રાજયસભાના સાંસદ, મારૂતિ કુરિયરના સર્વે સર્વા એક સફળ બિઝનેસ મેન અને જાગૃત જન પ્રતિનિધિ રામભાઇ મોકરિયાએ દિપાવલીના પાવન દિવસોમાં ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મોકરિયા પરિવારની યજમાનીમાં આગામી 17 થી ર4 જાન્યુઆરી 2024 સુધી રાજકોટના આંગણે યોજનારી ભાઇશ્રી પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનું સ્નેહ નિતરતું આમંત્રણ પાઠવ્યું હતું. ‘અબતક’ ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે: મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા સાથે કરી વિવિધ પાસાઓ પર ચર્ચા: ગુજરાતવાસીઓને દિવાળી અને નુતન વર્ષની શુભકામના પાઠવી
જગતાત નકલી બિયારણના કારણે પાયમાલ ન થઇ જાય તે માટે મેં મુદ્દો ઉઠાવ્યો છે
પ્રશ્ન:- નકલી બિયારણને લઇને આપનો શું પ્રશ્ન રજુઆત હતી.
રામભાઇ:- જગતાત ભોળો અને અજ્ઞાન હોય છે તે બીજી પર આંખો બંધ કરીને વિશ્ર્વાસ મૂકી છે હજારો રૂપિયાનો ખર્ચ કરી બિયારણની ખરીદી કરે છે. વાવેતર કરે છે. પાકની માવજત માટે પાણી અને ખાતર આપે છે. કાળી મજુરી કરે છે આ બધુ કરવા છતાં જયારે ખબર પડે કે હલકી ગુણવતાના બિયારણના કારણે પાક નિષ્ફળ ગયો ત્યારે તેને પોતાનો જુવાનજોધ દિકરો ગુમાવ્યો હતો તેવો આઘાત લાગે છે. મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા સતત મથામણ કરી રહી છે. ત્યારે નકલી બિયારણ સંદર્ભે મેં રાજય સરકારના કૃષિ મંત્રીને રજુઆત કરી છે. આ દુષણને રોકવા માટે કડકમાં કડક કાયદા બનાવવામાં આવે જરૂર પડે તો હવાત કાયદામાં પણ સુધારો કરવામાં આવે, તમામ કચાશો દુર કરવામાં આવે અને કાયદામાં એવી આકરી જોગવાઇઓ રાખવામાં આવે કે નકલી બિયારણ બનાવનારો 100 વાર વિચાર કરે, પાક નિષ્ફળ જાય તો ખેડુતે જેની પાસેથી બિયારણની ખરીદી કરી હોય તેની સામે કલેઇમ કરી વળતર મેળવી શકે તેવી પણ જોગવાઇ કરવી જોઇએ.
પ્રશ્ન:- કૃષિ યુનિવર્સિટી – કેન્દ્રો કે નિષ્ણાંતોએ સક્રિય થવાની જરૂરિયાત છે ?
રામભાઇ:-ચોકકસ, કૃષિ યુનિવર્સિટી કેન્દ્રો કે નિષ્ણાતોનું કામ જ ખેડુતોને મદદરૂપ થવાનું છે. તેઓ ફિલ્ડમાં ઉતરે અને ખેડુતોન નકલી બિયારણ, ખાતર કે જંતુનાશક દવા સંદર્ભે ખેડૂતોને માહિતગાર કરે આટલું જ નહીં તેઓએ એવી જાહેરાત કરવી જોઇએ કે અહીંથી બિયારણની ખરીદી કરો. સરકાર માન્ય કેન્દ્રોના નામ જાહેર કરવા જોઇએ. હાલ ખેડુતો માટે સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. મોદી સરકારના શાસનમાં દુષ્કાળ ભૂતકાળ બન્યો છે. તે દાયકા અગાઉ એક વર્ષ સારૂ અને એક વર્ષ દુષ્કાળ પડતો હતો હવે દુષ્કાળના દિવસો ગયા છે પરંતુ ડુપ્લીકેટ બિયારણ જ ખાટલે મોટી ખોટ છે. જેનો જડમુળથી નિવેડો લાવવો જરૂરી છે. હું પણ ખેડૂતનો દિકરો છું મને ખબર છે કે મજુરી કર્યા બાદ પાક નિષ્ફળ જાય ત્યારે કેવી પીડા થાય છે.
પ્રશ્ન:- 80 કરોડ લોકોને પાંચ વર્ષ સુધી મફતમાં અનાજ આપવાની યોજનાને આપ કેવી રીતે જાુઓ છો?
