વર્સેટાઈલ બોલીવુડ સિંગર અનુરાધાની ‘અબતક’ સાથે વિશેષ વાતચીત: ગુજરાત મને ખુબ જ પ્રિય છે: ‘મારા ઘરમાં બિરાજતા શ્રીનાથજી’ મારુ ફેવરીટ ભજન: મ્યુઝિકમાં બેસ્ટ આપો, બેસ્ટ મેળવો
બોલીવુડના પાર્શ્ર્વગાયિકા અનુરાધા પોંડવાલે ઘણા સુરીલા અને યાદગાર ગીતો ગાયા છે. ૧૯૯૦ના દાયકામાં આશિકી સડક અને દિલમાં અનુરાધાએ ગાયેલા ગીતોની કેસેટ વિક્રમી વેચાણ કર્યું હતું. અનુરાધા વર્સેટાઈલ સિંગર છે. તેમણે ફિલ્મી ઉપરાંત ભકિતગીતો પણ ગાયા છે. હવે તેઓ મોટાભાગ ભકિતગીતો જ ગાય છે. રાજકોટમાં ભાગવત કથામાં આવેલા તેમણે ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી તે મારું પ્રિય ભકિતગીત છે.
ગુજરાત મને પહેલાથી જ પ્રિય છે
તેમણે આગળ જણાવ્યું કે હું કયાંય પણ જાઉ ગુજરાત મને ખુબ જ પ્રિય છે. ખાસ કરીને આ વખતે મને ખુબ જ સારું લાગ્યુ છે. પ્રોગ્રામ તો ઘણા થાય છે પણ બહુ ઓછા લોકો સાથે મન મળતુ હોય છે. ખાસ કરીને રાજકોટ ભાગવત કથામાં આવીને ખુબ જ સારો એક અલગ અનુભવ થયો છે.
ઈશ્ર્વર સુધી પહોંચવાનો સરળ માર્ગ એટલે ભજન
ભજનએ ઈશ્ર્વરનું વિધિ લિખિત છે ભજનથી મને એવુ લાગે છે કે હું ઈશ્ર્વરની તદન નજીક છું ભજન, મારા જીવન અને અન્ય તમામ ગીતો સાથે ઈશ્ર્વરનું નામ જોડાય ચુકયું છે. આજકાલ મારુ ગાયેલુ ગીત ‘તમ્મા તમ્મા’ ખૂબ જ લોકપ્રિય બન્યું છે એ ગીત પણ ફિલ્મ ‘બદરીનાથ કી દુલ્હનીયા’નું છે તો એ રીતે પણ હું કોઈને કોઈ રીતે ભગવાન સાથે જોડાયેલી છું ભગવાન છોડતા નથી મનેં એમાં પણ બદ્રીનાથ છે. તો આ એક પ્રકારની ભગવાન સાથેની ભજનોની એક લીંક છે જે હંમેશા મને ઈશ્ર્વરની નજીક રાખે છે ઈશ્ર્વરના હરએક મંદિર સાથે હું જોડાયેલી છું. પૈસાથી આપણે ભગવાનને ખરીદી શકતા નથી પરંતુ ભજન એ ઈશ્ર્વર સુધી પહોંચવાનો સરળ માર્ગ છે.
સંગીત દ્વારા ઈશ્ર્વરને દરેક સ્થળે જોવ છું
હું બેઈઝીકલી સાધક છું, સીંગર નહીં. હું કયારે ગાવાનું શીખી નથી. માત્ર સાંભળીને ગાવાની પ્રેકટીસ કરી છે હું મારા સંગીત દ્વારા દરેક સ્થળે ઈશ્ર્વરને શોધવાના પ્રયત્નો કરુ છું. મારો જન્મ જ ઈશ્ર્વર ભકિત અને ભજન ગાવા માટે થયો છે. હું ધન્ય થઈ ગઈ છું. ગંગાજીની આરતી ગાઈને ર્માં ગંગા દરરોજ મારી આરતી સાંભળે છે. ભારતમાં ગાવાવાળાની કોઈ કમી નથી પરંતુ લોકોનો અને ઈશ્ર્વરનો પ્રેમ છે કે જે મને સાંભળે છે આથી ભજનો ગાઈને હું ખુબ ધન્યતા અનુભવુ છું.
નંબર-૧ બનીને ફીલ્મ ઈન્ડસ્ટ્રીસ મૂકવી છે
૮૪ની સાલમાં હિરો નામની ફિલ્મ રીલીઝ થઈ હતી એ વખતે એ ફિલ્મ ખૂબ જ હીટ જવા છતા મને એના સિવાય અન્ય કોઈ ખાસ ઓફર્સ મળી નહી ત્યારે મને લાગ્યુ કે મારે કંઈક બીજુ કરવું જોઈએ એ સમયે હું જયાં દરોજ જાઉ છું તે મંદિર ગઈ. દક્ષિણેશ્ર્વર કલકતામાં બેઠાબેઠા પુજારીએ ત્યારે માતાનું ભજન ગાવાનું કહ્યું ત્યારે એકપણ ભજન કે આરતી આવડતી નહોતી. ત્યારે મને સમજાયું કે છેલ્લા ૧૨ વર્ષથી જે માતાએ મને કંઠ આપ્યો છે એમની સ્તૃતિ તો મેં કયારેય ગાઈ જ નથી. ત્યારે મેં વિચાર્યું કે હર એક મંદિર સાથે મારા કંઠને જોડીશ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માત્ર ત્યારે જ છોડીશ જયારે હું નંબર-૧ બનીશ એ સમયથી માતા રાનીની મારા પર ખુબ જ કૃપા રહી છે.
લોકો હંમેશા યાદ રાખે તેવા કાર્યો કરવા જોઈએ
દુનિયા સદીઓથી ચાલી આવી છે અને ચાલતી રહેશે. ઈશ્ર્વરે આપણને જે જન્મ આપ્યો છે એમાં આપણે આપણુ સર્વશ્રેષ્ઠ પ્રદાન કરીએ અને લોકો હંમેશા આપણને યાદ રાખે. સારુ આપશો તો આવનારા સમયના ઘણા વિકલ્પો મળશે. તેમાં ખાસ મહત્વની વાત એ છે કે અત્યારે તમે શું કરી રહ્યા છે એ મહત્વનું છે બેસ્ટ આપો બેસ્ટ મેળવો.