અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતા પતિએ અલગ રહેતી પત્નીને લમધારી
શહેરમાં કાલાવડ રોડ ઉપર મોટા માવા વિસ્તારમાં આવેલા લક્ષ્મીના ઢોરે પરસ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા પતિએ પત્નીને ઘરમાં ઘુસી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર મોટામવા વિસ્તારમાં આવેલા લક્ષ્મીના ઢોરે રહેતી ભારતીબેન દેવેન્દ્રભાઈ પરમાર નામની 36 વર્ષની પરિણીતા રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે હતી. ત્યારે પતિ દેવેન્દ્રએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભારતીબેન પરમારની પ્રાથમિક પૂછપરછમાં પતિ દેવેન્દ્રને છેલ્લા ચાર મહિનાથી ચંદાબેન નામની મહિલા સાથે આડા સંબંધ છે અને બંને અલગ રહે છે. ભારતીબેન પણ પોતાના પતિથી અલગ રૂમ રાખીને રહે છે. ભારતીબેને અગાઉ સાતથી આઠ વખત યુનિવર્સિટીમાં ફરિયાદ કરેલી છે. ગઈકાલે પરસ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા પતિએ અલગ રહેતી પત્નીને ઘરમાં ઘૂસી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ કરી છે.