પિયુષ વધુ અભ્યાસર્થે મુંબઇ જતો રહ્યો તેના પિતા રસિકભાઇની ઇચ્છા તો ધંધાનો સમગ્ર હવાલો પિયુષને સોંપી નિવૃત જીવન ગાળવાની હતી. પરંતુ પિયુષની તેજસ્વીતા નિહાળી કોલેજના પ્રિન્સિપાલે તેને વધુ ઉચ્ચ અભ્યાસ કરવા થવાની ખ્વાહીશ હતી. કોલેજકાળ દરમિયાન કલાકો સુધી તે નજદીક આવેલી હાઇકોર્ટમાં જઇ અદાલતી કાર્યવાહી સાંભળતો. ધારાશાસ્ત્રીઓની કાયદાને પ્રશ્ને થતી દલીલો તેને સાંભળવી ગમતી. આથી ગ્રેજ્યુએટ થયા બાદ કાયદાનો ઉચ્ચ અભ્યાસ કરવા તે મુંબઇ જઇ રહ્યો હતો.
રેલવે સ્ટેશન પિયુષને વિદાય આપવા તેના માતા-પિતા, મિત્રો તથા સ્નેહીઓ આવેલા હતા સાથે તેની વાગ્દતા સુધા પણ હતી.
પિયુષ કોમર્સનાં છેલ્લા વર્ષમાં હતો. ત્યારે સુધા સાથે તેનું વેવિશાળ થઇ ગયેલું. પિયુષના પિતા રસિકભાઇ તથા સુધાના પિતા હરિચંદભાઇ વર્ષોથી ગાઢ મિત્રો હતા. ઉપરાંત સુધા તથા પિયુષ પણ બાળપણથી જ સાથે રમેલાં હતા તેમજ સાથે અભ્યાસ કરેલો જેથી બંન્ને વડિલ મિત્રોએ વર્ષોથી ચાલ્યા આવતા મિત્રતાના સંબંધને નજીક લાવી વધુ ગાઢ બનાવવા, પિયુષ, સુધાની ઇચ્છા જાણી, વેવિશાળની વિવિધ આટોપી લીધી.
પિયુષ અને સુધા વિદાય થતા પહેલા મળ્યા. વિદાયની વેળાએ બંનેના નયનો અશ્રુભર્યા બન્યાં પત્રો લખવાના વચન અપાયાં ટ્રેઇન આવી ગઇ. પિયુષ સર્વને વિદાયનો સિગ્નલ આપતો વિદાય થયો.
પિયુષે મુંબઇ પહોંચી ટૂંક સમયમાં કોલેજ તથા હોસ્ટેલમાં એડમિશન મેળવી લીધું. અને તેના પિતાને તથા સુધાને પત્રો લખી તેની જાણ કરી. પિયુષે તેનાં વાચાળ, મધુર, નમ્ર અને મળતાવડા સ્વભાવને કારણે મિત્રોની કંપની મેળવી લીધી. કોલેજમાં પણ તેની બૌદ્વિક પ્રતિભાને લીધે સર્વે પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓનો પ્રિય બની ગયો.
સુધાના નિયમિત પત્રો આવતા. તે મુંબઇ મોહમયી નગરીના અનેક અવનવા પ્રસંગો, અનુભવોની હકીકતો આલેખતો.
આ રીતે અભ્યાસનાં બે વર્ષ પૂરા થયાં. પિયુષ બન્ને વર્ષે કોલેજ ફર્સ્ટ આવ્યો. રજાઓમાં ઘરે આવ્યો.
