હિતેશ રાવલ, સાબરકાંઠા:
કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય….સાબરકાંઠાના ઈડરની સરપ્રતાપ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા મયુર ઠાકોરની નેશનલ ખોખોની ટીમમાં સમાવેશ થતા શાળા પરિવાર સહિત સાબરકાંઠા જિલ્લાનું નામ કેન્દ્ર કક્ષાએ ગુંજવા લાગ્યું છે. નેશનલ ખો-ખોની અંડર ફોર્ટીન(14) મયુર ઠાકોરની પસંદગી થતા ઈડરના શહેરીજનો સહિત સાબરકાંઠાવાસીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.
ગુજરાતી સાહિત્યના વિવિધ એવોર્ડથી સન્માનિત થઈ ચૂકેલા તેમજ ઘરઘરમાં ગુંજતા રહેલા ઉમાશંકર જોશી તેમજ પન્નાલાલ પટેલનું નામ ઈડરની સરપ્રતાપ હાઈસ્કુલ સાથે જોડાયેલું છે. તેમનો અભ્યાસ સર પ્રતાપ હાઇસ્કુલમાં થયો હતો ત્યારે હાલમાં ઇડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં ધોરણ ૭માં અભ્યાસ કરતા મયુર ઠાકોરની અંડર ફોરટીનની નેશનલ ખોખોની ટીમમાં સમાવેશ થતા હવે સર પ્રતાપનું નામ નેશનલ કક્ષાએ ગાજતું થયું છે.
મયુર ઠાકોર સર પ્રતાપ હાઈસ્કુલમાં અભ્યાસ કરવાની સાથોસાથ બાળપણથી જ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવાથી અભ્યાસની સાથોસાથ વિવિધ ખેલકૂદમાં પણ અગ્રેસર રહેતો હતો. જો કે ખોખોમાં વિશેષ દિલચસ્પી હોવાને પગલે ગુજરાત કક્ષાની ખોખોની સ્પર્ધા પાલનપુર ખાતે યોજાઇ હતી. જેમાં રાષ્ટ્રીય કક્ષાએ ખોખોની રમત માટે મયુર ઠાકોરની પસંદગી થઈ છે. જેના પગલે હવે મયુર ઠાકોર રાષ્ટ્રીય ખો ખોની ટીમ માટે ગુજરાતના ડાંગમાં યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે.
જો કે દેશ માટે એવોર્ડ જીતવાનું સ્વપ્ન બાળપણથી જ હતું. જે આગામી સમયમાં ભારતીય ટીમમાં સામેલ થવાની સાથોસાથ દેશ માટે મેડલ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થાય તો નવાઈ નહીં..!! મયુર ઠાકોરે આ આંગે માહિતી આપતા ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે પોતાની સિદ્ધિ માટે ગૌ શાળા પરિવાર તેમજ કોચનો આભાર માને છે. તેમજ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવા આતુર છે. ભારતનું નામ રોશન થાય તે માટે કોઈપણ કસોટીમાંથી પસાર થવા તૈયાર છે.
મયુર ઠાકોરની રાષ્ટ્રીય કક્ષાએ યોજાનારી અંડર ફોર્ટીન ખો-ખોની સ્પર્ધામાં પસંદગી થતા સૌથી વિશેષ ખુશી તેમના કોચની રહેલી છે આ અંગે તેમના ટ્રેનર તેમજ કોચ વિપુલ કોકાનીનું માનવું છે કે મયુર તેની સિદ્ધિ મેળવવા માટે તનતોડ મહેનત છેલ્લા કેટલાય સમયથી કરતો રહ્યો છે તેમજ આગામી સમયમાં સપનાની સિદ્ધિ માટે કઠિનમાં કઠિન પરિસ્થિતિમાંથી પણ રસ્તો મેળવી લેશે તેમ મયુર પર આત્મવિશ્વાસ વ્યકત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે મયુર ઠાકોરની અંડર ફોર્ટીન ટીમમાં પસંદગી થતા આગામી સમયમાં સર પ્રતાપ હાઈસ્કુલના વિદ્યાર્થી રહી ચૂકેલા ઉમાશંકર જોશી તેમજ પન્નાલાલ પટેલની સાથે હવે મયુર ઠાકોર નું પણ નામ જોડાશે જે સ્થાનિક કક્ષાએ અભ્યાસ કરનારા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.