પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં જનતા માટે આજે મળી રાહત
છેલ્લા દશ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થઈ રહેલો એકધારો વધારો આજે અટક્યો હતો. પેટ્રોલીયમ પેદાશોમાં આજે એક પણ પૈસાનો ભાવ વધારો ન આવતા લોકોએ થોડો હાશકારો અનુભવ્યો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિલીટર 100 રૂપિયાને પાર થઈ જવા પામી છે. આંતર રાષ્ટ્રીય બજારોમાં હજી ક્રુડ બેરલના ભાવમાં સતત વધારો ચાલુ હોવાના કારણે જનતાને ભાવ વધારામાંથી મોટી રાહત મળવાની કોઈ જ સંભાવના નથી.
છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ગઈકાલે પ્રથમવાર ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા હતા. હાલ રાજકોટ શહેરમાં પ્રતિલીટર પેટ્રોલનો ભાવ રૂા.100.92 અને ડીઝલની કિંમત પ્રતિલીટર રૂા.100.15 છે. આજે ભાવ વધારો ન થતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.
જો કે, જે રીતે આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવો વધી રહ્યાં છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ રાહત ક્ષણીક જ રહેશે. ટૂંક સમયમાં ભાવ વધારાની સિઝન ફરી શરૂ થઈ જશે.