જીવદયાપ્રેમીઓનો જય જયકાર…
કોરોનાની મહામારી વચ્ચે કચ્છના તૃણા બંદરેથી છેલ્લા ત્રણ દિવસથી થતી હતી હજારો જીવતા પશુઓની નિકાસ : જીવદયાપ્રેમીઓનો ઉગ્ર વિરોધ ઉઠતા અંતે નિકાસ સ્થગિત રખાઈ
વિદેશી હૂંડિયામણની લાલચે કચ્છથી અખાતી દેશોમાં થતી ઘેટાં- બકરાની નિકાસ કાયમ માટે સજ્જડ બંધ કરવાની જીવદયાપ્રેમીઓએ શરૂ કરી ઝુંબેશ
‘અબતક’ દ્વારા ગઈકાલે તા.૨૯ એપ્રિલનાં રોજ જીવતા પશુઓનાં વેપલા અંગે પ્રસિઘ્ધ કરાયેલો અહેવાલ
કોરોનાની મહામારી વચ્ચે પણ કચ્છના તૃણા બંદરેથી છેલ્લા ત્રણ દિવસથી હજારોની સંખ્યામાં જીવતા પશુઓની નિકાસ થઈ રહી હતી. જેની સામે જીવદયાપ્રેમીઓએ ઉગ્ર વિરોધ ઉઠાવતા અંતે કોરોનાની સ્થિતિમાં જીવતા પશુઓની નિકાસ સ્થગિત કરી દેવામાં આવી છે. જો કે આ નિકાસ હાલ પૂરતી મોકૂફ રખાય છે. હવે કાયમી માટે આ નિકાસ અટકે તે માટે જીવદયાપ્રેમીઓએ રીતસર ઝુંબેશ છેડી છે. અને આ ઝુંબેશમાં તેમની લાગણી અને માંગણી સરકાર સુધી પહોંચાડવાનું કામ ’અબતક’ દ્વારા કરવામાં આવશે.
વિદેશી હુંડિયામણ મેળવવાની લાલચે સરકાર જીવતા પશુઓનો વેપલો કરી રહી છે. જેમાં કરાર મુજબ અખાતી દેશોને ઘેટાં- બકરા સહિતના જીવતા પશુઓ પહોંચાડવાનું કામ કચ્છમાં તૃણા બંદરેથી થઈ રહ્યું છે. ગુજરાતની ધરા સંત અને સુરાની ધરા છે. અહીંની પાવન ભૂમિ પરથી જીવતા પશુઓના વેપલા કરવામાં આવે તે ખરેખર નિંદનીય કહી શકાય. અહીંના જીવદયાપ્રેમીઓ જીવતા પશુઓના વેપલા બંધ કરાવવા છેલ્લા ઘણા સમયથી કમર કસી રહ્યા છે. જો કે આ વેપલો કોરોનાની મહામારી વચ્ચે પણ યથાવત રહેતા જન આરોગ્યનો પણ પ્રશ્ન ઉભો થયો હતો.
તૃણા બંદરે છેલ્લા ત્રણ દિવસમાં ૨૦ હજારથી વધુ પશુઓની ક્વોરોન્ટાઇન કર્યા વગર નિકાસ કરવામાં આવી હતી. આ પશુઓને બીજા રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા હતા. તે વિસ્તારો પણ કોરોનાગ્રસ્ત હોય અહીં આવીને આ પશુઓમાંથી ઘણા લોકો સંક્રમિત થાય તેવું જોખમ હોવા છતાં આ નિકાસ ચાલુ રાખવામાં આવી હતી.
માટે જીવદયાપ્રેમીઓએ કોરોનાની મહામારી દરમિયાન જન આરોગ્યને ધ્યાને રાખીને આ નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાની માંગ ઉઠાવી હતી. જેનો વિસ્તૃત અહેવાલ ગઈકાલે તા.૨૯ના રોજ અબતક સાંધ્ય દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને માત્ર ૫ કલાક બાદ જ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં જણાવાયું હતું કે હાલની કોરોનાની સ્થિતિ દરમિયાન જીવતા પશુઓની નિકાસ કરવામાં આવશે નહિ. આમ જીવદયાપ્રેમીઓની મહેનત રંગ લાવી હતી અને તેઓની જીવદયા માટેની લડત સફળ નીવડી હતી. હજુ પણ જીવદયાપ્રેમીઓ આ બંદરેથી કાયમ માટે જીવતા પશુઓની નિકાસ બંધ થઈ જાય તેવી માંગ ઉઠાવીને ઝુંબેશ છેડવાના છે.
જીવતા પશુઓને વિદેશના કતલખાને મોકલવા જરૂરી?
‘અબતક’ના ઓપિનિયન પોલ ઉપર આપનો મત જણાવો
‘અબતક’ મીડિયાનાં ફેસબુક પેજ ઉપર જીવતા પશુઓની નિકાસને લઈ એક ઓપીનીયન પોલ બનાવવામાં આવ્યો છે. જીવતા પશુઓને વિદેશનાં કતલખાને મોકલવા જરૂરી છે ? સરકારને આવા હુંડિયામણની ખરેખર જરૂર છે ? આ પ્રશ્ર્નોનાં હા કે ના માં જરૂરથી જવાબ આપો. આ પોલ પૂર્ણ થયે તમામ લોકોનાં મતોનો ડેટા અબતક મીડિયા દ્વારા સરકાર સુધી પહોંચાડવામાં આવનાર છે તો જરૂરથી આપનો પ્રતિભાવ અબતકનાં ફેસબુક પેજ ઉપર આપવા અપીલ કરવામાં આવી છે.