આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
રાજકોટ વોર્ડ નં 12
શું કહે છે ભાજપ?
વોર્ડ નંબર ૧૨ના ભાજપના નેતાઓએ કહ્યું હતું કે, હાલ કોંગ્રેસનું નામ – નિશાન મટી જાય તેવી પરિસ્થિતિ આવી ગઈ છે. ૧૨૫ વર્ષ જૂની કોંગ્રેસની આવી દયનિય પરિસ્થિતિ પાછળ કોંગ્રેસ ખુદ જવાબદાર છે. એક સમયે લોકસભાના સત્રમાં ઈન્દિરાજીની પીઠ વિપક્ષમાં હોવા છતાં થાબડી હતી તે સમયના કોંગ્રેસની વાત કંઈક અલગ હતી અને હાલના કોંગ્રેસની પરિસ્થિતિની કંઈક અલગ છે. કોંગ્રેસની હાલની પરિસ્થિતિ પાછળ ગાંધી પરિવાર સૌથી વધુ જવાબદાર છે. પક્ષની લગામ પોતાના હાથમાં રહે તેવી જીદને પરિણામે કોંગ્રેસ ધીમેધીમે પતન તરફ જઈ રહ્યું છે. આજે પણ લોકો જેમને યાદ કરે તેવા નેતાઓ કોંગ્રેસમાં જ થઈ ચુક્યા છે અને એવું પણ
નથી કે એવા નેતાઓનું હાલ અસ્તિત્વ નથી પરંતુ ક્યારેય તેમને મહ્ત્વતા આપવામાં આવતી નથી જેથી નેતાઓનું મનોબળ પણ તૂટે છે અને છેવટે તેઓ પક્ષપલટો કરવા મજબૂર બને છે. કોંગ્રેસમાં હાલ વિખવાદ અને જૂથવાદ સિવાય બીજું કંઈ રહ્યું નથી. હાલના તબક્કે કોંગ્રેસની પરિસ્થિતિ એવી બની છે કે, યુવાનો તેમની વિચારધારાને સ્વીકારવા તૈયાર જ નથી. જે પક્ષ આજે વિરોધ કરવામાં ઉણું ઉતરતું હોય તે પ્રજાના હિતના નિર્ણયો કેવી રીતે લેશે તે પ્રશ્ન ચોક્કસ ઉદભવે છે. જો કોંગ્રેસની પરિસ્થિતિ દયનિય હોય તો વોર્ડમાં કેમ ભાજપ એક પણ બેઠક કબ્જે કરી શક્યું નહીં ? તેના જવાબમાં ભાજપના નેતાઓએ જવાબ રજૂ કર્યો હતો કે, વર્ષ ૨૦૧૫માં યોજાયેલી મનપાની ચૂંટણી તંગદિલ વાતાવરણમાં યોજાઈ હતી. રાજ્યમાં સરકાર વિરોધી વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું. અનેક સમાજને સરકાર વિરોધી બનાવી ઉશ્કેરવામાં આવ્યા હતા જેના પરિણામે વોર્ડ નંબર ૧૨માં કોંગ્રેસ ફાવી ગયું પણ હવે ફરીવાર પ્રજા કોંગ્રેસને ઓળખી ગઈ છે. આ જાતિવાદનું રાજકારણ પ્રજા બિલકુલ ચલાવી નહીં લે અને આ જવાબ ટૂંક સમયમાં જ્યારે અન્ય ચુંટણીની જેમ મનપાની ચૂંટણી યોજાશે અને પરિણામ આવશે ત્યારે ચોક્કસ સાબિત થઈ જશે.
શું કહે છે કોંગ્રેસ?
