- ગુજરાતના માત્ર ચાર સાંસદોને મળશે કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન!
- લોકસભા અને રાજયસભાના મળી ભાજપના કુલ 35 સાંસદો છે: અમિત શાહ, જે.પી.નડ્ડા, એસ.જયશંકર અને સી.આર. પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ કરાય તેવી શકયતા
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એનડીએના નેતા
- નરેન્દ્ર મોદીને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ:
- કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે શપથ સમારોહ
હું નરેન્દ્ર દામોદરદાસ મોદી….કાલે સતત ત્રીજી વખત મોદી વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એનડીએના નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. હવે કાલે સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ સમારોહ યોજાનાર છે.
ભારતીય જનતા પાર્ટીના આગેવાની હેઠળના એનડીએના નવા ચૂંટાયેલા સાંસદો શુક્રવારના રોજ મળ્યા હતા. જેમાં તેઓએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ચૂંટ્યા, તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો હતો. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એનડીએના નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
મળતી માહિતી અનુસાર, 09 જૂન 2024ના રોજ સાંજે 07:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે. એનડીએના નેતાઓના સમર્થનના પત્રો પ્રાપ્ત કર્યા પછી, રાષ્ટ્રપતિને જાણવા મળ્યું કે એનડીએ 18મી લોકસભામાં બહુમતી મેળવવાની સ્થિતિમાં છે. જે પછી, ભારતના બંધારણની કલમ 75(1) હેઠળ, રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમય જણાવવા વિનંતી કરી હતી. ઉપરાંત, કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો તરીકે નિમણૂક કરવા માટે અન્ય નેતાઓના નામોની યાદી માંગવામાં આવી હતી.
એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ પછી મોદી રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને તેમના સમર્થક સાંસદોની યાદી આપી અને સરકાર બનાવવાનો દાવો કર્યો.
રાષ્ટ્રપતિને મળ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “18મી લોકસભા નવી ઉર્જા, યુવા ઊર્જા અને કંઈક કરવાના ઈરાદા સાથેની લોકસભા છે. આઝાદીના અમૃત મહોત્સવ પછી આ પહેલી ચૂંટણી છે. એક રીતે જોઈએ તો આ છે. લોકસભાનું 25મું વર્ષ.” જે આપણા અમરત્વના 25 વર્ષ છે.”
નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરી એક નવા જ અધ્યાયને આલેખશે જવાહરલાલ નહેરૂ બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા તેઓ ભારતના ત્રીજા રાજનેતા બનશે. 18મી લોકસભામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી એનડીએ ગઠબંધનને જનાદેશ મળ્યો છે. સાથી પક્ષોને પણ યોગ્ય સ્થાન આપવું મોદીની મજબરી બની જવા પામી છે. આવામાં ભાજપનાં ગઢ સમા ગુજરાત રાજયનું કેન્દ્રીય મંત્રી મંડળમાં ‘વજન’ ઘટશે. ગુજરાતનાં માત્ર ચાર અને વધીને પાંચ સાંસદોને નવા કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી સંભાવના જણાય રહી છે. આજે રાત અથવા આવતીકાલે સવારે નકકી થઈ જશે કે ગુજરાતના કયાં સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવશે.
