પ્રચંડ જનાદેશ કોઈ કોન્ટ્રાકટ નથી પણ સંયુક્ત જવાબદારી છે
મજબૂત સરકાર સપના સાકાર કરશે, આ સરકાર જ સુરક્ષાની ખાતરી આપશે, આ સરકાર જ સમૃધ્ધિની દિશામાં દેશને આગળ વધારશે: વડાપ્રધાન
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં દેશભરમાં ભવ્યાતિભવ્ય વિજય મળ્યા બાદ પ્રથમવાર તેમની જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત ખાતે પધારતા લોકહદયસમ્રાટ તથા ગુજરાતનું ગૌરવ એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ગઈકાલે હું દુવિધામાં હતો કે આ કાર્યક્રમમાં હાજરી આપવી કે ન આપવી ? એક તરફ કર્તવ્ય છે તો બીજી તરફ કરુણા. સુરતમાં બનેલી આગની ઘટના ભલભલાના હૈયા કંપાવી નાખે તેવી છે. મૃતકોના પરિવારજનોના દીપ બુઝાયા અને પરિવારોની આશા અને અરમાનો ભસ્મીભૂત થઈ ગયા છે.
એક તરફ કરુણાંનો ભાવ અને બીજી તરફ એક કર્તવ્યનો ભાવ છે. આ ગુજરાતની ધરતીએ મને મોટો કર્યો છે. આ ધરતીની માટીને માથે ન ચડાવું તો કંઈક ઊણપ લાગે. પ્રધાનમંત્રી પદ માટે શપથવિધિ પહેલાં ગુજરાતની ઘરતીના વંદન અત્યંત આવશ્યક હતા.
નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની જનતાની કૃતઘ્નતા વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, ગુજરાતની જનતાના દર્શન કરવા મારા માટે એક અનેરો અવસર છે, ગુજરાતના લોકોના આશીર્વાદ મને અપાર શક્તિ બક્ષે છે અને આ જનતાના આશીર્વાદનો પ્રવાહ કયારેય અટક્યો નથી. આટલું લાંબુ સાર્વજનિક જીવન અને મુખ્યમંત્રીકાળ બાદ પણ આટલા અપાર પ્રેમ માટે ગુજરાતની જનતાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે. તેથી માથું નમાવીને ગુર્જર ધરાને અને પ્રજાને નમન કરું છું.
૨૦૧૪ની ચૂંટણીમાં દેશ આખામાં એક હવા હતી કે ગુજરાતમાં અનોખો વિકાસ થયેલો છે. એક પ્રકારની વિકાસની સુવાસ હતી જે દેશના ખૂણે ખૂણા સુધી પહોંચી ગઈ હતી. ૨૦૧૪માં જે જનાદેશ મળ્યો તેના મૂળ ખરા અર્થમાં ગુજરાતની ગૌરવગાથા, ગુજરાતની વિકાસયાત્રા સાથે જોડાયેલા હતા. દેશની જનતાને લાગ્યું હતુ કે ગુજરાતનો જે પ્રકારે વિકાસ થયેલો છે તેવો વિકાસ સમગ્ર દેશમાં પણ થવો જોઈએ.
વર્તમાન લોકસભા ચૂંટણીના સંદર્ભે નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની ચુંટણીમાં બધા પંડિતો ખોટા પડ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં આટલી બધી ચૂંટણીઓ લડ્યો પરંતુ ક્યારેય મેં કોઈ ચોક્કસ આંકડો પત્રકારો સમક્ષ જાહેર કર્યો નથી. પરંતુ પહેલી વખત આ ચૂંટણીનું છઠ્ઠું ચરણ પૂરું થયા પછી મેં જાહેર કર્યું હતું કે અમે ૩૦૦નો આંકડો પાર કરીશું ત્યારે લોકોએ અનેક મજાક ઉડાવી હતી પરંતુ તેમ છતાં જનતા જનાર્દનના અપાર આશીર્વાદ મળ્યા છે.
ગુજરાતમાં સતત બીજીવાર લગાતાર જેટલી સીટો ભાજપાએ લડી હતી તે તમામ જીત્યા છે. આ સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભામાંથી ૧૭૩ વિધાનસભામાં બહુમતી મળી છે. ગુજરાતે પણ અનેક પ્રકારના રેકોર્ડ તોડ્યા છે. ધોમધખતા ૪૦-૪૫ડિગ્રી જેટલા તાપમાન જનતાએ વોટ આપીને આ લોકોત્સવ મનાવ્યો. આ માટે જનતા જનાર્દનનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, જનતા દ્વારા મળેલા આ સમર્થનમાં જવાબદારીઓ પણ જોડાયેલી છે. વિજયની પહેલી શરત એ હોય છે કે વિજય પચાવવો જરૂરી છે અને તેના માટે વિવેક અને નમ્રતા એવી જડીબુટ્ટી છે જે વિજયને પચાવવાની શક્તિ વધારે છે. આ માર્ગને આધારે જ સમગ્ર દેશનો અને સમાજનો વિકાસ બળવત્તર બની શકે છે.
