અફવા ફેલાવનારાઓ વિરુઘ્ધ કાનુની કાર્યવાહી કરાશે: નીતિન પટેલ
રાજયનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ છોડી રહ્યા હોવાના સોશ્યલ મિડિયામાં ફરતા થયેલા મેસેજ બાદ ગઈકાલે નીતિનભાઈ પટેલે ટવીટ કરી સ્પષ્ટ કર્યું હતું કે, પોતે ભાજપ સાથે જ છે. વિરોધીઓ દ્વારા ફેલાવાઈ રહેલી અફવાઓ મામલે તેઓ કાનુની કાર્યવાહી કરવા વિચારી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું.
છેલ્લા એકાદ અઠવાડિયાથી ફેસબુક, વોટસએપ સહિતનાં સોશ્યલ મિડિયામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાની વાતો જોરશોરથી વહેતી થતા તેઓ રાજીનામું આપી ભાજપ છોડી રહ્યા હોવાની અફવા વહેતી થઈ હતી. આ સંજોગોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટવીટરના માધ્યમથી પોતે ભાજપ સાથે જ હોવાની સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કર્યું હતું. સાથોસાથ તેઓ વિદ્યાર્થીકાળથી જ ભાજપ સાથે જોડાયેલ હોય પક્ષ છોડવાની કોઈ વાત જ ન હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાર્દિક પટેલ દ્વારા આયોજીત મહાપંચાયતમાં ભાગ લેનાર હોવાની વાતનો પણ છેદ ઉડાવી પાટીદાર અનામત આંદોલનમાં કાર્યકરો કોંગ્રેસની છાવણીમાં ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે આ અફવાઓ વચ્ચે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ માટે સખત મહેનત કરનાર નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ભાજપમાં ઉપેક્ષા થઈ રહ્યું હોવાનું નિવેદન કરી વાતમાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com