પારેવડી ચોકથી રિક્ષામાં અપહરણ કરી અવધના ઢાળ પાસે લઇ જઇ હાથ-પગ બાંધી પાઇપથી માર મારી ગુપ્તાંગમાં મરચાની ચટણી નાખી
રાજકોટ,અબતક
કાલાવડ રોડ પર આવેલા નિકાવાની ચાર સંતાનની માતાને રાજકોટના પરિણીત પુરૂષ સાથેના આડા સંબંધના કારણે રોષે ભરાયેલી પરિણીતાએ પતિની પ્રેમિકાનું રિક્ષામાં અપહરણ કરી કાલાવડ રોડ પરના આવધ ઢાળ પાસે લઇ જઇ લાકડી અને પાઇપથી માર મારી ગુપ્તાંગમાં મરચાની ચટણી નાખી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ખૂની હુમલાના ગુનામાં સંડોવાયેલી મહિલા સહિત ત્રણનીરૂરલ એલસીબીએ ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોપી દીધા છે.
રૂરલ એલસીબીએ મેટોડાથી ત્રણની ધરપકડ કરી
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિકાવા રહેતી રેશ્મા ઇકબાલભાઇ શાહમદાર નામની મહિલાએ પોતાના પ્રેમી મોહસીન બુધીયાની પત્ની રૂખશાર બુધીયા, તેની નાણાવટી ચોકમાં રહેતી બહેન મીતલ અતુલ લુણીયાતર અને તેનો 15 વર્ષનો સગીર પુત્ર અને ભગવતીપરાના એક રિક્ષા ચાલકે પારેવડી ચોક પાસેથી અપહરણ કરી કાલાવડ રોડ પર અવધ ઢાળ પાસે ભૂત બંગલામાં લઇ જઇ વાયર અને દોરડાથી બાંધી માર મારી ગુપ્તાંગમાં મરચાની ચટણી નાખી કાઢી મુકયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે ઘવાયેલી હાલતમાં મહિલા બેભાન હાલતમાં પડી હોવાની રાહદારીએ રૂરલ પોલીસને જાણ કરતા એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ, પી.એસ.આઇ. એસ.જે.રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ સહિતના સ્ટાફ અવધ ઢાળ પાસે દોડી ગયા હતા. જ્યારે લોધિકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે.જાડેજા પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ઘવાયેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી પૂછપરછ કરતા તેણીએ ઉપરોકત વિગતો જણાવી હતી.
રેશ્માએ પોતાના પ્રેમી મોહસીનની પત્ની રૂખસાર સહિત ચારે માર માર્યાનું જણાવતા લોધિકા પોલીસ હોસ્પિટલ પહોચી પૂછપરછ કરતા રેશ્માનું રૂખશાર બુધીયા સહિતના શખ્સોએ પારેવડી ચોકમાંથી મોટાપીરની દરગાહ પાસેથી વાળ પકડી બળજબરીથી રિક્ષામાં બેસાડી અપહરણ કર્યા બાદ માર માર્યાનું જણાવતા બનાવ બી ડિવિઝન પોલીસની હદનો હોવાથી લોધિકા પોલીસે બી ડિવિઝન પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઇ. એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે રૂખશાર સહિત ચાર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો અને રૂરલ એલસીબી પી.આઇ. એ.આર.ગોહિલ સહિતના સ્ટાફે રૂખસાર, તેણીની બહેન મીતલ અને તેના પુત્રની ધરપકડ કરી બી ડિવિઝન પોલીસને સોપી દીધા છે.
દિપ્તી નામની યુવતી સાથે દસેક વર્ષ પહેલાં મોહસીને પ્રેમ લગ્ન કર્યા બાદ દિપ્તીનું નામ રૂખશાર કર્યુ હતુ. રેશ્માનો પતિ ઇકબાલને એક વર્ષથી જામનગર અલગ રહે છે. તે દરમિયાન રેશ્મા રિક્ષા ચાલક મોહસીનના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મોહસીન પોતાની પત્ની રૂખશારને છોડી ચાર સંતાનની માતા રેશ્મા સાથે નિકાવા રહેતા રૂખશારે પોતાની બહેન, સગીર પુત્ર અને રિક્ષા ચાલકની મદદથી ખૂની હુમલો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રૂખશાર સહિત ત્રણની ધરપકડ કરી છે.