ફરસાણની ફેરી કરતાં વણિક પરિવારે ધંધો બરોબર ન ચાલતાં નાણાંકીય કટોકટી કંટાળી જીવન ટુંકાવ્યું

જામનગરના પવનચક્કી પાસેના મોદીના વાડામાં રહેતા એક વણિક પરિવારના છ પૈકીના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મૃતકમાં માતા, પુત્ર, પુત્રવધૂ અને બે માસૂમ ભૂલકાનો સમાવેશ થાય છે. મકાનમાં ઉપરના ભાગે સૂવા ગયેલા આ પરિવારના વૃદ્ધ મોભી જીવિત હાલતમાં મળી આવ્યા છે જેનું પોલીસે નિવેદન નોંધવા ઉપરાંત જુદી જુદી દિશાઓમાં તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલી ભાનુશાળી જ્ઞાતિની નવી વાડીના પાછળના ભાગમાં મોદીના વાડામાં મોર ભુવન નામના મકાનમાં રહેતા એક વણિક કંદોઈ પરિવારે કોઈ અકળ કારણસર એકસાથે ઝેરી દવા ગટગટાવી લઈ સામૂહિક આત્મહત્યા કર્યાનો બનાવ આજે પ્રકાશમાં આવ્યો છે જેના પગલે જામનગરમાં ભારે ચકચાર પ્રસરી છે.

નવા વર્ષના પ્રથમ દિને જ બનેલી આ ઘટનાની મળતી વિગતો મુજબ મોદીના વાડામાં રહેતા અને વર્ષોથી ચોરાફળીનો વ્યવસાય કરતા દીપકભાઈ પન્નાલાલ સાકરિયા (ઉ.વ.૪૦) તેમજ તેમના પત્ની આરતીબેન (ઉ.વ.૩૭), દીપકભાઈના માતા જયાબેન પન્નાલાલ (ઉ.વ.૮૦) તથા દીપકભાઈ અને આરતીબેનના પાંચ વર્ષના પુત્ર હેમંત અને દસ વર્ષની પુત્રી કુમકુમના મૃતદેહો  તેમના મોર ભુવન નામના મકાનમાં નીચેના ભાગમાંથી સાંપડયા છે.

આ બનાવની જાણ થતા ત્યાંના રહેવાસીઓ ઉમટી પડયા હતા જેમાંથી કોઈએ પોલીસને જાણ કરતા એસપી શરદ સિંઘલ, ડીવાયએસપી એ.પી. જાડેજા, પીઆઈ સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો.

પોલીસે આ મકાનને કવર કરી નીચેના ભાગમાં તપાસ કરતા ત્યાં એક ઓરડામાંથી દીપકભાઈ, આરતીબેન, કુમકુમ,  હેમંત તથા જયાબેનના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે આજુબાજુમાં તપાસ કરતા મૃતદેહોની નજીકથી ઝેરી દવાની મનાતી ચાર ખાલી શીશી પણ સાંપડી છે

જેના પગલે આ આખા પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન કરી પોલીસે મકાનની ઝીણવટભરી તપાસ કરતા મકાનની ઉપરના ભાગમાંથી મૃતક દીપકભાઈના પિતા અને જયાબેનના પતિ પન્નાલાલ સાકરિયા (ઉ.વ.૮પ) જીવીત હાલતમાં મળી આવ્યા હતા.

આ વૃદ્ધની પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં ગઈરાત્રે આખો પરિવાર સૂવા માટે ગયો ત્યારે જયાબેન સહિતના પાંચેય વ્યક્તિઓ નીચેના ભાગમાં રોકાયા હતા.

જ્યારે પન્નાલાલ મકાનના ઉપરના ભાગમાં સૂવા માટે ગયા હતા તેવી વિગત મળી છે તે પછી રાત્રિથી આજ સવાર સુધીમાં પન્નાલાલના પત્ની જયાબેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ આરતીબેન, પૌત્રી કુમકુમ અને પૌત્ર હેમંતએ દવા પી લઈ આત્મહત્યા કરી લીધાનું જાણવા મળ્યું છે.

પોલીસ ટૂકડીએ પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ કરી પન્નાલાલનું નિવેદન નોંધવાની કાર્યવાહી ઉપરાંત આ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ કારણ છે? તે ચકાસવા સમગ્ર મકાનની ઝીણવટભરી ચકાસણી શરૃ કરી છે. આ બનાવે સમગ્ર જામનગર શહેરમાં અરેરાટી પ્રસરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.