સુધાના પિતા હરિચંદભાઇએ રસિકભાઇને બન્ને સંતાનોનાં લગ્ન વહેલી તકે ઉજવી નાખી નિરાંતનો દમ ખેંચવાની સલાહ આપી. રસિકભાઇ તો એ જ ઇચ્છતા હતા. તેમણે પિયુષને ઉપરોક્ત હકીકત કહી, પરંતુ પિયુષે અભ્યાસ પુર્ણ થયા પહેલા લગ્ન નહીં કરવા પિતાને સમજાવ્યું, રસિકભાઇને પિયુષની વાત ન ગમી છતાં, યુવાન પુત્રના હદ્યને આઘાત ન પહોંચાડવા ઇચ્છતા. તેઓએ અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી લગ્નની વાત મુલત્વી રાખી.
પિયુષ-સુધા નિયમિત સાંજે તળાવની પાળે મળતાં. અનેક રસપ્રદ ચર્ચાઓ થતી સાથે સાથે ભાવી જીવનની ઇમારતના નકશા પણ રચતા, રજાઓ પૂરી થતાં પિયુષને ફરી મુંબઇ જવાનું થયું. વિદાય વેળા આવી ગઇ. યૌવનનાં ઉંબરે પગલા માંડતા એ પ્રેમી દિલોને છૂટા પડવું ક્યાંથી ગમે ? પરંતુ વિદાય હંમેશા વસમી હોય છે. મિલનના આનંદના અતિક કરતા વિદાયની વસમી પળો હદ્યને દુ:ખ પહોંચાડે છે. સુધા રડી પડી. ફરી લાંબા સમય માટે તેણીનો પિયુ દૂર દૂર જતો હતો. ટ્રેઇન આવી, ઉપડી એ અદ્રશ્ય થઇ ત્યાં સુધી પ્લેટફોર્મની દીવાલને ટેકે માથું ટેકવી સુધા એકીટસે અદ્રશ્ય થતી ટ્રેઇનને નીહાળતી રહી.
પિયુષને ત્રીજા વર્ષમાં કાયદાનો ગહન અભ્યાસ કરવાનો હતો. સમયની સાઠમારી વચ્ચે વર્ષ પુરું કરવાનું હતું. સાથો સાથ સુધાની યાદને વાગોળવાની હતી. તેથી ક્યારેક પ્રત્યુત્તર આપવાનું મોડું થઇ જતું. ત્યારે સુધાનો મીઠો ઠપકો ‘કેડબરીઝ’ની માફક ચગળી હૈયામાં ઉતારી જતો.
સત્રાંતે કોલેજમાં એક વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ. લોકશાહીમાં કાયદાનું શાસન’ એ વિષય ઉપર યોજેલી સ્પર્ધામાં પિયુષ સૌ પ્રથમ આવ્યો. આમંત્રિત મહેમાનોમાં મુંબઇનાં પ્રખ્યાત એડવોકેટ સુધીરભાઇ મહેતાએ પિયુષને ફંક્શન પુરું થયા બાદ મળી અભિનંદન આપ્યા. વધુમાં અભ્યાસમાં તેમના સહકારની જરુર હોય તો ગમે તે સમયે મળવા આમંત્રણ આપ્યું. ઘર તથા ઓફિસના સરનામાંના કાર્ડ આપ્યા. પિયુષ ઘણો જ ખુશ હતો.
રવિવારની રજામાં તે સુધીરભાઇના ઘરે પહોંચ્યો. સુધીરભાઇએ તેને મીઠો આવકાર આપ્યો. લગભગ ત્રણેક કલાક કાયદાના વિવિધ પ્રશ્ને સુધીરભાઇએ તેને સમજણ આપી. પિયુષની અભ્યાસની ઘણી ખરી મુશ્કેલીઓ દૂર થઇ. તે ઘરે જવા તૈયાર થયો પરંતુ સુધીરભાઇની સાથે ભોજન લેવાનો આગ્રહ કરતાં રોકાઇ જવું પડ્યું.