હાલ ગુજરાતમાં ભાજપ પાસે કુલ 35 સાંસદો છે જેમાં લોકસભાના 25 સાંસદો અને રાજયસભાના 10 છે. 17મી લોકસભામાં ભાજપ પાસે 303 બેઠકો હતી એનડીએના એકણ સાથી પક્ષ પર ભાજપ નિર્ભર નહતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની મરજી મુજબ નિર્ણયો લઈ શકતા હતા. કેન્દ્રીય મંત્રી મંડળમાં ગત વખતે ગુજરાતના સાત સાંસદોને મોદી મંડળમાં સ્થાન મળ્યું હતુ. જેમાં અમિતભાઈ શાહ, એસ. જયશંકર, ડો.મનસુખ માંડવિયા, પુરસોતમભાઈ રૂપાલા, દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ થતો હતો. આ વખતે ભાજપને માત્ર 240 બેઠકો મળી છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે 272 બેઠકો મળવી જરૂરી છે. ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી છે. જેડીયું, ટીડીપી, શિવસેના, એલજીપી સહિતના સાથી પક્ષોને સાચવવા ખુબજ જરૂરી છે.જો પાંચ વર્ષ સુધી નરેન્દ્રભાઈએ સ્થીર સરકાર ચલાવવી હોય તો એનડીએનાં તમામ સાથી પક્ષોને મંત્રી મંડળમાં તેઓની સાંસદોની સંખ્યાના પ્રમાણમાં યથાયોગ્ય સ્થાન આપવું ખુબજ જરૂરી છે.
મોદી સરકારની ત્રીજી ટર્મમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હિસ્સેદારીમાં ઘટાડો થશે તે ફાઈનલ છે. ઉતરપ્રદેશ અને રાજસ્થાન જેટલો રકાસ ભાજપને ગુજરાતમાં થયો નથી. ગુજરાતમાં માત્ર એક જ બેઠક ઘટી છે. છતા મંત્રી મંડળમાં ગુજરાતનું વજન ઘટે તે લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના લોકસભા અને રાજયસભા 35 સાંસદો પૈકી માત્ર ચાર સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શકયતા જણાય રહી છે.
અમિતભાઈ શાહ, જે.પી.નડ્ડા, એસ.જયશંકર અને સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી શકયતા હાલ દેખાય રહી છે. બીજી તરફ એવી વાતો પણ ચાલી રહી છે. અમિતભાઈને સરકારમાં સમાવવાના બદલે તેઓને સંગઠનને વધુ મજબુત બનાવવાની જવાબદારી સોંપવામાં આવશે. અથવા એનડીએના મુખ્ય સંયોજક બનાવવામાં આવે તેવું મનાય રહ્યું છે. આવી શકયતા ખૂબજ નહિવત છે. છતા જો આવો નિર્ણય લેવામાં આવે તો ગુજરાતમાંથી પોરબંદર બેઠક પરથી ચૂંટાયેલા ડો.મનસુખભાઈ માંડવિયાને ફરી મોદી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ગુજરાતના ચાર સાંસદો અને વધીને પાંચ સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામા આવે તેવી શકયતા છે. ટુંકમાં મોદી સરકારની ત્રીજી ટર્મમાં ગુજરાતનું વજન ઘટશે તે ફાઈનલ છે.
- થોડા જ દિવસમાં લોકસભાનું ,સત્ર શરૂ કરી દેવાશે
વડાપ્રધાનના શપથગ્રહણ બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર જૂનના ત્રીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ સત્રની શરૂઆત નવા સાંસદોના શપથ ગ્રહણ સાથે થશે. તમામ સાંસદોને શપથ લેવા માટે બે દિવસ લાગી શકે છે. આ પછી નવા લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધીને સત્રની ઔપચારિક શરૂઆત કરશે. સત્રની તારીખો પર અંતિમ નિર્ણય નવી કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવશે. સત્ર દરમિયાન
વડાપ્રધાન મોદી તેમના મંત્રી પરિષદના સભ્યોનો બંને ગૃહોમાં પરિચય પણ કરાવશે. સત્ર 22 જૂને સમાપ્ત થવાની સંભાવના છે. આ સત્ર એક સપ્તાહના ટૂંકા ગાળા માટે યોજાય તેવી શક્યતા છે. આ પછી, સંસદનું ચોમાસુ સત્ર જુલાઈ-ઓગસ્ટમાં યોજાશે અને આ દરમિયાન નાણાકીય વર્ષ 2024-25નું નિયમિત બજેટ પણ રજૂ કરવામાં આવશે.
રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ કેબિનેટની બેઠક યોજાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 જૂને 17મી લોકસભા ભંગ કરી દીધી હતી. જેના પગલે મુર્મુએ શુક્રવારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.