રામભાઇ:- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આ બહુ જ સારો નિર્ણય છે. કોરોના વખતે આજથી ત્રણ વર્ષ પહેલા જરુરીયાત મંદોને મફતમાં અનાજ આપવાની યોજના શરુ કરવામાં આવી હતી. પીએમને એવું લાગ્યું કે ખરેખર આ યોજનાને હજી પાંચ વર્ષ સુધી લંબાવવાની જરુરીયાત છે. જેના કારણે યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવી છે. 80 કરોડ લોકોને પેટ ભરવાની ચિંતાથી મૂકિત મળી ગઇ છે. આ યોજના ખરેખર જરુરીયાત મંદ લોકો સુધી પહોંચે તે ખુબ જ આવશ્યક છે.
પ્રશ્ન:- ‘વિકાસ’ વાદની રાજનીતિ આપ કેવી રીતે જોઇ રહ્યા છો?
રામભાઇ:- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જ્ઞાતિ આધારીત રાજનીતિના વાદીઓ તોડી નાખ્યા છે. વિકાસ વાદની રાજનીતીને પ્રાધાન્ય આપતા હાલ તેઓ વિશ્ર્વ માનવ તરીકે ઉભરી આવ્યા છે. આજે દુનિયાની નજર ભારત અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર છે. મોદી પાસે તમામ સમસ્યાનું સોલ્યુશન છે તેવું દુનિયાએ પણ માની લીધું છે. હાલ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે જે યુઘ્ધ ચાલે છે તેને અટકાવવાની તાકાત પણ માત્ર મોદીમાં છે તેવું વિશ્ર્વ માની રહ્યું છે. નરેન્દ્રભાઇ કોઇપણ પ્રકારના અંગત સ્વાર્થ વિના પોતાનું કામ કરી રહ્યા છે. જેમાં તેઓને ભગવાન પણ સાથ આપી રહ્યા છે. ભારતને ખુબ જ સારા નેતા મળ્યા છે. જે ખરેખર ભારતવાસીઓ માટે સુવર્ણકાળ સમાન છે. રોડ, સાયન્સ અને રેલવેનો જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે ભારત વિકાસના ટ્રેક પર દોડી રહ્યું છે. હવે જ્ઞાતિવાદના મુદ્દાઓ ભૂલાય ગયા છે. વિકાસના મીઠા ફળ દરેક લોકોને ચાખવા મળી રહ્યા છે. જ્ઞાતિ આધારિત રાજનીતીથી એક વ્યકિત કે સમાજનો વિકાસ થશે પરંતુ વિકાસની રાજનીતીથી દેશ, સમાજ અને વ્યકિત પણ આગળ વધશે.
પ્રશ્ન:- સફળ ઉદ્યોગપતિ બન્યા બાદ રાજનીતિમાં હવે કેવું લાગી રહ્યું છે?
રામભાઇ:- હું એક ઉદ્યોગપતિ સાથે રાજકારણી પણ છું. 1976 થી વિદ્યાર્થી પરિષદમાં જોડાયેલો છુ. 1978 માં જન સંઘ અને 1980થી ભાજપના કામ કરૂ છું. પરંતુ જે તે સમયે મારો એકિટવ રોલ ન હતો. નરેન્દ્રભાઇ મોદી જયારે રાજકોટથી પ્રથમ ચૂંટણી લડયા ત્યારે મેં ખુબ જ કામ કર્યુ હતું. જેમાં મને સારો એવો અનુભવ મળ્યો હતો. વર્ષ 1989માં હું ભાજપના ઉમેદવાર તરીકે પોરબંદર નગરપાલિકાની ચુંટણી લડયો હતો. મારી સામે 1ર ગેંગના 1ર સભ્યો ચુંટણી લડતા હતા છતાં હું પેનલ સાથે વિજેતા બન્યો હતો. વર્ષ 2004 માં હરિભાઇ પટેલ પોરબંદર બેઠક પરથી લોકસભાની ચુઁટણી લડયા ત્યારે મે સક્રિય ભૂમિકા
નિભાવી હતી. 6 વર્ષ પ્રદેશ ભાજપમાં કારોબારી સભ્ય રહ્યો હતો. 2012માં પણ મેં વિધાનસભાની ચુંટણીમાં ટિકીટ માંગી હતી. પરંતુ કોઇ કારણોસર મને ટિકીટ મળી શકી ન હતી. નરેન્દ્રભાઇને યાદ હતું કે રામભાઇ એક સારા કાર્યકર છે. મને કમિટમેન્ટ પણ અપાયું હતું. રાજયસભાના સાંસદ તરીકે મારી પસંદગી કરવામાં આવી તે મારૂ સદભાગ્ય છે. કુરિયર ઇન્ડસ્ટ્રીઝમાં હું ર0 હજારથી વધુ લોકોને રોજગારી આપી રહ્યો છું.
