સંસદમાં દેશના વિકાસ તેમજ લોક પ્રશ્નો અંગે થતી કામગીરી આ વખતના ચોમાસુ સત્રમાં જાણે શૂન્ય રહી હોય તેમ કોર્ટની તારીખ પે તારીખની જેમ સ્થગિત પર સ્થગિત થઈ છે. લોકોએ ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓએ જાણે ભાન ગુમાવી દીધી હોય તેમ સંસદમાં નિયમોને નેવે મૂકી વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે તો હદ જ થઈ ગઈ હતી. રાજ્યસભામાં ખૂબ હંગામો થયો વિપક્ષી નેતાએ નિયમ પુસ્તક ખુરશીઓ પર ફેંકયા.
આ પ્રકારના વિપક્ષના વિરોધથી
રાજ્યસભાના સ્પીકર વેંકૈયા નાયડુ આજરોજ ભાવુક થઈ ગયા હતા. તેમણે ગૃહમાં વિપક્ષના વર્તનની નિંદા કરી. તેમણે કહ્યું કે સંસદમાં જે બન્યું તેનાથી હું ખૂબ જ દુ:ખી છું. ગઈકાલે જ્યારે કેટલાક સભ્યો ટેબલ પર આવ્યા ત્યારે ગૃહની ગરિમાને ઠેસ પહોંચી હતી અને હું આખી રાત ઉંઘી શક્યો નથી. રાજ્યસભાના ચેરમેને વિપક્ષની સતત માંગ પર કહ્યું કે તમે સરકારને દબાણ કરી શકતા નથી. સરકારનો વિરોધ કરવાનો પોતાના વલણ રજૂ કરવાનો તમામને હક છે પરંતુ નિયમો નેવે મૂકીને આ પ્રકારે ગૃહની ગરિમાને ખંડિત કરનારાઓને સાંખી નહીં લેવાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ વિપક્ષી સાંસદો સામે કાર્યવાહી કરી શકે છે. આજ રોજ સવારે ગૃહમંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ અને અન્ય ભાજપના સાંસદો ઉપરાષ્ટ્રપતિ નાયડુને મળ્યા હતા.
શા માટે હંગામો થયો હતો…?
મંગળવારે બપોરે 2 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થતાં જ ઉપાધ્યક્ષ ભુવનેશ્વર કલિતાએ કૃષિ સંબંધિત સમસ્યાઓ અને તેમના ઉકેલો પર સંક્ષિપ્ત ચર્ચા માટે બોલાવ્યા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ધ્યાન આપવાની દરખાસ્તને ગૃહની નોટિસમાં લાવ્યા વગર અને સંમતિ વિના ચર્ચાનો સમય ઘટાડવામાં આવ્યો છે. આ નિર્ણય એકતરફી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આવું ક્યારેય થયું નથી, પરંતુ જો ગૃહનો અભિપ્રાય લેવાની જરૂર હોય તો લો. આ માટે ઉપાધ્યક્ષ કલિતાએ કહ્યું કે આ સ્પીકરનો નિર્ણય છે, તેથી હું તેને બદલી શકતો નથી અને અમે તેના આધારે ચર્ચા કરી રહ્યા છીએ. તેમણે ચર્ચા શરૂ કરવા માટે ભાજપના વિજય પાલ સિંહ તોમરને આમંત્રણ આપ્યું.
આ દરમિયાન વિપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તોમરે અધ્યક્ષને પૂછ્યું કે તેઓ હંગામા વચ્ચે કેવી રીતે કઈ બોલે..?? પરંતુ તેમણે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું અને ખેડૂતોની ખરાબ સ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી.
બાદમાં, બીજેડી નેતા પ્રસન્ન આચાર્ય બોલી રહ્યા હતા ત્યારે, વિરોધ કરનારા સભ્યોમાંથી એક મહામંત્રીના ટેબલ પર ચડી ગયા. તેઓએ ગૃહની ખૂરશીઓ પર પુસ્તકોના ઘા કર્યા. સૂત્રોચ્ચાર કરતા રહ્યા. આ દરમિયાન, આ હંગામા દરમિયાન વિરોધ પક્ષના નેતાઓએ ‘જય જવાન, જય કિસાન’ના નારા પણ લગાવ્યા હતા. આ સાથે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.