દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોકીદારો પાસે બેસી રાજયના ૫૦ સ્થળોએ લોકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરશે: હેમુગઢવી હોલ ખાતે પણ યોજાશે કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર અભિયાનની જાહેરાત કરી છે. આ અંગે વડાપ્રધાને જણાવ્યું છે કે, તમારો આ ચોકીદાર રાષ્ટ્રની સેવામાં મજબુતીથી ઉભો છે પરંતુ હું એકલો નથી. દરેક વ્યકિત ચોકીદાર છે તે ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજીક દુર્ગુણો સામે લડી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત ૩૧મીએ રાજયના ૫૦ સ્થળોએ લોકો સાથે વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરવાના છે. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ૨૦૦૪ની લોકસભાની ચુંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વયંમને દેશના પ્રથમ સેવક તરીકે પ્રજા સમક્ષ પોતાની વાત મુકી હતી.જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેં ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યું છે ત્યારે આગામી ૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયના ૫૦ સ્થળોએ ઉપસ્થિત લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરવાના છે. રાજકોટમાં પણ હેમુગઢવી હોલ ખાતે ૩૧મીએ સાંજે ૪:૩૦ કલાકે આ સંવાદનો કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે ૫:૦૦ કલાકે દેશની જનતાને પોતાની સાથે વિડીયો કોન્ફરન્સમાં જોડાવવાનું આહવાન કર્યું છે.
અગાઉ ૨૫ લાખ જેટલા દેશના સિકયોરીટી સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનો સાથે ઓડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા જે ચોકીદાર ચોર હૈ નું અભિયાન ચલાવવામાં આવ્યું તે દેશમાં સુરક્ષા અને સલામતી સાથે જોડાયેલા તમામ ચોકીદારોના અપમાનસમાન છે. નામદારનો એક માત્ર આશ્રય ધ્રુણા અને તિરસ્કાર ફેલાવવાનો છે. ૩૧મી માર્ચે સાંજે ૫:૦૦ વાગ્યે અત્યાર સુધીના સૌથી વ્યાપક એવા ટાઉન હોલ પ્રોગ્રામ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૫૦૦ તથા ગુજરાતના ૫૦ જેટલા સ્થાનો ઉપરથી પ્રજા સાથે સીધો સંવાદ કરવાના છે.
આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ નવી દિલ્હીથી થશે જયાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ ક્ષેત્રના ચોકીદાર ભાઈઓ સાથે બેસીને લોકો સાથે વાર્તાલાપ કરશે. હેમુગઢવી હોલમાં યોજાનાર કાર્યક્રમમાં ભાજપ સાથે સાથી પક્ષના આગેવાનો, ડોકટર, વકીલો, એકાઉન્ટન્ટ, આઈટી પ્રોફેશનલ, અન્ય વ્યવસાયિકો, નવા મતદારો, ખેડુતો, નિવૃત કર્મચારીઓ, વેપારીઓ તેમજ ઉધોગપતિઓ પણ ઉપસ્થિત રહેવાના છે.