આવનારા પાંચ વર્ષ ભારત અને વિશ્વના સંદર્ભમાં ખૂબ જ અભૂતપૂર્વ બની રહેશે. ભારતમાં પ્રચંડ બહુમત સાથેની સરકાર અને તેના માટે પણ આ પાંચ વર્ષનો સમયગાળો ખૂબજ મહત્વનો છે. નરેન્દ્રભાઇ મોદીએ સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, આ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ભારતને સમૃધ્ધિના શિખર તરફ આગળ લઈ જઈએ, સમસ્યાઓથી મુક્ત ભારત બનાવવા નક્કર અને મક્કમ પગલાં લઇએ. એકરસ સમાજ માટે – એક સંકલ્પ, એક રાગ અને એક લક્ષને લઈને આવનારા દિવસોમાં અભૂતપૂર્વ સિધ્ધિઓ ભારત પ્રાપ્ત કરે તેવો આ અવસર આપણે સૌ સાથે મળીને બનાવીએ.
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, પ્રજા એ મને દાયિત્વ આપ્યું છે. આ કોઈ કોન્ટ્રાક્ટ નથી પણ સંયુક્ત જવાબદારી છે. ચોટ સહન કરવાની જવાબદારી મારી અને સફળતાનો હક દેશના દરેક નાગરિકોનો છે. વિશ્વ એક એવા ત્રિભેટે ઉભું છે જે સમગ્ર વિશ્વને ભારતથી ખૂબજ અપેક્ષાઓ છે. ૨૧મી સદી ભારતની સદી બને એ આપણા સૌનું દાયિત્વ છે. સ્વચ્છતા જેમ જનઆંદોલન બન્યું તેમ સમૃદ્ધ ભારત પણ જનઆંદોલન બનાવવું છે.
નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, સંવિધાનને સાક્ષી માનીને સંકલ્પ લઈએ કે દેશના તમામ વર્ગોએ નવી ઊંચાઈએ લઈ જવાના છે. પંથ કે જાતિના આધાર પર કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ એ જ આપણો મૂળ મંત્ર છે.
નરેન્દ્રભાઇ મોદીએ અંતમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી તરીકે પદ્નામિત થતા પહેલા હું ગુજરાતની જનતા પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. પૂજ્ય બાપુની આ તપોભુમિ, સરદાર સાહેબની લોહશક્તિ લોખંડી મિજાજની આ ધરતીના આશીર્વાદ નવા આરંભે મારા માટે અદકેરુ મહત્વ ધરાવે છે. અહીં આવવું મારા માટે સૌભાગ્ય છે. આપ સૌની જે અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા કોઈ ખામી ન રહે તે જ માત્ર મારો જીવનસંકલ્પ છે. જનતા જનાર્દન એ ઇશ્વરનું સ્વરૂપ છે. આ ઇશ્વરીય શક્તિના આધારે ૧૩૦ કરોડ લોકોના સપનાનું, અપેક્ષાઓનું અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનું ભારત બને તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેવા આપના આશીર્વાદ મારા માટે મહત્ત્વનાં બની રહેશે.
દેશની જનતાએ જાતિવાદ-પ્રાંતવાદથી ઉપર ઉઠીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને આધારે મતદાન કર્યું: વિજયભાઇ રૂપાણી
અમદાવાદ શહેર ભાજપા કાર્યાલય ખાનપુર ખાતે લોકસભા ચૂંટણીના ભવ્ય વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના સાદગીસભર રીતે યોજાયેલ અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે સૌભાગ્યની વાત છે ૩૫૦ થી વધુ બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સૌ પ્રથમ જનતા અને કાર્યકર્તાઓનો અભિવાદન કાર્યક્રમ આજે અમદાવાદનાં આ જે.પી.ચોકમાં યોજાઈ રહ્યો છે. જ્યાં નરેન્દ્રભાઈ મોદીની યાદો જોડાયેલી છે અને નરેન્દ્રભાઈ મોદીનું તેમજ અમિતભાઇ શાહનું આ કાર્યક્ષેત્ર રહ્યું છે.