વોર્ડ નંબર ૧૨ના કોંગી નેતાઓએ કહ્યું હતું કે, ૧૨૫ વર્ષ જૂની વિચારધારા એટલે કોંગ્રેસ. ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખનારો પક્ષ એટલે કોંગ્રેસ. ભારતની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવનાર નેતાઓનો પક્ષ એટલે કોંગ્રેસ. કોંગ્રેસનો ઇતિહાસ ખૂબ ભવ્ય છે અને ભવિષ્ય પણ ભવ્ય જ રહેશે. કોંગ્રેસ પક્ષ ’બહુજન હિતાય, બહુજન સુખાય’ના ગાંધીજીએ આપેલા મૂલ્યોને વરેલો પક્ષ છે. દરેક બાબતમાં ઉતાર – ચઢાવ આવે એ ખૂબ સામાન્ય બાબત છે તેવી જ રીતે રાજકારણમાં પણ ઉતાર – ચઢાવ આવે તો તેનાથી ગભરાવાની જરૂર બિલકુલ નથી. આજના સમયમાં જ્યારે કોંગ્રેસ સતાવિમુખ છે ત્યારે પણ
અમે ગર્વથી કહીએ છીએ કે, હા હું કોંગ્રેસી છું. કોંગ્રેસે પ્રજાને વિકાસ કોને કહેવાય તે ખરા અર્થમાં બતાવ્યું છે બાકી ફક્ત વિકાસની મોટી મોટી વાતો કરીને વિકાસ ગાંડો થાય અને પછી બાળ મરણ થાય તેવા કૃત્યો કોંગ્રેસ બિલકુલ કરતું નથી. કોંગ્રેસ મોટી મોટી વાતો અને ભાષણબાજીમાં માનતું નથી. આજે દેશના વડાપ્રધાન સારામાં સારું ભાષણ કરે છે તે ગુણ કોંગ્રેસમાં નથી અને તે વાતની અમને ખુશી છે કારણ કે, જ્યારે અમે વડાપ્રધાનના જુના ભાષણો સાંભળીએ ત્યારે વિચાર આવે કે, કોઈ વ્યક્તિ આટલી જલ્દી કેમ પોતાનું સ્ટેન્ડ બદલાવી શકે. કોંગ્રેસે પ્રજાને સમાનતાનો અધિકાર આપ્યો છે. દરેક વ્યક્તિએ પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે અને વિરોધ પણ કરવાનો અધિકાર આપ્યો છે પરંતુ હાલ લોકશાહીનું ખરા અર્થમાં હનન થઈ રહ્યું છે. દિલ્લી સરહદે બેઠા જગતના તાત છેલ્લા એક મહિનાથી પોતાની હકની લડાઈ લડી રહ્યા છે ત્યારે તેમને આતંકવાદી ફક્ત ભાજપ કહી શકે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જે ભાજપના નેતાઓએ પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અંગે આંદોલનો કર્યા આજે તે નેતાઓ પોતે એવું કહે છે કે, દેશના વિકાસ માટે પેટ્રોલ – ડીઝલમાં ભાવ વધારો કરવો જરૂરી છે ત્યારે ચોક્કસ સવાલ ઉદભવે કે ત્યારે તમે ખોટા આંદોલન કરી પ્રજાને ગુમરાહ કરી રહ્યા હતા કે આજે ખોટી વાતો કરી પ્રજાને બેવકૂફ બનાવી ગરીબ માણસોને લૂંટી રહ્યા છો ? વોર્ડ નંબર ૧૨માં કોંગ્રેસે એવું તો શું કર્યું કે ભાજપ ફાવી શક્યું નહીં અને ચારેય કોંગી ઉમેદવારોને ૨૦૧૫માં બહુમત મળ્યા અને વોર્ડ નંબર ૧૨નું મોડલ કેમ કોંગ્રેસ શહેરભરમાં અપનાવતું નથી ? તેના જવાબમાં કોંગી નેતા સંજય અજુડિયાએ કહ્યું હતું કે, તે સમયે પાટીદાર સમાજ આંદોલન પર ઉતર્યું હતું, સરકારની ઘોર નિંદા થઈ રહી હતી, પ્રજા ભાજપના જુઠાણાને પારખી ગઈ હતી અને કોંગ્રેસને વોર્ડ નંબર ૧૨માં વિજયી બનવ્યા હતા. વાત રહી સમગ્ર શહેરની તો ભાજપ મતોનું ધ્રુવીકરણ કરતું આવ્યું છે. ભાજપે પાટીદાર સમાજમાં પણ જૂથવાદ ઉભો કરાવી મતોનું ધ્રુવીકરણ કર્યું જેથી મનપામાં કોંગ્રેસનું શાસન આવી શક્યું નહીં પરંતુ ફક્ત ૧% જેટલા મતોની સરસાઈ રહી હતી જે આગામી ચૂંટણીમાં દૂર થઈ જશે.
