નીચેની કોર્ટ કરેલા હુકમ સામે પતિએ કરેલી અપીલમાં ઉપલી કોર્ટે સજાના વધારા સાથે હુકમ કર્યો
શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા બસેરા ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ જૂનાગઢ સ્થિત પતિ સામે ચડત ભરણ પોષણ મેળવવા કરેલી અપીલ મંજૂર કરી પતિને ૬૨૦ દિવસની સજાનો હુકમ કર્યો છે.
કેસની હકિકત એવી છેકે, શિતલ દિપકકુમાર સુચકના લગ્ન જૂનાગઢ, લાલ બહારદૂર શાસ્ત્રી સોસા. બ્લોક નં. ૨૧માં રહેતા દિપક મનસુખલાલ સુચક સાથે થયેલા જયાં શિતલબેન પતિ, જેઠ અને સાસુ સાથે રહેતા હતા પરંતુ પતિ, સાસુ અને જેઠ દ્વારા ત્રાસ આપી અને પિયરે કાઢી મૂકેલા જેથી શિતલબેન સુચકે પતિ, જેઠ અને સાસુ સામે ઘરેલુ હિંસાની કલમ હેઠળ અરજી ગુજારેલી અને ફેમીલી કોર્ટમાં ભરણ પોષણનોકેસ પણ દાખલ કરેલો જેમાં ભરણ પોષણનોકેસ ચાલી જતા જેમાં અરજીની તારીખથી દર મહિને રૂ.૧૫ હજાર ચૂકવવાનો હુકમ કોર્ટે ફરમાવેલા છતા કોઈ રકમ નહિ ભરતા ચડત ભરણ પોષણની રકમ મેળવવા કરેલી માંગમાં કોર્ટે ૩૬૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલો તેમજ ઘરેલું હિંસાનો કેસ ચાલી જતા મકાન ભાડા પેટેના રૂ.૩૫૦૦ ત્રાસના રૂ ૨૦ હજાર તથા અરજી ખર્ચના રૂ.૨ હજાર મળી રકમ રૂ.૨,૩૯,૦૦૦ દિપક સુચક ઉપર ચડત હોય હુકમનું પાલન કરવા ઘરેલું હિંસાના કાયદાની કલમ ૩૧ તથા ૨૮ મુજબ શિતલ દિપક કુમાર સુચકે છઠ્ઠા એડી. ચીફ જયુડી, મેજી. કોર્ટમાં અરજી ગુજારેલ.
જે અરજી છઠ્ઠા એડી. ચીફ જયુડી મેજી. કોર્ટમાં ચાલી જતા અરજદારના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવેલી અને ચીફ જયુડી. મેજી કોર્ટે સામાવાળા દિપક મનસુખલાલ સુચકને ૬૨૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ.
આ કામમાં અરજદાર શિતલબેન દિપકકુમાર સુચક તરફે રાજકોટના જાણીતા એડવોકેટ અમિત એસ. ભગત, દિપક વી. દત્તા, આનંદકુમાર ડી. સદાવ્રતી તથા ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલા હતા.