- રાજકોટનાં જન જનમાં રામ વસે છે તેને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભની શરૂઆત થઈ છે: રૂપાલાને સંભવિત ઉમેદવાર ગણાવતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી
Rajkot News : રાજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને આજે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે, સત્તાના અહંકારને ઓગાળવા સ્વાભિમાનની લડાઈ લડવા આવ્યો છુ, 19મીએ ફોર્મ ભરવાનો છું. ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે ભાજપ દ્વારા રાજકોટને રણમેદાનમાં પરિવતર્ન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પડકારને જીલવા અને જનજન સુધી આ પડકારોને પહોંચાડવાની જવાબદારી મારી છે. ભાજપ પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપમાં દાવાનળ જેવી સ્થતિ ઉભી થઇ છે.
ગુજરાતના લાખો લોકોને નોકરી નથી મળતી, ખેડૂતોની આવક દિવસે ને દિવસે ઘટતી જાય છે, ત્યારે ભાજપ સતાના મદમાં ભાન ભૂલી રહી છે. ત્યારે રાજકોટના સાંસદ તરીકે નહિ પણ હાથી બનીને હું આવ્યો છું.
મારી બહેન – દિકરીઓ છેલ્લા 20 દિવસથી શાસકો પાસે લાચારીવશ ભીખ માંગી રહી છે ત્યારે આજે માં આશાપુરાના દર્શન કર્યા છે ત્યારે માં આશાપુરાને પ્રાર્થના કરી છે કે જ્યારે જ્યારે અસુરી શક્તિઓ વધી છે ત્યારે તું રણચંડી બનીને સામે આવી છો તો આ દેશની દીકરીઓના દામન પર જે દાગ લાગ્યો છે તે ભૂષાશે તેવો વિશ્વાસ છે.
દેશની જે શક્તિઓને વંદન થતા હતા તે શક્તિઓ આજે લાચાર બનીને શા માટે ઉભી છે તેવો સવાલ ગુજરાત આખું કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે રાજકોટ લોકસભાનાં સાંસદ બનવાનું મારું કોઈ સ્વપ્ન નથી પરંતું સ્વાભિમાન ની લડાઈ લડવા માટે રાજકોટના આંગણે આવ્યો છું. રાજકોટનાં જન જનમાં રામ વસે છે તેને વંદન કરી સ્વાભિમાન યુદ્ધના આરંભ ની આજથી શરૂઆત થઈ છે. એક દીકરી પોતાની લાગણી વ્યક્ત કરતી હોય ત્યારે તેની આંખમાંથી ચૌધાર આંસુ વહેતા હોય ત્યારે કોઈપણ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે. ભારતીય જનતા પક્ષ વર્ગવિગ્રહ કરી રહ્યું છે ત્યારે આવતીકાલની પેઢી અને સહન કરવું ન પડે તેમ વિવિધતામાં એકતા સ્વરૂપે ગુજરાતમાં 18 વર્ણના લોકો એકઠા થશે.
ભાજપમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાએ આજે ફોર્મ ભર્યું એ બાબતે પૂછવામાં આવતા ધાનાણીએ જણાવ્યુ હતું કે, આ લડાઈ કોઈ વ્યક્તિ સાથેની નથી. વૈચારિક વિવિધતા એ દેશની લોકશાહીનો હાર છે ત્યારે અમે હું ક્યારેય નહીં છીએ કે ભાજપ વિહીન કોંગ્રેસ હોય. તેમણે જણાવ્યું કે, આ લડાઇ સતામાં બેસેલા લોકોના અહંકારને ઓગાળવાની છે. આ સ્વાભિમાનની લડાઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જે 15 વર્ષથી કકળાટ ચાલી રહ્યો હતો તે કકળાટ કમલમ ભેગો થઇ ગયો છે અને આ માટે હું ઈશ્વરની કૃપા ગણું છું. તેમણે જણાવ્યું કે, એક બહોળા વર્ગે ભારતીય જનતા પાર્ટી સમક્ષ નાની વિનંતિ કરી હતી જે ન સ્વીકારી ભાજપે અહંકારનું પ્રદર્શન કર્યુ છે. 19 મી એ સવારે 10 વાગ્યે સ્વાભિમાન સંમેલન થશે અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ જે પ્રમાણે રૂપરેખા ઘરે તે રીતે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનુ રહેશે.
પત્રકાર પરિષદમાં લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામ સાગઠીયા સહિતનાઓ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થતિ રહ્યા હતા.
અભિમાનીઓનો અહંકાર ઉતારશે રાજકોટની જનતા: લલિત કગથરા
પૂર્વ ધારાસભ્ય લલિત કાગથરાએ જણાવ્યું હતું કે, અભિમાનનો જે અહંકાર છે તે રાજકોટની જનતા આ ચૂંટણીમાં ચોક્કસ રીતે ઉતારશે. 2009માં જે સ્થતિ થઇ હતી તેવી જ સ્થતિ 2024ની આ ચૂંટણીમાં થવાની છે. ક્ષત્રિય આંદોલનની અસર દેશ-ગુજરાતમાં થઇ છે ત્યારે જનતા આ વખતે ચોક્સસથી કોંગ્રેસને વિજયી બનાવશે.
પરેશ ધાનાણીએ વિવિધ ધાર્મિક મંદિરોના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા
રાજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને આશાપુરા માતાજી મંદિરે શિશ ઝૂકાવી કહ્યું – સત્તાના અહંકારને ઓગાળવા સ્વાભિમાનની લડાઈ લડવા આવ્યો છુ, 19મીએ ફોર્મ ભરીશ.ધાનાણીનું સ્વાગત કરતા ક્ષત્રીય મહિલાઓ રડવા લાગી રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે કાગવડ ખાતે માં ખોડલ ના દર્શન કરી પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને આશાપુરા માતાજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું. આ તકે ક્ષત્રિય સમાજની બહેનોએ તેમનું સામૈયું અને સ્વાગત કર્યું હતુ. આ તકે ધાનાણીએ જ્યારે બહેનોને કહ્યું કે હું તમારી સાથે છું ત્યારે ત્યાં ઉપસ્થિત એક ક્ષત્રિય મહિલા રડવા લાગી હતી. બાદમાં ધાનાણીએ કહયું કે આ સત્તાના અહંકાર સામે સ્વાભિમાનની લડાઈ છે. 19મીએ સ્વાભિમાન સંમેલન બાદ ઉમેદવારી પત્ર ભરવા જશે તેવું તેમણે કહ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજથી રાજકોટમાં પ્રચારના શ્રી ગણેશ કરતા પરેશ ધાનાણીએ સૌપ્રથમ કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલ સમક્ષ શિશ ઝૂકાવી દર્શન કર્યા હતા. જે બાદ તેઓ રાજકોટ પહોંચ્યા અને પેલેસ રોડ ઉપર આવેલા ક્ષત્રીય સમાજના કુળદેવી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. આ તકે ક્ષત્રીય સમાજની મહિલાઓ તેમનું સામૈયું કર્યુ હતુ અને પરેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાવ્યા હતા.