ડાઇનીંગ ટેબલ પર સુધીરભાઇને તેમના પત્ની શીતલબહેન, પુત્રી અમી તથા નાના પુત્ર શૈલેષની ઓળખાણ કરાવી તથા પિયુષની ઓળખાણ પણ કુટુંબના સભ્યોને કરાવી. ભોજન બાદ અમી તથા પિયુષ થોડો સમય મળ્યા. અમી સાયન્સના છેલ્લા વર્ષમાં હતી. ફરી મળવાનું વચન આપી પિયુષ વિદાય થયો.
પિયુષ અમીના વિચારમાં ખોવાયેલો હોસ્ટેલ પહોંચ્યો. અમીના કામણગારા નયનોએ તથા વાચાશૈલીએ કાંઇક જાદુ કર્યો હતો. તે અમીના યાદમાં ખોવાઇ ગયો પરંતુ એ જાદુની અસર થોડો સમય રહી.
પિયુષની આંખો સામે નિર્દોષ, રમતીયાળ અને આનંદી એવી સુધાની તસવીર છવાઇ ગઇ, તે સઘળું ભૂલી ગયો. સુધા તેની સર્વસ્વ હતી.
બે-ત્રણ માસ સુધી પિયુષને સુધીરભાઇને ઘેર તથા ઓફિસે જવાનું થયું. અને આ સમયમાં અભ્યાસની સાથો સાથે સુધરીભાઇની સાથે ઘરનાં સર્વે સાથે ગાઢ સંબંધ બંધાઇ ગયો. અમી સાથેના વિશેષ, પરંતુ તે સંબંધ મિત્રતાના સ્વરુપમાં જ હતો. તેના હદ્યમાં તો સુધા સિવાય અન્યને સ્થાન ન હતું.
વાર્ષિક પરિક્ષા શરુ થઇ. પિયુષે તેના પિતાને તથા સુધાને પત્ર લખ્યો. ‘અઠવાડિયામાં ત્યાં આવી જશે, ચોક્કસ તારીખ હવે પછી જણાવશે.’ સુધાનો પ્રત્યુતર આવી ગયો તેણે તેના આગમનની ખૂબ જ રાહ જોઇ રહી હતી.
પરીક્ષાનું છેલ્લું પેપર પુરું કરી, પિયુષ સુધા માટે સાડી તથા અન્ય વસ્તુઓ ખરીદવા અપના બજાર તરફ ચાલતો ચાલતો જઇ રહ્યો હતો.
અચાનક પાછળથી ત્રણ-ચાર ગુંડાઓએ આવી તેને ઘેરી લીધો. તે છટકી શકે તેમ ન હતો. ગુંડાઓએ પિયુષને માર મારી લૂંટી લીધો. એક ગુંડાએ પિયુષનું મોં હાથથી દાબી દીધું હતું. છતાં પિયુષના ‘બચાવો’ના અવાજો એ શાંત વાતાવરણને ખળભળાવી ગયા. અચાનક એક કાળી એમ્બેસેડર ત્યાંથી પસાર થઇ. બચાવોના અવાજો સાંભળી એમ્બેસેડર ઉભી રહી. અંદરથી એક વ્યક્તિ બહાર આવી અને ગુંડાઓ તરફ રિવોલ્વર ધરી પિયુષને છોડી દેવા કહ્યું. ગુંડાઓ આ અણધારી મદદ અને રિવોલ્વર જોઇ ગભરાઇ ભાગી છૂટ્યા. પિયુષ વધુ પડતા મારથી બેભાન બની ગયો હતો. પેલી વ્યક્તિએ ધીમે-ધીમે ઘસેડી પિયુષને તેની કારમાં પાછળની સીટ પર સુવાડ્યો. કારની લાઇટના આછા પ્રકાશમાં જોયું તો તે વ્યક્તિથી રાડ પડાઇ ગઇ. તેણે પિયુષને ચુમી લીધો અને કારને ઘર તરફ હંકારી મૂકી. તે વ્યક્તિ બીજી કોઇ નહીં પણ અમી જ હતી. અમીને પુરુષનાં ડ્રેસમાં બહાર નીકળવું સલાહભર્યુ હતું. અમી તેના પપ્પા સુધીરભાઇને ઓફિસેથી લઇ આવવા નીકળી હતી. અચાનક આ પ્રસંગ બનતા સીધી તે ઘરે પહોંચી. પિયુષને નોકરો દ્વાર ઉંચકાવી તેણીના રુમમાં બેડ પર સુવડાવ્યો. તેના ફેમીલી ડોક્ટરને ફોન કરી બોલાવ્યા. સાથો સાથ તેણીના પપ્પાને પણ ફોન કરી બનેલ પ્રસંગની હકીકત ટૂંકમાં કહી વહેલી તકે ઘેર આવવા જણાવ્યું.