પ્રશ્ન:- નરેન્દ્રભાઇ મોદી સાથે કામ કરવાની તકને આપ કેવી રીતે જાુઓ છો ?
રામભાઇ:- મારા માટે ખુબ જ ગૌરવની વાત છે કે મને રાજયસભાના સભ્ય તરીકે વિકાસની રાજનીતિના પ્રણેતા, વિશ્ર્વ માનવ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે કામ કરવાની તક મળી છે.
મોદીના શાસનમાં ભારતનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. છેલ્લા દશ વર્ષમાં તેઓની કામગીરી સામે કોઇ આંગળી ચિંધી શકયું નથી. એક દશકામાં તેઓએ બધા ખાડા પુરી દીધા છે. હવેનો પાંચ વર્ષનો મોદીનો કાર્યકાળ ભારત માટે ગોલ્ડન પિરિયડ રહેવાનો છે. અમારી જ્ઞાતિમાંથી અત્યાર સુધી કોઇ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બની શકયા નથી. ત્યારે મને રાજયસભાના સાંસદ બનાવવામાં આવ્યો તે માત્રને માત્ર ભાજપમાં બની શકે જેમાં સામાન્ય કાર્યકરની પણ કદર કરવામાં આવે છે. હું મારી જાતને ખુબ જ નસીબદાર માનુ છું કે મને નરેન્દ્રભાઇ મોદીના વિકાસ યજ્ઞમાં આહુતિ આપવાનો મોકો મળ્યો. મેં સપનામાં પણ વિચાર્યુ ન હતું કે, રાજયસભામાં નરેન્દ્રભાઇ સાથે કામ કરવાની તક મળશે.
મોકરિયા પરિવાર યજમાન – રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરી રમેશભાઇ ઓઝાની સપ્તાહ
ભાગવત સપ્તાહ સાથે મેડીકલ કેમ્પ, રકતદાન કેમ્પ, સર્વજ્ઞાતિય સમુહલગ્ન, સરકારી યોજનાના સ્ટોલ સહિતના વિવિધ સેવા કાર્યો
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા અને તેઓના પરિવારની યજમાનીમાં આગામી 17 થી ર4 જાન્યુઆરી-2024 દરમિયાન રાજકોટમાં રેસકોર્સ ખાતે પ્રખર ભાગવતાચાર્ય ભાઇશ્રી પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસે ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં વિવિધ સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવશે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન સાંસદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું હતું કે, મારી ધર્મપત્નીજી અને પુત્રને ઇચ્છા હતી કે મોકરિયા પરિવાર યજમાન બની પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરે. આ માટે મેં પૂ. ભાઇશ્રીને વિનંતી કરી હતી. જેનો તેઓએ સ્વીકાર કર્યો છે. રાજકોટમાં આગામી 17 થી ર4 જાન્યુઆરી દરમિયાન પૂ. ભાઇશ્રીના વ્યાસાસે ભાગવત સપ્તાહે યોજાશે. જેમાં સતત એક સપ્તાહસુધી વિવિધ સેવાકિય કાર્યક્રમો યોજાશે. મેડિકલ કેમ્પ, રકતદાન કેમ્પ ઉપરાંત લોકોને સરકારી યોજનાની માહિતી મળી રહે તે માટેના સ્ટોલ ઉભા કરાશે યુવા મતદારોની નોંધણી માટેની પણ વ્યવસ્થા સરકારી તંત્રના સહયોગથી કરવામાં આવશે.
ભાગવત સપ્તાહનો તમામ ખર્ચ મોકરિયા પરિવાર ઉઠાવશે પરંતુ જે આવક થશે તે જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશનને નવું બીલ્ડીંગ બનાવવા માટે ઉપરાંત પંચનાથ હોસ્પિટલને વિવિધ મેડિકલ સાધનો વસાવવા માટે આપી દેવામાં આવશે.ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહના શુભ દિવસે સર્વ જ્ઞાતિ સમુહલગ્નનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કથાના સમાપન બાદ બ્રહ્મસમાજ માટે પોરબંદર ખાતે સમુહ લગ્નું આયોજન કરવામાં આવશે.