જુનાગઢ શહેરની એક મહિલાને ઘરમાંથી કાઢી મૂકતાં પીડિતાએ અડધી રાત્રે ફોન કરતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમ મદદે પહોંચી હતી, અને કાઉન્સેલીગ કરી પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતુ.
જૂનાગઢ શહેરમાંથી અડધી રાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન નંબર પર ફોન આવતા કાઉન્સેલર કાજલબેન કોલડિયા, કોન્સ્ટેબલ કિરણબેન ચૌહાણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અને પીડિત મહિલા એ પોતાની આપવીતીમાં જણાવ્યું હતું કે, પીડિત મહિલાની દીકરીના ફ્રેન્ડનો બર્થ ડે હોય બન્ને મમ્મી દીકરી બર્થ-ડે પાર્ટીમાં ગયા હતા. રાતે પાર્ટીમાંથી પરત આવ્યા બાદ બર્થ-ડે પાર્ટીમાં શા માટે ગયેલ તે બાબતમાંથી માથાકૂટ કરી, ઝઘડો કરી અને મહિલાના પતિએ મારકૂટ કરી બંનેને ઘરની બહાર કાઢી મુકયા હતા.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર તેમના પતિ દારૂ પીને ઘરે આવીને ઝઘડો કરી હેરાન કરતા હતા. ઘણી વખત મહિલાના પિયર પક્ષમાંથી વડીલો દ્વારા પણ મહિલાના પતિને સમજાવવામાં આવેલ હતા પણ સમજતા ન હતા.
જેના પગલે પીડિત મહિલાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમની મદદ લીધી હતી. બન્ને પક્ષનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, પીડિત મહિલા ટીકટોક એપમાં વિડીયો બનાવતી હોય, જે તેમના પતિને પસંદ ન હોવાના કારણે બંને વચ્ચે વારંવાર માથાકૂટ થતી હતી. ત્યારે ૧૮૧ ટીમ દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવેલી, સમજાવીને સમાધાન કરાવ્યું હતુ.