થોડીવારમાં ડોક્ટર આવી ગયા, તેણે પિયુષને તપાસ્યો. શરીર પર અમુક જગ્યાએ ઘા પડ્યા હતા. ત્યાં દવા લગાવી, પાટા બાંધ્યા. અન્ય દવા આપી વિદાય થયા. પરિસ્થિતિ ગંભીર ન હોવાથી ચિંતા ન કરવા જણાવ્યું .
થોડીવારમાં સુધીરભાઇ આવી ગયા. અમીએ બનેલ પ્રસંગની હકીકત ઘરનાં સર્વેને જણાવી. લગભગ ચારેક કલાકે પિયુષ ભાનમાં આવ્યો ત્યારે, તેની બાજુમાં ફક્ત અમી જ હતી. સુધીરભાઇ તેમની પત્ની તથા પુત્ર બાજુનાં રુમમાં ઉંઘી ગયા હતા. પિયુષ બોલવા ગયો, પરંતુ કશું બોલી શક્યો નહીં.
અમીએ ઇશારાથી સૂઇ જવા કહ્યું. થોડીક ક્ષણોમાં પિયુષ ફરી ઉંઘી ગયો. અમી આખી રાત તેની બાજુમાં બેસી જાગતી રહી અને પ્રભુ પાસે િ૫યુષ સાજો થઇ જાય એવી પ્રાર્થના કરતી રહી.
સવારે નવ વાગ્યે પિયુષ જાગ્યો. શરીર થોડું થોડું દુ:ખતું હતું. પરંતુ મળેલ સારવાર તથા રાત્રિભરની અમીની સુશ્રુષા તથા આરામથી પિયુષ સારો થઇ ગયો. અમીએ સઘળી હકીકત જણાવી.
તે બપોર બાદ હોસ્ટેલ જવા તૈયાર થયો, પરંતુ અમીએ તથા તેની મમ્મીએ થોડા દિવસ રોકાઇ, આરામ કરવા કહ્યું. સર્વેનો અતિ આગ્રહ જોઇ પિયુષ રોકાઇ ગયો.
બે દિવસ બાદ સાંજે અમીએ બહાર જવાનો પ્રસ્તાવ મૂક્યો. પિયુષે સંમતિ આપી. બન્ને કારમાં બેસી ચોપાટી પહોંચ્યા. કાર પાર્કીગ કરીને બંને સમુદ્રની નજીક કિનારે રેતીમાં બેઠા. પિયુષે લાગણીભર્યા શબ્દોથી અમીનો આભાર માન્યો. તે તેણેને કદી વિસરી શકશે નહીં. આવતી કાલે તે વતનમાં જવાનો છે. સઘળી વાત કહી. અમી તેની વાત શાંતિથી સાંભળી રહી. ત્યારબાદ તેણીએ કહ્યું ‘પિયુષ, મેં મારી ફરજ અદા કરી છે. માનવ તરીકે એટલું કાર્ય ન કરી શકું તો નગુણી જ ગણાઉ. છતાં તારે તારું ઋણ ચૂકવવું હોય તો એક વસ્તુ માગું છું, આપીશ ને ? ’
અમીની વાત સાંભળી તુરત જ િ૫યુષ બોલી ઉઠ્યો. ‘અમી, એક શું હજાર વસ્તુ માંગ હું તને ચોક્કસ આપીશ.’
