ધોરાજીના ખરાબ રસ્તાને લઇ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગૂમ થયા હોય તેવા પોસ્ટરો લાગતા રાજકીય હલચલ મચી જવા પામી
ધોરાજીના ઉબડ-ખાબડ રોડ-રસ્તાને લઇ ધોરાજીમાં અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, આ બાબતે ગઇકાલ રાતથી કોઇ શખ્સો દ્વારા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગૂમ થયા હોય તેવા લખાણવાળા પોસ્ટરો લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ બાબતે ‘અબતક’ દ્વારા ધારાસભ્ય પાડલીયાનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે ગઇકાલથી હું ગાંધીનગર લોકોના પ્રશ્ર્નોને વાંચા આપવાની રજૂઆત માટે આવ્યો છું અને મારૂં કામ કરવાનું ચાલુ જ છે.
લોકોના પ્રશ્ર્નોને વાંચા આપવી તે મારી ફરજ છે. તે માટે જ હું ગાંધીનગર આવ્યો છું અને જે કોઇ વિઘ્નસંતોષીઓ અને માનસિક ક્ષતિવાળા લોકોનું આ કારસ્તાન છે. પોસ્ટર ભલે માર્યા તેનાથી મને કોઇ ફરક પડતો નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ગૂમ થયા હોવાના પોસ્ટર લાગ્યા તેની જાણ મને હમણાં જ થઇ છે. જો કે, હું ગઇકાલે જ હું ગાંધીનગર આવ્યો છું અને ખાસ તો ધોરાજીમાં જે રીતે વરસાદ આવ્યો છે. મુખ્ય રસ્તાઓની હાલત ખૂબ જ બિસ્માર થઇ છે.
લોકોને વાહન લઇને નીકળવું તેમજ કોઇ ઇમરજન્સી દર્દીને દવાખાને પહોંચાડવા માટે પણ ભારે હાલાકી થઇ રહી છે ત્યારે લોકોના પ્રશ્નોને વાંચા આપવી અને તાકીદે આ રસ્તાઓના નુકશાનની રજૂઆત કરવા માટે જ હું ગાંધીનગર ખાતે દોડી આવ્યો છું. મને જ્યારથી ધારાસભ્ય તરીકેની જવાબદારી મળી છે, મેં લોકોના પ્રશ્ર્નોને સાંભળ્યા છે અને તેને હલ પણ કર્યા છે અને આગળ પણ એ જ કરતો રહીશ. પોસ્ટર કોણે માર્યા તે બાબતના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ મારી વિરૂધ્ધના ધોરાજી શહેરમાં મારા પોસ્ટર લાગ્યા હતા. આજે પણ મને આ વાતની જાણ થઇ જે કોઇ લોકો મારી વિરૂધ્ધના પોસ્ટરો મારી રહ્યા છે. તે વિઘ્નસંતોષીઓ છે તેનાથી મને કોઇ જ ફરક પડતો નથી. મારૂં કામ કરવાનું ચાલુ જ રહેશે.
ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ગૂમ થયા છે તેવા પોસ્ટરો લાગતા રાજકીય હલચલ મચી જવા પામી છે.