ગુજરાતની જનતાએ પોતાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીની ઝોળીમાં ખોબેખોબા મત આપીને ગુજરાતની તમામ ૨૬ લોકસભા ઉમેદવારોને ભવ્ય લીડથી વિજય અપાવ્યો તે બદલ ગુજરાત ની ૬ કરોડ જનતાનો આભારી છું. દેશની જનતાએ જાતિવાદ-પ્રાંતવાદથી ઉપર ઉઠીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને આધારે મતદાન કર્યું એ ખૂબ જ મહત્વની બાબત છે.
આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા વિકાસ કાર્યોની સુવાસ આજે સમગ્ર દેશમાં પ્રસરી છે અને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વને સમગ્ર દેશે સ્વીકાર્યું છે. દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે ભવ્ય લીડ આપી છે તે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ભાજપાની સરકારે જનતાને સર્વોપરી માની આરંભેલા લોકકલ્યાણના અભિગમને આભારી છે. સમગ્ર દેશમાં ભાજપાના આ ઉત્કૃષ્ટ પ્રદર્શનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની સંગઠનશક્તિનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે.
કામખ્યાથી કચ્છ અને ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી ભાજપ મજબુત બન્યુ: અમિત શાહ
૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપાની પ્રચંડ બહુમત મળ્યા બાદ ગુજરાતમાં યોજાયેલ સ્વાગત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ભારત માતા કી જયના પ્રચંડ જયઘોષ સાથે ઉપસ્થિત જનમેદની અને કાર્યકર્તાઓને માર્ગદર્શક સંબોધનમાં જણાવ્યું હતું કે, પદનામિત થતાં પહેલા નરેન્દ્રભાઇ મોદી પ્રથમવાર દિલ્હીની બહાર ગુજરાતમાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ જે સ્થળેથી યાત્રાની શરૂઆત કરી હતી તે જગ્યા આ જ ખાનપુર કાર્યાલય છે. આજે આપણે સૌ ફરી પાછા એ વિજયયાત્રાની સાંકળમાં અત્રે એકત્ર થયા છીએ. જ્યારે માત્ર સમગ્ર દેશમાં ભાજપાની માત્ર બે સીટો હતી ત્યારે નરેન્દ્રભાઇ મોદી નવા – નવા સંગઠન મંત્રી બનેલા અને તે સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપાની આ યાત્રાની શરૂઆત થઇ હતી.
ગુજરાતના આ જ વિકાસ મોડલને કારણે ૨૦૧૪માં સમગ્ર દેશની જનતાનો વિશ્વાસ સંપાદિત કરવામાં મદદ મળી. ૨૦૧૪ થી ૨૦૧૯ની યાત્રા માં જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં વિકાસ યાત્રા વણથંભી રીતે આગળ વધી હતી તે મુજબ જ સમગ્ર દેશમાં આ યાત્રા નરેન્દ્રભાઇ મોદીએ આરંભી છે. નરેન્દ્રભાઈની સરકારે માતાઓ અને બહેનોને શૌચાલય અભિયાન અંતર્ગત સન્માન સાથે જીવવાનો અધિકાર આપ્યો છે. સમગ્ર ભારતના અનેક ગામડાઓમાં વીજળી પહોંચાડી દેશના ૨૨ કરોડ લોકોનું જીવનધોરણ સુધારવાનું કામ કર્યું છે.
સમગ્ર દેશની જનતામાં પણ એવી એક અપેક્ષા હતી કે કોઇ એક એવો નેતા આવે કે, જે આતંકીઓને જડબાતોડ જવાબ આપે. આ સંદર્ભમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અડપલાનો જડબાતોડ જવાબમાં આપણી સેનાએ બે વખત તેના ઘરમાં ઘૂસીને આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો.
શાહે દેશની સમગ્ર જનતાને બીરદાવતા જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશની જનતાએ કોઈ એક પણ શબ્દ બોલ્યા વિના આ ચૂંટણીના શોરબકોરમાં ૪૦-૪૫ ડિગ્રી જેટલા તાપમાન મતદાન કરી ૩૦૩ સીટોની ભેટ ભાજપાને આપી છે. આ તબક્કે સમગ્ર ભાજપાની અને કાર્યકર્તાઓની જવાબદારી પણ વધે છે.
કામાખ્યાથી કચ્છ સુધી અને ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી વિકાસના થયેલા કાર્યો નજરે પડે છે. આજે ભાજપા દરેક રાજ્યમાં મજબૂત બની છે. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં ભાજપાના સાંસદો ભારે માર્જીનથી જીત્યા છે ત્યારે ગુજરાતની જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ગાંધીનગરની જનતાએ પણ હંમેશની જેમ આ વખતે પણ મન મુકીને આશીર્વાદ આપ્યા છે તેમનો પણ આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસના નવા આયામો અને રાજ્યમાં વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસયાત્રા ચાલુ રહેશે તેવો સંકલ્પ હું વ્યક્ત કરુ છું.