છ પુત્રીને જન્મ આપનાર પરિણીતા પુત્રને જન્મ ન આપતા કેરોસીન છાંટી મોતને ઘાટ ઉતાર્યા ‘તા: સાસુ અને સસરા નિર્દોષ
અદાલતે કલમ ૩૦૪ પાર્ટ (૨) માની તકસીરવાન ઠેરવી દંડ ફટકાર્યો
વિછીયા તાલુકાના નાના માત્રા ગામે પુત્રના જન્મની લ્હાયમાં કુળવધુને કેરોસીન છાંટી દીવાસળી ચાંપી જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં પતિને ૩૦૪ પાર્ટ (૨)મા ૪ વર્ષની કેદ અને દંડ જયારે સાસુ અને સસરાને નિદોર્ષ છોડી મૂકવાનો ડિસ્ટ્રીકટ જજે ધાક બેસાડતો ચૂકાદો આપ્યો છે.
વધુ વિગત મુજબ વિછીયા નજીક આવેલા નાના માત્રા ગામે રહેતા આશાબેન મનસુખ તલસાણીયા નામની પરિણીતાને ૨૩-૪-૧૮ના દિવસે મારમારી કેરોસીન છાંટી દિવાસળી ચાપતા ગંભીર હાલતમાં પ્રથમ સ્થાનિક અને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવેલા જયાં સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.
પોલીસે ગંભીર રીતે દાઝેલા આશાબેનની ફરિયાદ પરથી પતિ મનસુખ ઘુઘા તલસાણીયા, સાસુ કાંતાબેન અને સસરા ઘુઘા મેઘજીભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રથમ કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદ આશાબેનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાતા કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો.પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં મૃતક આશાબેનને સંતાનમાં છ પુત્રી હોય અને પુત્રનો જન્મ નહી થતા સાસુ સસરા દ્વારા ત્રાસ આપતા હોય આથી આશાબેનના પતિ મનસુખ ઉશ્કેરાય જઈને પત્ની આશાબેનને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી હતી આશાબેનનું સારવારમાં મોત નિપજયું હતુ.
તપાસપૂર્ણ થતા ત્રણેય શખ્સોને જેલ હવાલે કરી તપાસનીશ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ.
રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલ ૨૬ દસ્તાવેજી પૂરાવા અને ૧૫ સાક્ષી તપાસવામાં આવેલા જેમાં પાડોશી મહિલાએ આશાબેનને દાઝેલી હાલતમાં જોયા હતા તેમજ સારવાર કરનાર અને પીએમ કરનાર તબીબ તથા ડી.ડી. લેનાર મેજીસ્ટ્રેટની જુબાની માન્ય રાખી ડીસ્ટ્રીકટ જજ ગીતા ગોપીએ મનસુખ તલસાણીયાને કલમ ૩૦૪ પાર્ટ ૨માં તકસીરવાન ઠેરવી ૪ વર્ષની કેદ અને ૩ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સજા ફરમાવવા આદેશ કર્યો છે.
કાંતાબેન ઘુઘા તલસાણીયા અને ઘુઘા મેઘજીને નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. તરીકે કમલેશ બી. ડોડીયા રોકાયા હતા.