ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના એક વર્ષ પછી વિજયભાઇ રૂપાણીએ એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં પાર્ટીના શિસ્તબધ્ધ સૈનિક માફક કરી ચર્ચા: રાષ્ટ્રીયસ્તરે કામ કરવાની તક મળ્યાનો આનંદ પણ વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી શ્રેષ્ઠ કામગીરી કરનાર વિજયભાઇ રૂપાણી પાસે ક્યા કારણોસર હાઇકમાન્ડ દ્વારા ઓચિંતું અને આશ્ર્ચયજનક રાજીનામું લઇ લેવામાં આવ્યું તે સવાલનો જવાબ હજુ સુધી કોઇને મળ્યો નથી. દરમિયાન રાજીનામાના એક વર્ષથી પણ વધુ સમય વિત્યા પછી એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે મને પાર્ટીએ જે કરવાનું કહ્યું તે હમેંશા એક શિસ્તબધ્ધ કાર્યકર તરીકે કર્યું છે. મુખ્યમંત્રી પદેથી શા માટે મારૂં રાજીનામું લઇ લેવા આવ્યું તેનું કારણ મેં પૂછ્યુ નથી અને કદાચ પુછ્યુ તો પણ હોત તો હાઇકમાન્ડ દ્વારા મને ચોક્કસ કારણ આપવામાં આવ્યું હોત.
તેઓએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બર, 2021ના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેના આગલા દિવસે રાત્રે મને પાર્ટી દ્વારા રાજીનામું આપી દેવાનું કહેવામાં આવ્યું હતું અને મેં બીજા દિવસે મુખ્યમંત્રીની ખુરશી છોડી દીધી હતી. મેં રાજીનામાનું કારણ પૂછ્યુ નથી, મને મુખ્યમંત્રી પદ પણ પાર્ટી દ્વારા જ આપવામાં આવ્યું હતું. પાર્ટીએ મને કહ્યું કે હવે તેઓ મારી જગ્યા અન્ય કોઇને આપવા ઇચ્છે છે જે આદેશનો મે સહર્ષ સ્વિકાર કર્યો હતો અને કોઇપણ જાતના વિરોધ કે ગુસ્સા વિના મેં રાજ્યપાલને રાજીનામું પત્ર આપી દીધું હતું.
વધુમાં વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતું કે જ્યારે હું રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યો ત્યારે કાર્યકરો અને સમર્થકો દ્વારા મારૂં જાજરમાન સ્વાગત કરવામાં આવ્યું હતું. આ માત્ર રાજકોટના કાર્યકરો જ કરી શકે. પાર્ટી નેતૃત્વનો નિર્ણય હમેંશા ભાજપના કાર્યકરો માટે સર્વોચ્ચ હોય છે. કોઇનો કાર્યકાળ પુરો થયા પછી પણ નવા સીએમ હાઇકમાન્ડ દ્વારા જ નક્કી કરવામાં આવતા હોય છે. ધારાસભ્યની દળ બેઠકમાં નેતાની પસંદગી કરવી તે માત્ર એક પ્રક્રિયા જ છે તે હોવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે ભાજપમાં હાઇકમાન્ડના નિર્ણયોને લોકશાહી ગણવામાં આવે છે. જો એવું ન હોય તો દરેક ધારાસભ્ય પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવા લાગે અને આખરે પક્ષ જૂથવાદ તરફ ધકેલાઇ જાય.
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ એક વર્ષ પછી ભાજપ હાઇકમાન્ડ દ્વારા વિજયભાઇની પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. તેઓ જવાબદારીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો પ્રવેશ માની રહ્યા છે. રાજ્ય સ્તરે અનેક મહત્વપૂર્ણ જવાબદારી અને હોદ્ાઓ સંભાળ્યા બાદ હવે વિજયભાઇ રૂપાણીને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાનો મોકો મળ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે પાર્ટીએ મને શહેર સ્તરે પછી પ્રદેશ સ્તરે અને હવે રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો મોકો આપ્યો છે. ચાર ટર્મ સુધી મેં પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી અને પાંચ વર્ષથી વધુ સમય મુખ્યમંત્રી રહ્યો હતો. હવે રાષ્ટ્રીય સ્તરે પાર્ટી દ્વારા ભૂમિકા સોંપવામાં આવી છે. રાજ્ય સ્તરે મેં ટોચનું પદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું પ્રમુખ તરીકે સેવા આપી છે. પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમણૂંકને તેઓ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક માની રહ્યા છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓ પૂરો રસ લેશે અને તેમને વિશ્ર્વાસ છે કે ભાજપ ફરી એક વખત બે તૃતીયાંશ બહુમતી સાથે ગુજરાતમાં ફરી સત્તા પર આવશે. તેઓ આગામી પાંચ વર્ષ દરમિયાન પંજાબમાં ભાજપને મજબૂત કરી આગામી ચૂંટણીમાં ભાજપ ફરી પંજાબમાં સત્તારૂઢ થાય તે રીતની કામગીરી કરશે.