સાગર સંઘાણી
જામનગરમાં બે દિવસથી લાપતા બનેલી યુવતીની શોધખોળ પછી આખરે હત્યાનો મામલો સામે આવ્યો છે. ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને ક્રુરતાથી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પોતાના જ ઘરના ફળિયામાં દાટી દીધો હતો, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ આખરે ભાંડો ફૂટ્યો હતો, અને પોલીસે હત્યારા પતીની અટકાયત કરીને ફળિયામાં ખાડો ખોદીને મૃતદેહ ને બહાર કાઢી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં જ્યાં બે દિવસ પહેલા સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની ૨૭ વર્ષની પરણીતા એકા એક લાપત્તા બની હતી. મૃતક સોનલબેનના મનસુખ ભાઈ સાથે બીજા લગ્ન થયા હતા અને મનસુખ ચૌહાણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી હતી ત્યારે અચાનક સોનલબેનના માતા જશુબેન કે જેઓ રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણ ને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ ન આપતા મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જશુબેને ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.ગત રાત્રીએ ધ્રોલ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કર્યું હોવાનું કબુલ્યું હતું.
શું હતો સમગ્ર મામલો ??
આરોપી મનસુખ પત્ની સોનલ કે જે અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો, અને તે શંકા ના કારણે ૨.૪.૨૦૨૩ ના રાત્રિના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર લઈ આવી ફળિયામાં સેફટી ટેકની બાજુમાં ખાડો બનાવ્યો હતો અને તે ખાડામાં મૃતદેહને કાઢી લઈ મૃતદેહ પર પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી.
પરંતુ કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ પુછપરછમાં પત્નીની હત્યા કરીને દાટી દીધી હોવાની કબુલાત કરી હોવાથી મોડી રાત્રે ધ્રોલ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કાઢી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામ આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેનની માતા જશુબેન ની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.