સાળી સાથેના અનૈતિક સબંધમાં આડખિલ્લી બનતી પત્નીને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી
વિછીયાનાં દલડી ગામે પતિ, પત્ની અને વો ની ઘટનામાં એક કરુણ અંજામ સામે આવ્યો છે. જેમાં સાળી સાથે અનૈતિક સબંધના કારણે પતિએ જ પત્નીને વાયરથી ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી મૃતદેહ ચોટીલાના ઢોકડવા ગામે દાટી દીધો હતો. 40 દિવસથી લાપતા મહિલાને શોધવામાં પોલીસ અધિકારીઓ બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે પરિણીતાના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રાજકોટ પીએમ રૂમ પર ધરણાં કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
મૃતકના પરિવારને પોલીસની નિષ્ક્રિયતા સામે આક્ષેપ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
આ સનસનાટી હત્યા કેસની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ થયાં હતાં. જે અંગે વીંછિયા પોલીસમાં તેના પતિએ જ જાહેરાત કરી હતી, પરંતુ વીંછિયા પોલીસને મહિલાની ભાળ ન મળતાં બે દિવસ પહેલાં સામાજિક આગેવાનો અને યુવતિના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા. આથી વીંછિયા પોલીસે તેના પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં ગુનો છુપાવવાના ઇરાદે કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલતાં ચકચારી હત્યા બહાર આવી હતી.
મૃતક રંજનબેનની બહેન ઇન્દુની સગાઈ હતી, એના આગલા દિવસે રાજેશ પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. અને નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યાને અંજામ આપી લાશને દાટી દીધી અને ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. પતિએ આડખીલી રૂપ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. પોતાના પર કોઈને શંકા ન જાય એ માટે અને પોલીસનું તથા સગાંસંબંધીનું ધ્યાન અન્ય જગ્યાએ દોરવા માટે પતિએ જ પોલીસમાં પત્નીની ગુમ નોંધ કરાવી હતી.વીંછિયા પોલીસના પીએસઆઇ વાય. એસ. ચુૂડાસમા, દેવેન્દ્રભાઈ અને જગદીશભાઈ સહિતની પોલીસ ટીમ હત્યારા પતિને લઈને ઢોકળવાના વીડમાં આવી હતી. જ્યાં પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી.
પોલીસે આકરી પૂછતાછ કરતાં પતિએ ઝેર ગટગટાવ્યું’તું
વીછીયાના દલડી ગામે પતિના સાળી સાથેના અનૈતિક સબંધના કારણે કાટો બનેલી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ થોડા દિવસો પછી પતિએ જ પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી. પરંતુ પોલીસે આ કેસમાં ઉલટ તપાસ કરતા પતિએ એક સમયે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પોલીસને પતિ રાજેશ પર શંકા હોય જેના કારણે આકરી પૂછતાછ બાદ પતિ ભાંગી પડ્યો હતો અને પોતે જ રંજનબેનને મોતને ઘાટ ઉતારી લાશ દાટી દીધાની કબૂલાત આપી હતી.