અમીએ કહ્યું. ‘વચન આપ્યા બાદ ફરી જતો નહીં.’
પિયુષે તેનાં મોં પર હાથ મૂકી કહ્યું. ‘અમી’ તુ મને કાયર સમજે છે ! અમી, તારા માટે જાન આપવા પણ તૈયાર છું.
અમીએ ધીમ સ્વરે કહ્યું : ‘પિયુષ આપણાં બન્ને વચ્ચે પાંચેક માસથી ગાઢ સંબંધ બંધાઇ ગયો છે. ઘણાં જ નજદીક આવ્યા છીએ. હું તને ખરા હદ્યથી ચાહું છું. મારી તથા તારી વચ્ચે પ્રથમ મુલાકાત વેળાએ જ તને મારા દિલમાં સ્થાન આપી દીધું છે. તો વચન આપ કે મારા સિવાય તું બીજી કોઇ છોકરી સાથે લગ્ન નહીં કરે, મારી આ એક આજીજી છે.’
પિયુષ તો આ સાંભળી ડઘાઇ જ ગયો. અમીના શબ્દો તેના હદ્યની દીવાલોને ડોલાવી ગયા. તેને શું જવાબ આપવો અમીએ તેનાં ભાવિ ઇમારતોનાં શમણાંઓનાં ભુક્કા બોલાવી દીધા હતા. તેને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે અમી આવી માંગણી કરશે. તે ઘણો મુંઝાઇ ગયો.
અમી તેની મુંઝવણ જોઇ અચકાઇ ગઇ અને તેણે ધીમ સ્વરે કહ્યું : ‘પિયુષ તારે વિચાર કરવો હોય તો કરી શકે છે. પરંતુ કાલ સવાર સુધીમાં તો મને ઉત્તર આપીશ ને ?’
પિયુષે ગળગળા સ્વરે કહ્યું ‘અમી, હું તને ચાહું છું. તેં મારી જિંદગી બચાવી તે પણ જાણું છું. તારા ઘરનાં સર્વે સભ્યોનો પ્રેમ પણ હું પિછાણું છું. પ્રેમ કરવો મને પણ ગમે છે પરંતુ મારાથી લક્ષ્મણરેખા ઓળંગાય તેમ નથી. મારું વેવિશાળ થઇ ચૂક્યું છે. મારે એક સુંદર, સ્નેહાળ અને મારા સ્વપ્નાની સુંદરી એવી મારી પ્રેયસી સુધા છે. આ સંજોગોમાં તારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું ? અમી, મારી મુશ્કેલીને સમજીને એ વસ્તુ ન માંગ, મારી તને નમ્ર વિનંતી છે’ પિયુષ ગમગીન બની ગયો. અમીની આંખોમાં શ્રાવણ-ભાદવરો વરસવા લાગ્યો. તેણે દુ:ખી હદ્યે કહ્યું : ‘પિયુષ જે થયું તે થયું તે મને વચન આપ્યું છે. જે નિભાવવું કે ન નિભાવવું એ તારે જોવાનું છે મેં મારું સર્વસ્વ તને અર્પણ કરવાનો નિર્ણય લઇ લીધો છે. તું જો હવે પીછેહટ કરીશ તો આ સમુદ્ર જ મારા માટે આવતીકાલે નિર્ણાયક બની રહેશે.’ એવું કહી તે ઉભી થઇ કાર તરફ ચાલવા લાગી.
પિયુષ ખૂબ મૂંઝાઇ ગયો. એક બાજુ સ્નેહાળ સુધાનો પ્રેમ અને તેના હદ્યનો એક માત્ર સહારો હતો. બચપણથી જ એકબીજાને હદ્ય સમર્પી દીધેલ તે હવે કેમ તરછોડાય, વળી તેના માતા-પિતાને કેવો આઘાત લાગે ? સુધાની પરિસ્થિતિ શું થાય ?