શું કહે છે પ્રજા?
વોર્ડ નંબર ૧૨માં પ્રજાએ કોંગ્રેસ અંગે મિશ્રપ્રતિસાદ આપ્યો હતો. લોકોએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં ચોક્કસ નાના મોટા સવાલો છે તે બાબતમાં શંકાને સ્થાન નથી પરંતુ તેનો મતલબ એવો પણ નથી કે, સતાની કમાન કોંગ્રેસને સોંપી શકાય નહીં. મોદી સરકારે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે તો ઇન્દિરા સરકારે પાકિસ્તાનના ટુકડા પણ કરાવ્યા છે. લોકો હજુ કોંગ્રેસના મૂલ્યોને ભૂલ્યા નથી બસ કોંગ્રેસે આ મૂલ્યો જાળવીને લોકો સમક્ષ જવાની જરૂરિયાત છે અને જો કોંગ્રેસ આ કરવા કટિબદ્ધ થયું તો ફરીવાર કોંગ્રેસ રાજકોટ મનપામાં સતામાં આવે તો નવાઈ નહીં. વોર્ડ નંબર ૧૨ના
અમુક વૃદ્ધોએ મૌખિક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે અને આ યુવાનોએ કોંગ્રેસનું શાસન ક્યારેય જોયું જ નથી. યુવાનોએ જ્યારથી સમજણ કેળવી ત્યારથી ભાજપનું જ શાસન જોયું છે જેથી કોંગ્રેસ શું છે તે અંગે તેમને ખ્યાલ જ હોતો નથી જેનો લાભ ભાજપને મળી રહ્યો છે. ભાજપ પણ લોકોના કામો કરે છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી પરંતુ બન્ને પક્ષોની વિચારધારા અલગ અલગ છે અને પરિવર્તનએ સંસારનો નિયમ છે જેથી આજે ભાજપ તો કાલે કોંગ્રેસ સતામાં આવશે તો ખરી જ. તેમણે વોર્ડ નંબર ૧૨ની સાપેક્ષે કહ્યું હતું કે, અહીં અમે ચૂંટીને મોકલેલા નગરસેવકો ૨૪ કલાક સેવામાં હાજર રહે છે. અડધી રાત્રે પણ કોંગી નગરસેવકો પ્રજાના કાર્યો માટે હાજર રહેતા હોય છે. લોકોની વચ્ચે રહીને સૌનું ધ્યાન કેમ રાખવું તે અમારા નગરસેવકો બખૂબી જાણે છે જેથી અમને કોંગ્રેસ પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ નથી. ફરિયાદ અમારી તંત્ર તરફે ચોક્કસ છે કારણ કે, નગરસેવકોની વારંવાર કરાતી રાજુઆતને તંત્ર અને પદાધિકારીઓ ધ્યાને લેતા નથી. આ વિસ્તારનો વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે પણ તંત્રનો સહયોગ મળતો નથી. આ વિસ્તારમાં હજુ સુધી મોટાભાગની ટીપી સ્કીમો ફાઇનલ થઈ નથી જેથી એપ્રોચ રોડ પણ આવ્યા નથી.