• રાજકોટના સીએસ પતિ અને સાસરીયા વિરૂદ્વ વિશ્ર્વાસઘાત-છેતરપિંડીની રાવ

રાજકોટના સભ્ય સમાજનો ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 25 વર્ષીય યુવતી તેની જ લોહાણા જ્ઞાતિના યુવક સાથે સાત ફેરા ફરી સફળ જીવનના સપના જોતી. મનમાં અનેક કોડ લઈ સાસરે ગઈ પણ પતિ નપુંસક હોવાની જાણ થતાં તમામ અરમાનો ચકનાચૂર થઈ ગયા હતા અને પોતાને છેતરાયાનો ભાવ થયો હતો. કંપની સેક્રેટરી(સી.એસ.) પતિએ નપુંસક હોવાની હકીકત છુપાવી કલ્યાણપુર પંથકની 25 વર્ષીય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે થોડા સમયમાં જ પત્નીને જાણ થતાં વિશ્વાસઘાત – છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે.

લગ્નના એક સપ્તાહ દરમિયાન માતાજીની બાધા હોવાનું કહીં શરીર સંબંધ બાંધવાનું ટાળ્યું હતું. જે પછી પત્નીને શંકા જતા ભાર દઈ પતિને પૂછતાં હકીકત જણાવી હતી. ફરિયાદ દાખલ થતા જુના રાજકોટમાં રહેતા અને સેન્ટ્રલ રાજકોટના પોસ વિસ્તારમાં ઓફિસ ધરાવતા પતિ સહિતના સાસરિયાની અટકાયત કરવા પોલીસે તજવીજ કરી છે.

હાલ પોતાના માવતર કલ્યાણપુર તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, હું હાલ મારા પિયર મારા માતા પિતા સાથે રહું છું. મારા લગ્ન ગઇ નવેમ્બર 2021ના રોજ રાજકોટના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન બાદ હું મારા માતા-પિતા તરફથી મળેલ કરીયાવર સાથે મારા પતિના ઘરે રાજકોટ મુકામે સંયુકત કુટુંબમાં રહેવા ગઈ હતી. લગ્નની પ્રથમ રાત્રીથી જ મારા પતિએ મારી સાથે ફીઝીકલ રીલેશન રાખતા ન હોય અને જુદા જુદા બહાનાઓ બતાવી તેમજ માતાજી તથા ભગવાનની બાધા હોવાની વાતો કરી સમય પસાર કરતા હતા. સાતેક દિવસ સુધી કોઈ શરીર સંબંધ ન બાંધતા મને શંકા ગઈ હતી. જેથી આઠમા દિવસની રાત્રીએ મેં મારા પતિને ભાર દઈને આ અંગે પૂછ્યું હતું.

મારા પતિએ મને કહેલ કે મારે લગ્ન કરવા જ નહોતા. કારણ કે, હું નપુંસક છું. હું કોઇ ફીઝીકલ રીલેશન રાખી શકુ તેમ નથી, પરંતુ મારે મારા નાના ભાઇના લગ્ન કરવાના હોય અને જો મારા લગ્ન થાય તો જ મારા નાના ભાઈના લગ્ન થઇ શકે તેમ હોય જેથી મેં અમારા ઘરના સભ્યોના દબાણના કારણે તારી સાથે લગ્ન કર્યાં છે. મારા પતિ પોતે નપુંસક હોવા છતા મારી સાથે લગ્ન કરેલ છે. આ વાતની મને જાણ થતા આ મારા પતિએ મને કહેલ કે આ વાત જો તું કોઇને કરીશ તો હું આત્મહત્યા કરી લઇશ. તારુ અને તારા માતા-પિતાનુ નામ સુસાઇટ નોટમાં લખતો જઈશ. તેવી ધમકી આપતો જેના કારણે મેં આ વાત મારા માતા-પિતાને કે બીજા કોઈને કરેલ નહોતી.

વધુમાં પરિણીતાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર 2023 ના રોજ હું તથા મારા માતા – પિતા અને મારા પતિ મુંબઈ મારા મામાના ઘરે ગયેલા અને ત્યાંથી અમે બધા લોનાવાલા ફરવા ગયેલા. જ્યાં મારા પતિ મારાથી દૂર દૂર રહેતા હોય તેની વર્તુણુંક હિસાબે મારા માતા – પિતાને શંકા જતા મને પુછતા મારા પતિની બીમારી સંબંધે બધી વાત કરેલ અને જેથી અમે પાછા આવેલ ત્યારે મારા પતિ રાજકોટ ઉતરી ગયેલા અને હું મારા માતા પિતા સાથે માવતર આવતી રહી હતી. થોડા દિવસ બાદ અમે રાજકોટ રહેતા મારા મોટા પપ્પાના ઘરે ગયા હતા.

તેમને સાથે લઈ હું મારા માતા – પિતા મારા સાસરીયામાં ગયેલા. જ્યાં તેઓ સાથે મારા પતિની બીમારી સબંધે ચર્ચા કરેલ હતી. હું પછી મારા માવતરે આવી હતી. મારા કરિયાવરનું સ્ત્રી ધન મારા સાસરિયાએ મને પરત આપેલ નથી. મારા સાથે થયેલ વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગે કલ્યાણપુર પોલીસ મથેકે તા.24/11/23ના રોજ ફરિયાદ આપી હતી. પણ ઉચ્ચ અધિકારીની પરમિશનની રાહે પોલીસે હવે ફરિયાદ નોંધી છે. કલ્યાણપુર પોલીસે આઇપીસી 406, 420, 114 અને 498(એ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પતિ, સાસુ – સસરા, દિયરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

ફરિયાદમાં પત્નીએ જણાવ્યું કે, મારા પતિ મને શરીર સુખ આપી શકે તેમ ન હોય જેથી મેં તેઓને દવા લેવાનું કહેતા તેઓએ મને કહ્યું કે, તેણે અગાઉ દવા કરાવેલ છે હવે કોઇ ફેર પડે તેમ નથી. તેમ છતા જો તારે શરીર સુખ જોતું હોય તો મારો ભાઈ તથા મારા પિતા તને આપી દેશે. જે અંગે ઘણી વખત મારા સસરા તથા દિયરએ મને તેની ચેષ્ટાઓથી ઈશારો પણ આપેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.