નીચ
“સર, જુઓ આ માણસ, દરરોજ કોલેજ છૂટવાને સમયે દરવાજા પાસે ઉભી, અમારી સામે તાકી- તાકી ને જુએ છે. આજ સુધી તો અમે જતું કર્યું. વળી ‘વાહન ઘીમે હાંકો’– લખેલું એક કપડું લઇ ને રસ્તા પર ઉભો રહે એટલે પોતાનાં કરતૂતો વિશે કોઇને ગંધ પણ ન આવે. ” આમ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓની લીડર પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરવા લાગી.
પ્રિન્સીપાલે જોયું તો ફાટેલ તૂટેલ ઝભ્ભો પહેરેલો, વધી ગયેલી દાઢીવાળો એક યુવાન અદબથી ઉભો હતો.
પ્રિન્સિપાલે ખખડાવ્યો પણ એ માત્ર એટલું જ બોલ્યો, ‘“સાહેબ, મને ક્ષમા કરો, હવે પછી કયારેય તમારી કોલેજને દરવાજે નહીં આવું.”
એ ચાલતો થયો. વિદ્યાર્થિનીઓ ગૂસપૂસ કરવા માંડી. લીડરે જરા જોરથી કહ્યું, ‘‘નીચ… મજનૂનો બેટો.’’
‘હું હં દીદી, એવું ન બોલ મારે એકની એક બેન હતી. તમારી જેમ જ ઉત્સાહથી કોલેજમાં આવતી એક દિવસ કોલેજ છુટી… મારી બેન સાઇકલ પર નીકળી…. એક ટ્રકે એને…” કહેતાં એની આંખો ભીની થઇ ગઇ.
‘…. અને બસ, ત્યારથી આ કોલેજમાં આવતી બહેનોના ચહેરાને ઝીણવટથી નિહાળું છું, કદાચ કોઇના ચહેરામાં મારી બેનનાં દર્શન થાય… ‘‘વાહન ધીમે હાંકો’નું બેનર પણ એટલે જ કે કોઇ ભાઇની સ્થિતિ મારા જેવી ન થાય.’’
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર