માનવીનો શોખ કયારેક તેની ઓળખ બની જતી હોય છે… આજે રાજકોટ બસ સ્ટેન્ડમાં જરા હટકે પાઘડી પહેરી દાહોદ જિલ્લાના અબલોડ ગામના સરપંચ વરસીંગ છગનભાઈ ભાભોર જોવા મળી ગયા હતા. વરસીંગભાઈએ પહેરેલી પાઘડી જોઈ બસ સ્ટેન્ડમાં લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા.
આદિવાસી સમાજની આગવી ઓળખસમી તેઓની આ પાઘડીનું વજન ૩ કિલોથી વધુ છે અને પાઘડી માટે ૫૧ મીટર કાપડની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકોને માથા પર હેલ્મેટ પહેરવી ગમતી નથી ત્યારે આ મહાશયે તો માથા પર ૩ કિલોનું વજન ઉઠાવેલું જોઈ લોકો પણ ચકિકત બન્યા હતા.
મજાની વાત તો એ છે કે વરસીંગભાઈ ભાભોરને વડાપ્રધાન મોદી અને આપણા રાજકોટના વતની એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણી વ્યકિતગત રીતે ઓળખે છે અને અત્યાર સુધીમાં વરસીંગભાઈએ વડાપ્રધાન મોદીને પોતાની આવી આદિવાસી ઓળખ ધરાવતી ૧૧ પાઘડીઓ ભેટ આપી છે અને વિજયભાઈ રૂપાણીને ૩ પાઘડીઓ ભેટ આપી છે.
તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, આ મારી પાઘડી જ મારી ઓળખ છે હું ભાજપનો જુનો કાર્યકર છું અને ભાજપ સાથે જોડાયેલા તમામ લોકો મને આ પાઘડીથી ઓળખે છે. આજે તેઓ દાહોદથી દ્વારકા દર્શન કરવા જતા હતા ત્યારે રાજકોટના બસ સ્ટેન્ડમાં ટુંકુ રોકાણ કર્યું હતું.