બીજીબાજુ અમીને પણ તે ચાહતો હતો. પરંતુ એ સ્નેહ ફક્ત મિત્રતાના સ્વરૂપમાં જ હતો. વચન અપાઇ ચૂક્યું હતું. તેમાં પીછેહઠ કરવાથી શું પરિણામ આવશે તે પણ જાણી ચૂક્યો હતો. તેણે ગંભીર સ્વરે આવતી કાલે ઉત્તર આપશે તેમ અમીને કહ્યું.
બંન્ને ઘરે પહોંચ્યાં ડાઇનિંગ ટેબલ પર બંન્ને મૌન રહ્યા. સુધીરભાઇ તથા તેમના પત્ની આશ્ર્ચર્યમાં ગરકાવ થઇ ગયા. હંમેશા ડાઇનિંગ ટેબલ પર ધમસાણ મચાવતા બંન્ને આજે મૌન હતા. ભોજન બાદ સર્વેે વિખરાયા. પિયુષ તેના રુમમાં જઇ બેડ પર આડો પડ્યો. વિચારોમાં ખોવાઇ ગયો. અમીને આવતીકાલે શું જવાબ આપવો જે મોટો પ્રશ્ન થઇ ચૂક્યો હતો. અમી આવતીકાલે કેવું પગલું લેશે એનો આછેરો ખ્યાલ પણ તેના સમગ્ર શરીરને હચમચાવી ગયો. અમીનો સ્વભાવ તે જાણતો હતો. ટૂંકા સમયના પરિચયે અમીનાં ઉર્મિશીલ હૈયાને તે પીછાની ચૂક્યો હતો. પરંતુ બીજી બાજુ સુધાનો પણ વિચાર કરવાનો હતો. સુધાને કેવી રીતે સમજાવી શકાય ? તેણે સુધાને પત્ર લખવાની શરૂઆત કરી.
વહાલી સુધા,
મેઘની રાહ ચાતક જૂએ અને મેઘ વરસ્યા વગર ચાલ્યો જાય ત્યારે ચાતકની શી પરિસ્થિતિ થાય તેવી જ પરિસ્થિતિ મારી તારા માટે થાય તેવા સંજોગો ઉપસ્થિત થયા છે. અહીં હું ઘણો મૂંઝવણમાં મૂકાઇ ગયો છું. અમી નામની એક બ્રાહ્મણ યુવતીના પરિચયમાં આવ્યો અને એ પરિચયે ગંભીર વળાંક લીધો. તેણીએ મારી જિંદગી બચાવી અને હું તેણીને લગ્ન કરવાનું વચન આપી ચૂક્યો છું. તેણીના ઉપકાર તળે આવી ગયો છું. તેણી સાથે વચનમાં પીછેહટ કરું તો તેણી આપઘાત કરવા જેટલી હદે જાય તેવી લાગણીશીલ છોકરી છે. તને પણ હું ચાહું છું. ચાહતો રહીશ. તારી યાદ જિંદગીભર મારા સમગ્ર અસ્તિત્વને ડગમગાવતી રહેશે. પરંતુ તારી સાથે લગ્ન કરવા અસમર્થ બની ગયો છું. આ પત્રથી તારા કોમળ હદ્યને ઉંડો આઘાત પહોંચશે. મારા પર ધિક્કાર છૂટશે, પરંતુ એવું પગલું ન ભરતી કે જેથી આપણા નિર્મળ પ્રેમને લાંછન લાગે મને ભૂલી જજે. બીજે લગ્ન કરી સુખી થજે.
