અબતક,રાજકોટ
જેતપુર તાલુકાના મેવાસા ગામે પ્રેમ પ્રકરણનાં મામલે પત્નીએ પ્રેમી તેના મિત્રની મદદથી પતિને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યાની જયારે સામાપક્ષે યુવકે મારમાર્યાની પ્રૌઢ સામે વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર તાલુકાના મેવાસા ગામે રહેતા કિશોરભાઈ ધીરૂભાઈ રાદડીયા નામના યુવાને તેની પત્નિ હીના કિશોર રાદડીયા, જામકંડોરણા તાલુકાના મોટાભાદરકા ગામના આશિષ અરવિંદ સાકરીયા અને પ્રતિક અરવિંદ વિરડીયા સહિત ત્રણેય મારી નાખવાનો પ્રયાસ કર્યાની વિરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રેમી યુગલ સહિત ત્રણેયની ધરપકડ કરી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મેવાસા ગામના કિશોરભાઈ રાદડીયા નામના યુવકના જામકંડોરણા તાલુકાના બોરીયા ગામના રમેશ નાગજી કોટડીયાની પુત્રી હીના સાથે 13 વર્ષ પહેલા લગ્ન થયેલા અને લગ્ન જીવનથી સંતાનમાં 1 પુત્રનો જન્મ થયેલા હતા. હીના અને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરકા ગામનો રત્નકલાકાર આશિષ અરવિંદ સાકરીયા સાથે પ્રેમ સંબંધ હોય અને હિનાએ તેના પ્રેમી આશિષ સાકરીયાને મેસેજ કરી ઘરે બોલાવતા આશિ સાકરીયા તેના મિત્ર પ્રતિક અરવિંદ વિરડીયા સાથે ઘસી ગયા હતા.
ગળુ દાબી પતિને મોતને ઘાટ ઉતારવાના પ્રયાસ અંગે પત્નિ સહિત ત્રણની ધરપકડ
કિશોરભાઈ રાદડીયા ભરનિંદ્રામાં હતા ત્યારે તેની પત્ની હીનાએ પગ દબાવ્યા અને તેના પ્રેમી આશિષ સાકરીયા અને પ્રતિક વિરડીયાની મદદથી ગળેટુંપો આપવાનો પ્રયાસ કરી મારમાર્યાની કબુલાત આપી હતી.
જયારે સામે પક્ષે આશીષ અરવિંદ સાકરીયાએ મેવાસા ગામના વેલજી રાદડીયા નામના પ્રૌઢે બઘડાટી દરમિયાન લાકડી વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
વિરપુર પોલીસ મથકના સ્ટાફે બંને પક્ષોની ફરિયાદ નોંધી હીના રાદડીયા તેનો પ્રેમી આશિષ સાકરીયા અને પ્રતિક વિરડીયા સહિત ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.