જૂનાગઢ રહેતી એક પરિણીતાને ભરણ પોષણ આપવા તેણીના પતિ સામે કોર્ટ હુકમ થયેલ હોવા છતાં ભરણ પોષણની રકમ ન ચૂકવનાર પતિનેે જુનાગઢ ની ફેમિલી કોર્ટે ૭૦૫ દિવસની કેદની સજા ફટકારી છે. અને કોર્ટે રાજકોટના પોલીસ કમિશનરને આરોપી પકડી પાડવા જુદી જુદી ગાઈડ લાઇન પણ આપેલ છે.
આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા એક સ્ત્રીના લગ્ન રાજકોટના દિલીપકુમાર લાલચંદ છાબરીયા સાથે થયા હતા. લગ્નજીવનથી પુત્રનો જન્મ થયો હતો. બાદમાં પતિ અને તેના કુટુંબીજનો દ્વારા ત્રાસ ગુજારાતા પરિણીતા પિયર જૂનાગઢ આવી ગઇ હતી. ત્યાર બાદ એડવોકેટ અજય જોબનપુત્રા દ્વારા ફેમીલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો.આ કેસમાં ફેમીલી કોર્ટે દર માસે ૪૫૦૦ ચૂકવવા હુકમ કર્યો હતો. જો કે, દિલીપ છાબરીયાએ ભરણપોષણની ૧,૦૬,૭૫૦ની રકમ ન ચૂકવી કોર્ટમાં પણ સતત ગેરહાજર રહ્યા હતા. બાદમાં પ્રિન્સીપલ ફેમીલી કોર્ટના જજ એન. કે. પરીખે એડવોકેટ અજય જોબનપુત્રા ની દલીલો ગ્રાહ્ય રાખી દિલીપ છાબરીયાને ૨ વર્ષ, ૧ માસ અને પંદર દિવસની સાદી કેદની સજા તેમજ ભરણ પોષણની રકમ ન ભરતા ૧ વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે. જુનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજે આ ઓડર માં રાજકોટના પોલીસ કમિશ્નર, જિલ્લા અધિક્ષકને આદેશ કરાયો છે કે, દિલીપ છાબરીયાની અટક કરી કોર્ટમાં રિપોર્ટ કરવો. તથા વોરંટની બજવણી ન થાય તો પીએસઆઇએ જૂનાગઢ ફેમીલી કોર્ટમાં ૨ એપ્રિલે હાજર રહેવું. અને જો સબંધિત પી.એસ.આઈ. હાજર રહેવામાં નિષ્ફળ જશે તો, ઇરાદા પૂરક ગેરહાજર રહેલ છે તેવું માની અત્રેની કોર્ટ પી.એસ.આઈ. ને રૂ. ૧૦૦ નો દંડનો આદેશ કરશે તેવો પણ ઉલ્લેખ કરાયો છે.