ફેમિલી કોર્ટના પગથિયે જ બનાવ બન્યો છરીથી હુમલો કરતાં લોકોએ રોક્યો
સુરેન્દ્રનગરમાં રહેતી પરિણીતા છેલ્લા ૧૨ માસથી પિયરમાં રહેતી હતી. પતિ સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હોઇ બુધવારે કોર્ટમાં મુદતે આવ્યા ત્યારે પતિએ ઉશ્કેરાઇ જઇ છરી બતાવી કેસ પાછો ખેંચી લે નહીંતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ઢોર માર માર્યો હતો. આ બનાવની એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં રહેતા હંસાબેનના લગ્ન ફિરદોષ સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ગોઢકીયા સાથે લગ્નજીવનને ૨૨ વર્ષ થયા હતા. સંતાનમાં તેઓને ૨ દીકરી અને ૧ દીકરો છે. પરંતુ પતિ–પત્નીને મનમેળ ન આવતા હંસાબેન છેલ્લા ૧૨ માસથી પિયરમાં રહે છે. આ દરમિયાન ભરણપોષણ માટે સુરેન્દ્રનગર ફેમીલી કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. જેમાં બુધવારે મુદત હોઇ હંસાબેન આવીને ફેમીલી કોર્ટના પગથીયા પાસે ઉભા હતા. ત્યારે અચાનક રાજેશભાઇએ ધસી આવી કેસ પાછો ખેંચી લે નહીતર જાનથી મારી નાંખીશ તેમ કહી પેટ અને પડખાના ભાગે પાટુ માર્યું હતું. બાદમાં રાજેશભાઇએ છરી કાઢી હતી. પરંતુ આસપાસના લોકોએ તેને રોકી લીધો હતો. ત્યારબાદ રાજેશભાઇ કોર્ટ કમ્પાઉન્ડમાંથી નાસી ગયા હતા. આ બનાવની હંસાબેને એ ડિવીઝન પોલીસ મથકે પતિ રાજેશભાઇ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આર.જી.ઝાલા ચલાવી રહ્યા છે.