ મહેરામણ માતાજીના દર્શન કરવાં ઉમટે છે અને સાનીની પ્રસાદી ધરાય છે.
માતાજી સૌરાષ્ટ્રનાં ગોહિલ અને ચુડાસમા રાજવંશો ઉપરાંત અઢારે વરણના કુળદેવી તરીકે પૂજાય છે. આતાભાઇ ગોહિલને માતાજીએ રાતોરાત અઢારસો પધ્ધર આપેલા આથી ગોહિલના કુળદેવી ખોડિયાર માતાજીનુ રાજપરાનુ હાલનું મંદીર છેલ્લે મહારાજા કૃષ્ણકુમારસિંહજી બંધાવેલું. લેઉવા પટેલ સમાજે તેમનાં કુળદેવી ખોડિયાર માતાજીનું જેતપુરના કાગવડ પાસે ભવ્ય શિખરબંધ મંદિર બંધાવ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રનાં ગામેગામ અને દરેક શહેરોમાં માતાજીના અનેક નાના મોટા મંદિરો છે. ગિરનારનાં ડુંગરાથી લઈને ગીરના ગાળાઓમાં માતાજીમાં અસંખ્ય સ્થાનકો છે.
ભારતીય પરંપરામાં માતૃપૂજાનું અસ્તિત્વ છે. કાઠિયાવાડની તમામ જ્ઞાતિઓને પોતાના લોકદેવીઓ છે અને તેની ઉપાસના કરાય છે. ખોડિયાય માતાજી સર્વ પ્રદેશ, સર્વ સમાજ, સર્વ જ્ઞાતિમાં પૂજાતા અને શ્રદ્ધેય લોકદેવી છે. પ્રકૃતિના ખોળે આવેલા માતાજીના સ્થાનકો સાચે મનમોહક છે. તેમનાં પરચાઓ, લોકવાયકાઓની વાત હજી વિસ્તૃત થઈ શકે. હજારો વર્ષોથી માતાજીની ઉપાસના થાય છે અને આજેય તેમનાં પ્રત્યેની શ્રદ્ધા એમ જ અકબંધ રહી છે.
– દેવાયત ખટાણા
મો. 99781 65048