રાજકોટવાસીઓ માટે સૌથી રાહતના અને હૈયે ટાઢક આપતા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.છેલ્લા બે માસથી હાહાકાર મચાવી રહેલી કોરોનાની બીજી લહેર શહેરમાં હવે સંપૂર્ણપણે પૂર્ણ થવા તરફ હોય તેવું લાગી રહ્યું છે.ગઈકાલે શહેરમાં કોરોનાના માત્ર આઠ કેસો નોંધાયા બાદ આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી એવી સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો હોવાની મહાપાલિકાની જાહેરાત:આજે પણ શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા કોઈ દર્દીનો મૃત્યુ નહીં
આટલું જ નહીં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા એક પણ દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.કોરોનાનો કહેર વિસરતા લોકો સાથે વહીવટી તંત્રએ પણ મોટી રાહત અનુભવી છે.
મહાપાલિકા દ્વારા આજે બપોરે જાહેર કરાયેલા આંકડાઓ મુજબ ગઇકાલે સાંજના પાંચ વાગ્યાથી આજે બપોરે ૧૨ વાગ્યા સુધીના સમયમાં શહેરમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી.આટલું જ નહીં ગઇકાલે પણ કોરોનાના માત્ર આઠ જ કેસ દિવસ દરમ્યાન નોંધાયા હતા.દિવસો પછી શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતા એવું ચોક્કસ કહી શકાય કે હવે શહેરમાં કોરોનાની બીજી લહેર પૂર્ણ થવા પામી છે.શહેરમાં કુલ ૪૨૬૩૮ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હતા.જે પૈકી ૪૧૮૮૫ લોકોએ કોરોનાને મહાત આપી છે.
રિકવરી રેટ ૯૮.૨૩ ટકા છે.જેની સામે પોઝિટિવિટી રેડ ૩.૬૨ ટકા છે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી જે પણ સૌથી મોટા રાહતના સમાચાર છે.