તારા હદ્યને છેતરનાર, ધોખાબાજ,
પિયુષ.કલમ અટકી ગઇ. પત્ર ફાડી નાખવા હદ્ય લલચાયું. પરંતુ માનસિક વિચારોને તેને તેમ કરતાં અટકાવ્યો. તેણે બીજો પત્ર તેના પિતાને પણ લખ્યો. “પોતે વિકટ સંજોગોમાં મૂકાતા ત્યાં હમણાં આવી શકે તેમ નથી. ઉપરાંત અહીં એક બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન કરવાનો છે. વડીલોનાં આશીર્વાદ હશે તો લગ્નબાદ બંન્ને વતનમાં આવશે. તેના આ કૃત્ય માટે માફી માંગે છે. વિગતવાર પછી લખશે.
બેડપર આખી રાત તે પડખા ઘસતો રહ્યો. ઉંઘ જ ન આવી. વિચારોમાં અટવાતો રહ્યો.
સવારે ઉઠી બન્ને પત્રો પોસ્ટ કર્યા. સવારમાં બ્રેકફાસ્ટના સમયે તેણે દુ:ખી હદ્યે અમીને લગ્નની સંમતિ આપી. અમી તો સાંભળી આનંદથી નાચી ઉઠી. તેણીએ તેના પપ્પા-મમ્મીને આ સમાચાર કહ્યા. તેઓ બંન્ને પણ ખુશ થયા. બંન્નેએ પિયુષ અમીને આશીર્વાદ આપ્યા. તે દિવસે સુધીરભાઇના નિવાસસ્થાન ‘અમૃતકુંજ’ આનંદદાયક બની રહ્યો.
રાજનગરમાં ચાતુર્માસ ગાળવા જૈન મુનિઓની પધરામણી થઇ. હંમેશા દેરાસરમાં પ્રવચન યોજાતું. સુધા મનની શાંતિ મેળવવા ત્યાં જવા લાગી. રાત્રિ તો પિયુષનાં વિચારોમાં જ પસાર થતી. પિયુષના વિશ્ર્વાસઘાતે તેણીના હદ્યને ઉંડો આઘાત પહોંચાડ્યો હતો.
અંતે તેણીએ જૈનધર્મની દીક્ષા લઇ, સાંસારિક જીવનની સમાપ્તિ કરવાનો વિચાર કર્યો. તેણીનાં માતા-પિતા ઇચ્છતા ન હતા, પરંતુ તેઓ માટે અન્ય કોઇ રસ્તો ન હતો. અંતે માતા-પિતાએ દુ:ખી હદ્યે સંમતિ આપ. ચાતુર્માસ ગાળવા આવેલા પૂ.મહાસતીજી ચંદ્રલક્ષ્મીજીના આશીર્વચન સાથે સુધાએ દીક્ષા લઇ લીધી.
અઠવાડિયા બાદ પિયુષ ઓફિસમાં બેઠો-બેઠો ‘મુંબઇ સમાચાર’ વાંચી રહ્યો હતો. અચાનક તેની નજર તેમાં છપાયેલ સમાચાર તરફ ગઇ. તેમાં છપાયું હતું કે, રાજનગરમાં યોજાયેલ દીક્ષા મહોત્સવમાં ચાર યુવતીઓએ પૂ.મહાસતીજીના સાનિધ્યમાં દીક્ષા લીધી. ફોટાઓ પણ હતા. પિયુષે આ હકીકત વાંચી તે દિગ્મુઢ બની ગયો. થોડીવાર તો હદ્ય બંધ લેતા પ્રેમની આહૂતિ અર્પી, તેની સાથેના પ્રેમને જન્મોજન્મની પ્રીતની માફક ચિરંજીવ બનાવ્યો હતો. પિયુષ પાગલની માફક સુધાની તસવીરને ચૂમતો ચૂમતો રડી પડ્યો. બાજુમાં ટેબલ પર ટેલિફોનની ઘંટડી વાગતી રહી.
-:SOURCE ભુપેન્દ્ર ત્રિવેદી, ગુજરાતની દિપોત્સવ અંકમાંથી:-
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,