અબતક-રાજકોટ
રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત થયું છે. શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં પત્નિના આડા સંબંધમાં થતા ઝઘડામાં પત્નિ, સાળી અને સસરાએ યુવાનનું ઢીમ ઢાળી દીધુ હતું. જેમાં પોલીસે પત્નિ અને સાળીની ધરપકડ કરી સસરાની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે ગણેશનગરમાં રહેતા ફારૂકભાઈ રહેમાનભાઈ મુસાણી નામના ૩૬ વર્ષના યુવાન પર તેની પત્નિ ઇલ્ફીઝા ઉર્ફે ઇલું ફારૂક મુસાણી, સસરા હારૂન જમાલ ભાડુલા અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાન હારૂન ભાડુલાએ ઇટ અને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. આ અંગે ઘટનાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ મૃતક ફારૂકભાઈના પત્નિ ઇલ્ફીઝા ઉર્ફે ઇલું અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાનની ધરપકડ કરી ફરાર સસરા હારૂનની શોધખોળ હાથધરી છે.
પાઇપ અને છરીના ઘા મારી યુવાનનું ઢીમ ઢાળી દીધું: સસરાની શોધખોળ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ફારૂકની પત્નિ ઇલ્ફીઝા ઉર્ફે ઇલુંને આડા સબંધ હોય અને તેનો ફોન પણ ઝડપાઇ જતા દંપતિ વચ્ચે ઝઘડા થતા હતા. જેમાં ગઈ કાલે ગણેશનગરમાં તેમના મકાને આ બાબતે દંપતિ વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. જેના કારણે રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ લાઈટ ગઈ તે દરમિયાન સસરા હારૂન અને સાળી મુમતાઝ ઉર્ફે મુસ્કાન ફારૂકના ઘરે આવ્યા હતા. તે દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પત્નિ, સસરા અને સાળીએ ઇટ અને છરીના ઘા મારતા ફારૂકને ગંભીર હાલતમાં રિક્ષામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં ફરજ પરના તબીબે ફારૂકને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસે તુરંત ફારૂકના પિતાની ફરિયાદ પરથી પત્નિ ઇલ્ફીઝા ઉર્ફે ઇલું, સસરા હારૂન ભાડુલા અને સાળી મુમતાઝ ઉર્ફે ભાડુલા સામે હત્યાનો ગુનો નોંધી પત્નિ અને સાળીની ધરપકડ કરી ફરાર સસરાની શોધખોળ શરૂ કરી છે. મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફારૂકભાઈના મોતથી ત્રણ સંતાનો પરથી પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં માતમ છવાયો છે.